Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેશની રાજધાની દિલ્હીથી લઈને ગુજરાતની રાજધાની ગાંધીનગર અને જિલ્લાઓના વડામથકો સહિત નાના-મોટા તમામ શહેરોની ઓજીંદી સ્વચ્છતાની સાથે જ દરરોજ જંગી જથ્થામાં એકત્રિત થતા કચરાના નિકાલની સમસ્યા વિકરાળ બની રહી છે અને આ મુદ્દો સરકારો માટે ગળાની ફાંસ જેવો બની રહ્યો છે. મ્યુનિસિપાલિટીઓના નવા સ્વરૂપો નાના-મોટા અને મેટ્રોપોલિટન શહેરોના વસ્તી વિસ્તાર મુજબ વર્ગકૃત થયા છે, અને તેને પૂરતા પ્રમાણમાં ફંડીંગ તથા કરવેરાનું જંગી કલેક્શન થતું હોવાથી સાધનો-વ્યવસ્થાઓ ઊભી કરવાનું પહેલા કરતા સરળ બન્યું છે, તેમ છતાં કચરા કલેક્શન અને તેના પર્યાવરણીય ઢબે વૈજ્ઞાનિક પદ્ધતિથી યોગ્ય નિકાલ કરવાની સમસ્યા ઉકેલાઈ રહી નથી, તેની પાછળ પોલિટિકલ વિલ પાવર (રાજકીય ઈચ્છા શક્તિ) નો અભાવ તથા કોઈ અદૃશ્ય પરિબળોના કારનામા પણ કારણભૂત હોય તેમ જણાય છે, અને આવું થવાની પાછળ રાજકીય અને સામાજિક બેદરકારી અથવા અલ્પજાગૃતિ પણ જવાબદાર છે.
અન્ના આંદોલનમાંથી ઉત્પન્ન થઈને કટ્ટર ઈમાનદાર તરીકે કેજરીવાલે દિલ્હી વિધાનસભામાં જ્યારે પ્રથમ વખત ભાજપ-કોંગ્રેસને મહાત આપીને ૭૦ માંથી ૬૭ બેઠકો મેળવીને દિલ્હીની સત્તા પ્રાત કરી ત્યારે 'અચ્છે દિન'ના આહ્વાન સાથે કેન્દ્રમાં સત્તા મેળવવા નરેન્દ્રભાઈ મોદીનો સૂર જ સોળે કળાએ ખીલેલો હતો. વર્ષ ર૦ર૦ માં પણ ફરીથી કેન્દ્રમાં મોદી (એનડીએ) સરકારે સોલીડ બહુમતી મેળવી હતી, તેમ છતાં વર્ષ ર૦ર૦ માં કેજરીવાલને હરાવી શકાયા નહોતા અને ૭૦ માંથી ૬૩ બેઠકો મેળવીને ફરી કેજરીવાલની સરકારે ધૂમધડાકા સાથે પુનઃ સત્તા પ્રાપ્ત કરી હતી. આ જ સરકાર વર્ષ ર૦રપ માં ફેંકાઈ ગઈ, તેની પાછળ શરાબ કૌભાંડ તથા અન્ય કૌભાંડોની સાથે સાથે દિલ્હીના કચરાનો જંગી પર્વત પણ જવાબદાર હતો. દિલ્હીમાંથી નીકળતા લાખો ટન કચરાના જે પર્વતો ખડકાયા હતાં, તેને હટાવવામાં આમ આદમી પાર્ટીને એમસીડીમાં પણ સત્તા મળી હતી, તેમ છતાં એ પર્વતો હટાવવા તો દૂર રહ્યા તેમાં બહુ ઘટાડો પણ થયો નહીં, તેથી લોકોમાં ભારે નારાજગી હતી.
હજુ પણ આ સમસ્યા અડધી જ ઉકેલાઈ છે. વર્તમાન દિલ્હી સરકારના દાવા મુજબ ઓખલા લેન્ડ ફીલનો કચરો સાફ કરી દેવાયો છે, અને એમસીડીના દાવાઓ મુજબ ભલસ્વા અને ગાજીપુરમાં પણ બાયોમાઈનીંગ પ્રક્રિયાથી કચરાના ડુંગર સાફ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. બાયો રેમેડિએશન તથા બાયોમાઈનીંગ પ્રક્રિયાથી રિસાઈક્લીંગ કરીને કચરાને ઈંધણ અને ઊર્જા તથા ફર્ટિલાઈઝરમાં બદલીને વેસ્ટમાંથી બેસ્ટનો અભિગમ અપનાવાઈ રહ્યો છે.
દિલ્હીમાં એક દાયકાની અત્યંત લોકપ્રિય બનેલી 'આપ' સરકારને ઘેર બેસાડી દેનાર જનતા જો સંતોષ નહીં થાય તો વર્ષ ર૦૩૦ ની દિલ્હી વિધાનસભાની ચૂંટણી અને એમસીડીની આગામી ચૂંટણીમાં પોતાનો જનાદેશ બદલી શકે છે અને ભાજપ 'આપ' સિવાયના ત્રીજા પક્ષને પસંદ કરી શકે છે.
ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં પણ હજારો ટન જુના કચરાના ગંજ ખડકાયા હોવાથી મુખ્ય ડમ્પીંગ સાઈટનું પ્રદૂષણ અંદાજે અડધો કિલોમીટર જેટલી કે તેનાથી પણ ઓછી દૂર હોવાથી સાબરમતી નદીને પ્રદૂષિત કરે તેવી સંભાવનાઓ જણાવાઈ રહી છે.
જામનગરમાં તો ઘનકચરો બાળવાનો પ્લાન્ટ જ લાંબા સમયથી બંધ છે, અને તેમાં પણ વારંવાર આગ લાગવાની ઘટનાઓ પછી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સ્પે. સેલની નોટીસ ચર્ચાના ચાકડે ચડી છે. હોદ્દાની રૂએ જિલ્લાના કલેક્ટરે જો જામનગર મહાનગરપાલિકાને આ આ મુદ્દે નોટીસ ફટકારવી પડી હોય, તો તે જામનગરની કચરાનિકાલની બોદી સિસ્ટમની ગવાહી પૂરે છે.
પાંચ વર્ષ પહેલા જામ્યુકોની જુની બોડી (શાસકો) એ ફાળવેલી જમીન પર કચરો બાળીને ઊર્જા ઉત્પન્ન કરવાનો રજ્યનો પ્રથમ પ્લાન્ટ હોવાનો ઢંઢેરો પીટવામાં આવ્યો હતો અને વાહવાહી લૂંટવામાં આવી હતી. તે પછી ચારેક વર્ષ તો ગાડું ગબડાવ્યું, પરંતુ એકાદ વર્ષથી આ પ્લાન્ટ બંધ પડ્યો અને તે પછી ગુલાબનગર પાસેની ડમ્પીંગ સાઈટ પર કચરો ઠલવાતા જે કચરાનો ડુંગર ઊભો થયો છે, તે એક સમયે દિલ્હીની સત્તાના પાયા ડગમગાવનાર દિલ્હીના કચરાનો ઊંચો પહાડ જેવો જ બનવા જઈ રહ્યો છે. જો આ ડુંગર વધુને વધુ ઊંચો થતો જશે, તો તે ગંભીર સ્થિતિ ઊભી કરી શકે છે. હવે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ 'એક્ટીવ' થયું છે, અને જિલ્લા પર્યાવરણ સમિતિ, પ્રદૂષણ નિયંત્રણ સાથે સંબંધિત સંસ્થાઓ પણ સળવળી છે, ત્યારે આ મુદ્દે કોઈ પરિણામલક્ષી કદમ ઊઠાવાશે, તેવી આશા જાગી છે.
યાત્રાધામ દ્વારકામાં નગરપાલિકા દ્વારા મંદિર સંકુલ તથા આજુબાજુના વિસ્તારોમાં તો સફાઈ થાય છે અને ડોર-ટુ-ડોર કચરા સંગ્રહ પણ થાય છે, તેમ છતાં અનિશ્ચિત રહેતી ફ્લોટીંગ પોપ્યુલેશન તથા ચોતરફ વિસ્તરી રહેલા વિસ્તારોમાં ઘણાં સ્થળે કચરાના ઢગ જોવા મળે છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામ-ખંભાળિયામાં દૈનિક સફાઈની સમસ્યા થોડા મહિનાઓ પહેલા ઊભી થઈ હતી, પરંતુ આ વ્યવસ્થા ઠીકઠાક કરવાનો પ્રયાસ થયો છે, જો કે મુખ્યબજાર, સલાયા ગેઈટ, સોસાયટી વિસ્તારોમાં કચરો તથા ગંદકી ફેલાવા પાછળ સફાઈ પ્રત્યેની જાગૃતિનો અભાવ પણ જવાબદાર છે, જેથી જામ-ખંભાળિયામાં રહેતા તથા દરરોજ આજુબાજુના ગામડાઓમાંથી હટાણું કરવા આવતા લોકોમાં પણ સ્વયંસિસ્ત માટેની જાગૃતિ વધારવી જરૂરી છે.
હાલારમાં ઓખા, સૂરજકરાડી, ભાટિયા, રાવલ, ભાણવડ, સલાયા, સિક્કા, જામજોધપુર, કાલાવડ, ધ્રોળ, જોડિયા, ફલ્લા, મોટી ખાવડી, વાડીનાર, ભાડથર, લાલપુર સહિતના મોટા કેન્દ્રોમાં પણ કચરા નિકાલની આવી જ સમસ્યા છે, જેનું નિવારણ કરવા રાજ્ય કક્ષાએથી કાર્યયોજના બનવી જરૂરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial