Advertisement
Author: નોબત સમાચાર

ધુંવાવ પાસે બુલેટ-બસની ટક્કરઃ દંપતીનું મૃત્યુઃ સણોસરી નજીક અકસ્માતમાં વૃદ્ધનો ભોગ

ખાનગી કંપનીમાં ટાયર નીચે પથ્થર મૂકવા જતાં ડ્રાઈવર પર ટ્રક ફરી વળ્યોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૪: જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધુંવાવ પાસે ગઈકાલે સાંજે એરફોર્સના એક કર્મચારી પોતાના પત્ની સાથે બાઈક પર જતા હતા ત્યારે ખાનગી ટ્રાવેલ્સની બસ સાથે અકસ્માત સર્જાતા આ દંપતીનંુ મૃત્યુ નિપજ્યું છે. લાલપુર-પોરબંદર રોડ પર સણોસરી પાટીયા પાસે શુક્રવારે સર્જાયેલા અકસ્માતમાં નગરના વૃદ્ધનો ભોગ લેવાયો છે. જોગવડ પાસે ખાનગી કંપનીમાં ટ્રકના ટાયર નીચે પથ્થર મૂકવા જઈ રહેલા ડ્રાઈવર પર ટ્રક ફરી વળ્યો છે. ગુલાબનગર પાસે એક ટ્રક ડિવાઈડર પર ચઢી જતાં વીજ થાંભલા અને ઝાડ પડી ગયા છે. ઉપરાંત દરેડ નજીક બાઈક સાથે મોટર ટકરાઈ પડતા બેને ઈજા થઈ છે. દિ. પ્લોટમાં રિક્ષા પર ઝાડ પડતા એક વૃદ્ધને ઈજા થઈ છે.

જામનગર નજીકના કનસુમરા પાટિયા સામે આવેલા માધવબાગ ૬માં રહેતા દેવાણંદભાઈ માલદેભાઈ કાંબરીયા નામના ૬૨ વર્ષના વૃદ્ધ ગઈ તા.૨૧ની સવારે દસેક વાગ્યે પોતાની જીજે-૧૦ ડીએ ૫૮૯૯ નંબરની ક્રેટા મોટર લઈને જામનગરથી જામજોધપુર જવા માટે નીકળ્યા હતા.

તેઓ જ્યારે લાલપુર-પોરબંદર રોડ પર સણોસરી ગામના પાટીયા પાસે પહોંચ્યા ત્યારે જીજે-૩-બીવી ૬૧૨૭ નંબરની આઇશર કંપનીની મીની બસ ધડાકાભેર ટકરાઈ પડી હતી. મહાદેવ ટ્રાવેલ્સની આ બસે સર્જેલા અકસ્માતમાં દેવાણંદભાઈને માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા થઈ હતી. આ વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું છે. તેમના પુત્ર કલ્પેશભાઈ કાંબરીયાએ લાલપુર પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવી છે. પોલીસે બસના ચાલક સામે ગુનો નોંધ્યો છે.

ખંભાળિયા તાલુકાના ઠાકરશેરડી ગામના રાજશીભાઈ મેરામણભાઈ કંડોરીયા (ઉ.વ.૩૯) નામના યુવાન જીજે-૨૩-એડબલ્યુ ૬૮૪૨ નંબરના ટ્રકનું ડ્રાઈવીંગ કરતા હતા. ગઈ તા.૧૪ની રાત્રે બેએક વાગ્યે રાજશીભાઈ જોગવડ પાસે ખાનગી કંપનીમાં પોતાનો ટ્રક લઈને આવ્યા પછી ત્યાં પાર્ક કરતા હતા. ઢાળમાં રહેલા ટ્રકના ટાયર હેઠળ પથ્થર મૂકવા જઈ રહેલા આ યુવાન અકસ્માતે રળી રહેલા ટ્રક હેઠળ ચગદાઈ ગયા હતા તેમના પેટ પરથી ટ્રકનું તોતિંગ ટાયર ફરી વળતા તેઓને ગંભીર ઈજા થઈ હતી. સારવાર માટે નજીકમાં આવેલી હોસ્પિટલમાં લઈ જવાયેલા રાજશીભાઈનું મૃત્યુ નિપજ્યું છે. તેમના મોટાભાઈ ખીમાણંદભાઈ કંડોરીયાએ પોલીસને જાણ કરી છે.

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા ધુંવાવ ગામ પાસેથી ગઈકાલે સાંજે છએક વાગ્યે એરફોર્સના કર્મચારી ગુરજીન્દરસિંગ ગુરૂમીતસિંગ નામના યુવાન પોતાના પત્ની લવલીન કૌર સાથે પીબી-૪ર-ઈ ૫૪૭૭ નંબરના બુલેટ મોટરસાયકલમાં જતા હતા ત્યારે સામેથી ધસી આવેલી જીજે-૧૦-ટીવાય ૪૫૮૧ નંબરની વરૂડી ટ્રાવેલ્સની બસ સાથે બુલેટ અથડાઈ પડતા ગુરજીન્દરસિંગ અને લવલીન કૌર રોડ પર પછડાયા હતા. બંને વ્યક્તિના માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યા છે. એરફોર્સના કર્મચારી નાગેન્દ્રકુમાર ક્રિષ્નાપ્રસાદસિંગ દ્વારા પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બસચાલક સામે ફરિયાદ નોંધાવાઈ છે.

જામનગરના દરેડ પાસે ખોડિયારનગરમાં રહેતા મૂળ પોરબંદરના અમર ગામના વતની ભરતભાઈ રામાભાઈ ચૌહાણ તથા ડોસાભાઈ બેચરભાઈ ગેડા ગઈ તા.૮ની સવારે જીજે-૩૭-એન ૮૧૯ નંબરના બાઈકમાં પાન-મસાલો લઈને જતા હતા ત્યારે દરેડ નજીક શ્રીનાથજી ઈન્ડસ્ટ્રીઝ તરફ જવાના રોડ પર ક્રોસ કરતી વેળાએ જીજે-૩૭-જે ૮૭૨૮ નંબરની મોટર ટકરાઈ પડી હતી. આ અકસ્માતમાં ડોસાભાઈને પગમાં ફ્રેક્ચર થયું છે અને ભરતભાઈને પગ તથા માથામાં ઈજા થઈ છે. પંચકોશી બી ડિવિઝનમાં તેની ફરિયાદ કરાઈ છે.

જામનગર-લાલપુર ધોરીમાર્ગ પર એસઆરપી કેમ્પ નજીક ગઈકાલે એક બાઈક તથા મોટર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં ત્રણ વ્યક્તિને નાની મોટી ઈજા થઈ હતી.

જામનગરના ગુલાબનગર પાસે પુરપાટ ઝડપે ધસી આવેલા એક મીની ટ્રકના ચાલકે કોઈ કારણથી કાબૂ ગૂમાવતા આ ટ્રક ડિવાઈડર પર ચઢી ગયો હતો. જેના પગલે સ્ટ્રીટલાઈટનો થાંભલો રોડ પર ધરાશાયી થયો હતો અને એક વૃક્ષ પણ પડી ગયું હતું. રોડ પર તે સમયે કોઈ વાહન પસાર થતું ન હોવાથી સદનસીબે જાનહાની ટળી હતી.

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૧૩ પાસે શનિવારે સાંજે એક વૃક્ષ ધરાશાયી થતાં તેની નીચે પડેલી રિક્ષા દબાઈ ગઈ હતી. રિક્ષામાં બેસેલા એક વૃદ્ધને ઈજા થઈ હતી. દોડી ગયેલી ફાયરબ્રિગેડે વૃક્ષની ડાળીઓ કાપી વૃદ્ધને બહાર કાઢ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh