Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખેડૂતો, યુવાનો, મહિલાઓ, ગરીબોને લાભદાયી યોજનાઓઃ આંધ્ર-બિહારને વિશેષ ફાળવણીઃ મોદી સરકાર ૩.૦ નું બજેટ રજૂ કરતા નાણામંત્રી નિર્મલા સીતારમણ
નવી દિલ્હી તા. ર૩ફ આજે મોદી સરકાર ૩.૦ નું પૂર્ણ બજેટ નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેર કર્યું છે, જેમાં રોજગાર, યુવાવર્ગ, ખેડૂતો, ગરીબોને લાભદાયી યોજનાઓ જાહેર કરાઈ છે, અને આંધ્રપ્રદેશ તથા બિહારને વિશેષ ફાળવણી કરી હોય તેમ જણાય છે. આવકવેરાના ક્ષેત્રે પણ મહત્ત્વના ફેરફાર થયા છે, જેથી નોકરિયાત વર્ગને રહત મળશે, તેમ જણાય છે.
કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ ર૦ર૪-રપ માટે સામાન્ય બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં જનતાને અનેક ભેટો આપવામાં આવી છે. બજેટમાં આરોગ્ય, શિક્ષણ, કૃષિ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર મૂકવામાં આવ્યો છે. જો આપણે કૃષિ ક્ષેત્રની વાત કરીએ તો સરકાર દ્વારા કૃષિ સંશોધનની સ્થાપના કરવામાં આવશે અને તેના માટે ભંડોળ પૂરૂ પાડવામાં આવશે.
નાણામંત્રીએ કહ્યું કે, કુદરતી ખેતીનું પ્રમાણપત્ર કરવામાં આવશે. ૧૦ હજાર બાયો રિસર્ચ સેન્ટર બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે, કુદરતી ખેતી માટે એક કરોડ ખેડૂતોને મદદ આપવામાં આવશે, તેમજ તેનો અમલ ગ્રામ પંતાયનો દ્વારા કરવામાં આવશે. આ ઉપરાંત મંત્રીએ કહ્યું કે, ૩ર પાકોની ૧૦૯ જાતો લાવવામાં આવશે. તેની પર સરકારનું ફોકસ રહેશે. શાકભાજીની સપ્લાય ચેઈન પર ભાર મૂકવામાં આવશે. કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે ૪૦૦ જિલ્લામાં પાકનો ડિજિટલ સર્વે કરવામાં આવશે.
આ બજેટમાં ખેડૂતો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું. બજેટમાં ખેડૂતોને ઘણી ભેટ મળી છે. જેમાંથી એક સારા સમાચાર પીએમ કિસાન ક્રેડિટ કાર્ડને લઈને પણ આવ્યા છે. નાણામંત્રીએ કહ્યું કે દેશના પાંચ રાજ્યોમાં જન સમર્થ આધારિત કિસાન ક્રેડિટ કાર્ડ જારી કરવામાં આવશે.
સામાન્ય બજેટમાં આંધપ્રદેશ માટે મોટી જાહેરાતો કરવામાં આવી છે. રાજ્યને નાણાકીય વર્ષ ર૦રપ માટે ૧પ હજાર કરોડ રૂપિયાની નાણાકીય સહાય મળી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં આંધ્રપ્રદેશ માટે ૧પ હજાર કરોડ રૂપિયા મંજુર કર્યા છે. બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રીએ કહ્યું કે કેન્દ્ર આંધ્રપ્રદેશ પુનર્ગઠન કાયદા હેઠળ રાજ્યની રાજધાની સંબંધિત જરૂરિયાતોને સમજે છે અને તેથી જ આ મદદ આપવામાં આવી રહી છે અને કેન્દ્ર વિવિધ એજન્સીઓ દ્વારા આ મદદ પૂરી પાડશે.
નાણામંત્રીએ કહ્યું કે વર્તમાન નાણાકીય વર્ષ માટે સરકાર વિવિધ એજન્સીઓ દ્વારા ૧પ હજાર કરોડ રૂપિયાની સહાય આપશે અને ભવિષ્યમાં વધારાની સહાય પણ આપવામાં આવશે. તેમણે એમ કહ્યું કે સરકાર આંધ્રપ્રદેશની પોલાવરમ સિંચાઈ પ્રોજેક્ટને પૂર્ણ કરવા અને તેના માટે નાણાકીય સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે. આ પ્રોજેક્ટ આંધ્રપ્રદેશ અને તેના ખેડૂતો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ સાથે તે દેશને ખાદ્ય સુરક્ષા પ્રદાન કરવામાં પણ મદદરૂપ બનશે.
બિહારના વિકાસ માટે વિવિધ સહાય પ્રદાન કરવામાં આવશે. આંધ્રપ્રદેશ માટે જીવાદોરી સમાન પોલ્લાવરમ ઈરિગેશન પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે, જેનો સીધો લાભ ખેડૂતોને મળશે. તેના આર્થિક વિકાસ માટે મૂડી સહાય પણ પ્રદાન કરશે. બજેટમાં આંધ્રપ્રદેશના સીએમ નાયડુને 'ભેટ', રાજધાની અમરાવતીના વિકાસ માટે રૂા. ૧પ,૦૦૦ કરોડ ફાળવાયા.
આ ઉપરાંત બજેટમાં અન્ય મોટી જાહેરાતો પણ કરવામાં આવી છે જેમાં વિષ્ણુપદ મંદિર, ગયા અને મહાબોધિ મંદિર, બોધગયા બન્નેમાં કોરિડોર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. કાશી વિશ્વનાથ મંદિર માટે બનાવવામાં આવેલા કોરિડોર હેઠળ વિકાસ કરવામાં આવશે. રાજગીર બૌદ્ધ અને જૈન ભક્તો માટે પણ મહત્ત્વપૂર્ણ છે. રાજગીરના યાત્રાધામ વિસ્તારોનો પણ વિકાસ કરવામાં આવશે. નાલંદાને પ્રવાસન કેન્દ્ર તરીકે પણ વિકાસ કરવામાં આવશે. આ સિવાય નેશનલ રિસર્ચ ફંડ શરૂ કરવામાં આવશે. તેમજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર જીડીપીના ૩.૪ ટકા જેટલું રોકાણ કરવામાં આવશે.
હાલમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે પૂર્ણકાલીન બજેટ રજૂ કર્યું છે જેમાં ટેક્સને લઈને ખાસ જાહેરાતો કરવામાં આવી છે. ખાસ કરીને સ્ટાન્ડર્ડ ડિડક્શન પ૦ હજાર રૂપિયાથી લઈને ૭પ હજાર કરાયું છે. જો નવા ટેક્સ રીજીમની વાત કરીએ તો તેમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે, તે મુજબ ૩ લાખ સુધી કોઈ ટેક્સ નહીં, ૩-૭ લાખ સુધી પ ટકા ટેક્સ, ૭-૧૦ સુધી ૧૦ ટકા ટેક્સ, ૧૦-૧ર લાખ પર ૧પ ટકા ટેક્સ, ૧ર-૧પ લાખ પર ર૦ ટકા ટેક્સ, ૧પ લાખથી ઉપર ૩૦ ટકા ટેક્સ રહેશે.
ભાજપ સરકારે ર૦૧૮ ના બજેટમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન વધારીને ૪૦,૦૦૦ રૂપિયા વાર્ષિક કર્યું હતું. આ પછી ર૦૧૯ ના વચગાળાના બજેટમાં પ્રમાણભૂત કપાતની મર્યાદા વધારીને પ૦,૦૦૦ રૂપિયા પ્રતિવર્ષ કરવામાં આવી હતી. ત્યારપછી સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં કોઈ ફેરફાર થયો નથી. હવે તે પ૦,૦૦૦ થી વધારીને ૭પ,૦૦૦ કરવામાં આવી છે.
મોદી ૩.૦ ના પૂર્ણકક્ષાના બજેટમાંથી
શું સસ્તુ થયું...?
મોબાઈલ ફોન-ચાર્જર
સોના-ચાંદીના ઘરેણાં
સોલાર સેટ્સ
તાંબામાંથી બનેલો સામાન
કેન્સરની ત્રણ દવા
લિથિયમ બેટરી
પ્લેટિનિયમ, સ્ટીલ
ચામડામાંથી બનેલ સામાન
ઈલેક્ટ્રિક વ્હીકલ
ઈમ્પોર્ટેડ જ્વેલરી
વીજળીના તાર
એક્સરે મશીન
શું મોંઘુ થયું...?
પીવીસી ફલેક્ષ બેનર
ટેલિકોમ ઉપકરણો
પ્લાસ્ટિકની વસ્તુઓ
પેટ્રોકેમિકલ્સ