Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં વરસાદ પડ્યો... ઠંડક થઈ...હવે શું?

હે ઈશ્વર... છોટીકાશીને છોડાવો... દલદલ, ખાબોચીયા... બીમારીઓથી!

જામનગર તા. રરઃ જામનગરમાં  વરસાદ પડ્યો અને આજે સવારે મેઘાવી માહોલ વચ્ચે તડકો-છાંયો અને છાંટાછુંટીથી વાતારણ તો મંદ મંદ પવન સાથે આહ્લાદક બન્યું હતું, પરંતુ જામનગરની જમીન પરની સ્થિતિ જાણે પૃથ્વી પર જ નરક હોય, તેવી ગંદકી, કીચડ, ખાબોચીયા અને માખી-મચ્છરોના ઉપદ્વવના કારણે વધુને વધુ બદતર થતી જાય છે. વરસાદ પડવાથી ઠંડક થઈ અને ભેજના પ્રમાણ મુજબ ઉકળાટ પણ વર્તાય અને પવનની વધ-ઘટના કારણે ગરમીમાં વધઘટ થાય, પરંતુ છોટીકાશી તરીકે ઓળખાતા જામનગરમાં ઠેર-ઠેર પ્રવર્તતી ગંદકી-કાદવ અને વિવિધ સ્થળે જલભરાવના કારણે આ નગર બીમારીની બુનિયાદ અને ઉકરડાના ઉપદ્રવસ્થાન બની જતાં દુર્ગંધજનક અપવિત્ર માહોલ પણ સર્જાઈ રહ્યું છે.

વરસાદ પડે એટલે બાળકોને મજા પડી જાય, વરસાદમાં નાહવાની મોજ આવે, પરંતુ તેના પરિવારને ચિન્તા થાય કે કયાંક વારયલ બીમારી તો લાગુ નહીં પડી જાય ને? વરસાદના પાણીમાં સ્થાનિક 'સિદ્ધિઓ' સરવાણી ભળી જતાં તેમાં સ્નાન કરતા શિશુઓનું સ્વાસ્થ્ય જોખમાઈ ન જાય તેની ચિન્તા તો થાય જ ને ? હમણાંથી ચાંદીપુરાનો જીવલેણ રોગ બાળકોમાં પ્રસરી રહ્યો છે, એટલું જ નહીં, તાવ, શરદી, કળતર, ઝાડા-ઉલટી સહિતની બીમારીઓના કારણે દવાખાના-હોસ્પિટલો ઉભરાઈ રહ્યા હોવાથી મેઘમહેર છતાં નગરના અબાલવૃદ્ધ સૌ કોઈને તેના આનંદ કરતા ચિન્તા વધી ગઈ છે, તેમ નથી લાગતું?

'નાસા' કે 'ઈસરો' વાળા જો આજે જામનગરની શેરી-ગલીઓ અને સોસાયટીઓ સહિતના વિસ્તારોના ડીપ સેટેલાઈટ દૃશ્યો બતાવે, તો આખું નગર જાણે 'ડિસ્કો ડાન્સ' કરી રહ્યું હોય અને પરિવહન જાણે ૧૮મી સદીના રગશિયા ગાડાની જેમ ચાલી રહ્યું હોય તેમ જણાય, આનું કારણ એ છે કે જામનગરની શેરી-ગલીઓ-માર્ગો પર ચાલતા લોકો કાદચ-કીચડમાં બેલેન્સ જાળવવા મચી રહ્યા હોય છે અને પડવા-આખડતા બચવાના પ્રયાસો કરતા હોવાથી ઊંચા આકાશમાંથી તે ડિસ્કો કરતા હોય, તેવું જ જણાય, ત્યારે આપણાં પૂર્વજો અને દેવતાઓ પણ આ દૃશ્યો નિહાળીને છેતરાઈ જતાં હશે અને નગરજનો આનંદમાં નાચી રહ્યા હોવાનું માની રહ્યા હશે, તેવું કટાક્ષમાં કહી ન શકાય?

'નોબત' સહિતના અખબારો, પ્રેસ, મીડિયા, ટી.વી. ચેનલોના કેમેરાઓને જે દેખાય છે, તે કદાચ સ્થાનિક શાસકો-પ્રશાસકોને દેખાતું નહીં હોય, અને તેઓ અખબારો વાંચતા નહીં હોય અને ટીવીના ન્યુઝ પણ નિહાળતા નહીં હોય, તેવું માની શકાય, કારણ કે આટલું બધું કટાક્ષ અને આલોચના સાથે લખાયું હોય અને દેખાડ્યું હોય ત્યારે ગમે તેવી  નિર્લજજ વ્યક્તિ પણ તત્કાળ સક્રિય થઈ જાય, પણ...?..!?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh