Advertisement
Author: નોબત સમાચાર

આજથી પુનઃ હજારો ખેડૂતોનું 'ચલો દિલ્હી' આંદોલનઃ સંસદ ઘેરાવનું આયોજન

દિલ્હી તરફ જવાના માર્ગો પર ચક્કાજામઃ સંયુક્ત કિસાન મોરચાના નેજા હેઠળ

નવી દિલ્હી તા. રઃ સંયુક્ત કિસાન મોરચાના નેજા હેઠળ આજે હજારો ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરશે. એક દિવસ પહેલા ખેડૂતો અને વહીવટીતંત્ર વચ્ચે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. રવિવારે જ્યારે માંગણીઓ પર કોઈ સહમતિ ન બની ત્યારે તેમણે 'ચલો દિલ્હી'ના નારા લગાવ્યા હતાં. ખેડૂતો હવે સંસદનો ઘેરાવ કરવા માંગે છે. આંદોલનકારી ખેડૂત સંગઠનો જમીન સંપાદનથી પ્રભાવિત ખેડૂતોને ૧૦ ટકા વિકસિત પ્લોટ અને નવા જમીન સંપાદન કાયદાના લાભની માંગ કરી રહ્યા છે.

હાલમાં ખેડૂતોની જાહેરાત પછી નોઈડા અને દિલ્હી પોલીસ સતર્ક થઈ ગઈ છે અને બોર્ડર પર તકેદારી રાખવામાં આવી રહી છે. નોઈડાને અડીને આવેલી તમામ બોર્ડર પર બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. નોઈડા અને દિલ્હી પોલીસે સંકલન સ્થાપિત કર્યું છે. મેટ્રોનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.

ભારે ટ્રાફિક જામ, પોલીસ સ્ટેન્ડબાય પર

દિલ્હી તરફ જતા રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામ છે. ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરવા પર અડગ છે. દિલ્હી-નોઈડા અને ચિલ્લા બોર્ડર ખેડૂતોને રોકવા માટે પોલીસને સ્ટેન્ડબાય રાખવામાં અવી છે. સવારથી જ અહીં ભારે ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે.

ખેડૂતોનું કહેવું છે કે નવા જમીન સંપાદન કાયદા મુજબ ૧ જાન્યુઆરી ર૦૧૪ પછી સંપાદિત થયેલી જમીન માટે ચારગણું વળતર મળવું જોઈએ. ગૌતમ બુદ્ધ નગરમાં છેલ્લા ૧૦ વર્ષથી સર્કલના દરમાં વધારો કરવામાં આવ્યો નથી. નવા જમીન સંપાદન કાયદાનો લાભ જિલ્લામાં લાગુ થવો જોઈએ.

ખેડૂતો ઈચ્છે છે કે જમીન સંપાદનના બદલામાં તેમને ૧૦ ટકા વિકસિત જમીન આપવામાં આવે અને ૬૪.૭ ટકાના દરે વળતર આપવામાં આવે. જમીનદાર અને ભૂમિહીન ખેડૂતોના બાળકોને રોજગાર અને પુનઃવિકાસનો લાભ મળવો જોઈએ. હાઈ પાવર કમિટીની ભલામણોનો અમલ થવો જોઈએ. વસતિવાળા વિસ્તારનો યોગ્ય રીતે નિકાલ થવો જોઈએ. આ તમામ નિર્ણયો સરકારી સ્તરે લેવાના હોય છે.

આ ઉપરાંત સૌથી પ્રાથમિક માગ છે એમપીએસ એટલે કે મીનીમમ સપોર્ટ પ્રાઈઝ માટે કાયદો બનાવવો, સ્વામીનાથન આયોગની ભલામણ લાગુ કરવા, જે ખેડૂતો આંદોલનમાં સામેલ છે તેમની કૃષિ લોન માફ કરવા, લખીમપુર ખીરી હિંસાના પીડિતો માટે ન્યાય, ભારતને ડબલ્યુટીઓમાંથી બહાર કરવા, કૃષિ ચીજવસ્તુઓ, દૂધની બનાવટો, ફળો, શાકભાજી અને માંસ પરની આયાત જકાત ઘટાડવા માટે ભથ્થું વધારવાની માગણી કરવામાં આવી છે. પ૮ વર્ષથી વધુ વયના ખેડૂતો/ખેતમજૂરો માટે પેન્શન યોજના લાગુ કરી દર મહિને રૂ. ૧૦ હજાર પેન્શન આપવા, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનામાં સુધારો કરવા, રાજ્યોને જમીન સંપાદન માટે આપવામાં આવેલી સૂચનાઓ રદ્ કરવા તથા જંતુનાશકો, બિયારણ, ખાતર અધિનિયમમાં સુધારો કરવા માંગણી કરવામાં આવી છે.

ભારતીય કિસાન પરિષદ, કિસાન મજદૂર મોરચા અને સંયુક્ત કિસાન મોરચા જેવા અન્ય ઘણાં ખેડૂત સંગઠનો સાથે મળીને આજે દિલ્હી તરફ કૂચ કરવાની જાહેરાત કરી હતી. બીકેપી નેતા સુખબીર ખલીફાના નેતૃત્વમાં પહેલું જુથ ૩ ડિસેમ્બરે બપોરે ૧ર વાગ્યે નોઈડામાં મહામાયા ફ્લાયઓવરની નીચેથી તેમની કૂચ શરૂ કરશે.

વિરોધ કરી રહેલા ખેડૂતો બપોરે ૧ર વાગ્યે મહામાયા ફ્લાયઓવર પાસે એકઠા થઈને ત્યાંથી ટ્રેક્ટરમાં દિલ્હી તરફ કૂચ કરશે. ગૌતમ બુદ્ધનગર, બુલંદ શહેર, અલીગઢ, આગ્રા સહિત ર૦ જિલ્લાના ખેડૂતો દિલ્હી કૂચમાં જોડાઈ રહ્યા છે.

ખેડૂતોની દિલ્હી કૂચને ધ્યાનમાં રાખીને પોલીસે ટ્રાફિક એડવાઈઝરી જારી કરી છે. જિલ્લાના વિવિધ ચોકો પર મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે. નોઈડા-દિલ્હી બોર્ડર પર પણ ભારે પોલીસ ફોર્સ તૈનાત છે. ખેડૂતોને રોકવા માટે પોલીસ સ્ટેશન અને પીએસી તૈનાત કરી દેવામાં આવ્યા છે. દિલ્હીની બોર્ડર પર બેરિયર લગાવીને ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. અનેક માર્ગો ડાયવર્ટ કરવામાં આવ્યા છે.

સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજદૂર મોરચાના બેનર હેઠળ ખેડૂતો ૧૩ ફેબ્રુઆરી ર૦ર૪ થી શંભુ અને ખનૌરી બોર્ડર પાસે હડતાળ પર બેઠા છે. સુરક્ષા દળોએ તેમની દિલ્હી કૂચ અટકાવી દીધી હતી. આ સરહદો પર ખેડૂતો ર૯૩ દિવસથી આંદોલન કરી રહ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh