Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કાલમેઘડામાં નિવૃત્ત ડીવાયએસપીના પત્નીએ ટીકડા ગળી લીધાઃ
જામનગર તા. ૨: કાલાવડના કાલમેઘડામાં રહેતા નિવૃત્ત ડીવાયએસપીના પત્નીએ અકળ કારણથી ઝેરી ટીકડા પી લીધા પછી તેઓનું મૃત્યુ થયું છે. કલ્યાણપુરના ખીરસરા ગામના એક યુવાને પત્ની માવતરે ચાલ્યા જતાં માઠું લાગી આવવાથી ગળાફાંસો ખાઈ લીધો છે. અકળ કારણથી ઝેરી દવા પી લેતાં હરિયાવડ ગામના મહિલાનંુ મૃત્યુ થયું છે. તેઓને સારવારમાંથી રજા આપ્યા પછી તબીયત લથડી હતી અને કાળનો પંજો પડ્યો હતો. ખંભાળિયાના સંજયનગરના એક પ્રૌઢે અકળ કારણથી ગળાટૂંપો ખાઈ લીધો હતો. પ્રેમીએ લગ્ન કરવાની ના પાડી દેતાં હૃદયભગ્ન યુવતીએ ઝેરી દવા પી જિંદગીનો અંત આણ્યો છે.
કાલાવડ તાલુકાના કાલમેઘડા ગામમાં રહેતા રિટાયર્ડ નાયબ પોલીસ અધિક્ષક નરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજાના પત્ની તારાબાએ શુક્રવારે બપોરે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણસર ઝેરી ટીકડા ગળી લીધા હતા.
તેની જાણ થતા આ મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું સારવાર દરમિયાન શનિવારે મૃત્યુ નીપજ્યું છે. પોલીસને બનાવની જાણ કરવામાં આવતા દોડી ગયેલી કાલાવડ ગ્રામ્ય પોલીસે પતિ નરેન્દ્રસિંહનું નિવેદન નોંધી મહિલાની આત્મહત્યાનુંું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામમાં રહેતા અરવિંદભાઈ રાણાભાઈ વાઘ (ઉ.વ.૪૭) નામના યુવાને ગઈકાલે બપોરે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો. તેઓનું મૃત્યુ નિપજ્યું છે. મૃતકના સંબંધી વિનયભાઈ દાનાભાઈ વાઘે પોલીસને જાણ કરી છે. તેઓના નિવેદનમાં જણાવવામાં આવ્યા મુજબ અરવિંદભાઈ અને તેમના પત્ની વચ્ચે કોઈ બાબતે વિખવાદ થયા પછી પત્ની જયાબેન પોતાના પિયર ચાલ્યા ગયા હતા. તે બાબતનું માઠું લાગી આવતા અરવિંદભાઈએ ગળાટૂંપો ખાઈ લીધો છે. પોલીસે નિવેદનની નોંધ કરી તપાસ આદરી છે.
ખંભાળિયા તાલુકાના હર્ષદપુરમાં આવેલા સંજયનગરમાં વસવાટ કરતા અરબભાઈ જુમાભાઈ મેર (ઉ.વ.૫૪) નામના પ્રૌઢે શનિવારે સાંજે પોતાના ઘરમાં કોઈ અકળ કારણથી દુપટ્ટા વડે છતમાં રહેલા હુંકમાં ગાળીયો બનાવી ગળાફાંસો ખાઈ લીધો હતો. તેઓનું મૃત્યુ નિપજ્યું છે. સાહીદાબેન અજીતભાઈ સંઘારે પોલીસને જાણ કરી છે.
કલ્યાણપુરમાં વસવાટ કરતા શાંતિબેન ભીખાભાઈ ગામી (ઉ.વ.ર૬) નામના યુવતીએ ગઈ તા.૧૭ના દિને વીલીબેન રામાભાઈ ગામીના ઘરે જઈ તેમના બાથરૂમમાં પડેલી ઝેરી પ્રવાહીની બોટલ મોઢે માંંડી લીધી હતી. તેની અસર થઈ જતાં શાંતિબેનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. માતા લાખીબેન ભીખાભાઈ ગામીએ પોલીસને જાણ કરી છે.
તેઓએ જણાવ્યા મુજબ તેમની પુત્રીને રાવલ ગામના અશોક લખુભાઈ વાઘેલા સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. તે પછી ફોન પર વાતો કરતા રહેતા શાંતિબેને લગ્ન માટે અશોક સમક્ષ પ્રસ્તાવ મૂક્યો હતો પરંતુ અશોકે લગ્ન કરવાની ના પાડી દેતા શાંતિબેન પ્રેમભગ્ન થયા હતા. નાસીપાસ થઈ તેણીએ પાડોશમાં રહેતા વીલીબેન ગામીના ઘરે કોઈ હાજર ન હતું ત્યારે ત્યાં જઈ જલદ પ્રવાહી પી લીધુ હતું અને સારવારમાં મૃત્યુ નિપજ્યું હતું.
કલ્યાણપુર તાલુકાના હરીયાવડ ગામમાં રહેતા મધુબેન અશ્વિનભાઈ હડિયલ (ઉ.વ.૩૧) નામના સતવારા પરિણીતાએ પોતાની માનસિક બીમારીથી કંટાળી જઈને ગઈ તા.૨૦ના દિને ઝેરી દવા પી લીધી હતી. તેઓને સારવાર માટે ખંભાળિયાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં બે દિવસ સુધી સારવાર અપાયા પછી સારૂ થઈ જતાં મધુબેનને રજા આપવામાં આવી હતી. ઘેર પહોંચેલા આ મહિલાની બુધવારે તબીયત લથડ્યા પછી વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું ગઈકાલે મૃત્યુ નિપજ્યાનું પતિ અશ્વિનભાઈ નરશીભાઈ હડિયલે પોલીસમાં જાહેર કર્યું છે. પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial