Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં 'મોર્ડનાઈઝેશન વિધાઉટ વેસ્ટર્નાઈઝેશન' પ્રમાણે નિઃશુલ્ક વાસણ સહકારી બેંકનો થશે આરંભ

પ્લાસ્ટિકનું પ્રદુષણ ઘટાડવા ધરોહર સંસ્થા દ્વારા નવતર પ્રયોગ

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૪: જામનગરના સ્થાપના દિવસે શહેરની 'ધરોહર' સંસ્થા દ્વારા 'મોર્ડનાઈઝેશન વિધાઉટ વેસ્ટર્નાઈઝેશન' એટલે કે પશ્ચિમી અનુકરણ વગરની આધુનિકતાના સિદ્ધાંતને અપનાવીને પર્યાવરણને બચાવવાના ભાગરૂપે પ્લાસ્ટિકનો ઉપયોગ અને તેનાથી થતા પ્રદુષણ ઘટાડવા માટે એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. શહેરમાં પ્રથમ વખત નિઃશુલ્ક 'શ્રી વાસણ સહકારી બેંક' શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

આ પ્રકલ્પ હેઠળ લોકો લગ્ન પ્રસંગ, સામાજિક તથા અન્ય પ્રસંગોએ જરૂરિયાત મુજબના વાસણો નિઃશુલ્ક મેળવી શકશે અને ઉપયોગ કર્યા બાદ વાસણોને સ્વચ્છ કરીને પરત જમા કરાવવાના રહેશે. આ પહેલથી 'યુઝ એન્ડ થ્રો' ની પ્રથા અને પ્લાસ્ટિકના ઉપયોગમાં ઘટાડો લાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો છે.

શ્રાવણ સુદ સાતમ, તા. ૧૯-ઓગસ્ટે છોટી કાશી જામનગરના ૪૮૭મા સ્થાપના દિવસે શહેરની સ્થાપનાની થાંભલીનું 'ધરોહર' સંસ્થાના અગ્રણીઓ અને સંયોજક કમલભાઈ દવે, નિર્મલસિંહ જાડેજા, એડવોકેટ હિતેનભાઈ ભટ્ટ સહિતનાઓએ પૂજન કર્યુ હતું. ત્યારપછી લાલબંગલા સર્કલમાં આવેલી દેશના પ્રથમ સર સેનાપતિ રાજેન્દ્રસિંહની પ્રતિમા પાસે પર્યાવરણ બચાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.

આ પ્રસંગે 'ધરોહર' સંસ્થા દ્વારા  'શ્રી વાસણ સહકારી બેંક' નામના આ પ્રકલ્પનો આરંભ કરવામાં આવ્યો હોવાની જાહેરાત કરવામાં આવી હતી. સંસ્થાના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, આધુનિકતા અપનાવવાની સાથે પશ્ચિમી 'યુઝ એન્ડ થ્રો' સંસ્કૃતિથી દૂર રહીને પર્યાવરણલક્ષી જીવનશૈલી વિકસાવવાના ઉદ્દેશ્યથી આ પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે.

પ્રકલ્પને સાકાર કરવા માટે શહરેના વિવિધ જ્ઞાતિ અને સમાજોના આગેવાનોનો સંપર્ક કરીને સંકલન સાધવામાં આવ્યું છે. પ્રોજેક્ટની મુખ્ય જવાબદારી કમલભાઈ દવે સંભાળી રહ્યાં છે.

આ પ્રકલ્પને સાકાર કરવા ગુરૂ દત્તાત્રેય પ્રભાત શાખાના પ્રેમજીભાઈ ડાભી, વૃજલાલભાઈ પાઠક, પિનલ હસુભાઈ કોઠારી, પૂર્વ ડીજીપી અને પૂર્વ સેશન્સ જ્જ અશોકભાઈ નંદા, જુનાગઢના પ્રભારી તથા પૂર્વ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દાસાણી તેમજ આહિર સમાજના પ્રમુખ એડવોકેટ રણમલભાઈ કાંબરીયા સહિતના આગેવાનો જોડાયા છે.

આગામી દિવસોમાં 'શ્રી વાસણ સહકારી બેંક' ની કામગીરી, વાસણ મેળવવાની પ્રક્રિયા અને અન્ય વ્યવસ્થાઓ અંગે વિગતવાર જાહેરાત કરવામાં આવશે, તેમ ધરોહર સંસ્થા દ્વારા જણાવાયું છે. ઉપરાંત આ કાર્ય માટે સેવા આપવા ઈચ્છતા યુવાનો અને વરિષ્ઠ નાગરિકોએ જામનગરમાં વિરલબાગ પાસે, ગુરૂદત્તાત્રેય પ્રભાત શાખા પર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh