Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની મધ્યમાં શાકમાર્કેટ પાસેની અત્યંત દોજખભરી ગંદકી જોવા તો પધારો...

ડેમ સાઈટો પર 'પિકનિક' કરનારાઓ...

જામનગર તા. ર૩: જામનગરની જનતાને જ્યાંથી ઘરે-ઘરે શાકભાજી પહોંચે છે તેવી શહેરની મધ્યમાં આવેલી સુભાષ શાકમાર્કેટમાં અને આસપાસના એક કિલોમીટરના પરિસરમાં અતિશય દુર્ગંધ મારતી ગંદકી ચોવીસ કલાક ફેલાયેલી રહે છે. ગંદકીની વ્યાખ્યામાં આનાથી વધારે ભયંકર ગંદકી કદાચ ક્યાંય હોય શકે નહીં.!

ઉપરોક્ત તસ્વીરોમાં જોવા મળે છે તેવી ગંદકી અહીં બારેમાસ જોવા મળે છે. તેમાંય સવારે પાંચ વાગ્યાથી બપોરે ૩-૪ વાગ્યા સુધી તો શાકભાજીની હરાજી, જથ્થાબંધ તથા છૂટક ખરીદીના કારણે ગંદકી તેની ચરણસીમાએ ફેલાયેલી હોય છે. માત્ર શાક માર્કેટ જ કે આસપાસના વર્તુળમાં જ નહીં, પણ જુની દિપક ટોકીઝથી શાક માર્કેટ, અને શાક માર્કેટથી દરબારગઢ સર્કલ સુધી ચારેતરફ રસ્તા ઉપર દબાણો સાથે ગંદકી ફેલાઈ રહી છે. ટ્રાફિક સમસ્યા તો માથાનો દુઃખાવો બની રહી છે, પણ માઝા મૂકેલી ગંદકીએ હવે તો હદ કરી નાંખી છે.

જામનગર મહાનગર-પાલિકા તંત્ર દ્વારા શાકભાજી જેવી દરરોજ ભોજનમાં લેવાતી ખાદ્ય વસ્તુઓનું જ્યાંથી વેંચાણ થાય છે, લગભગ દરેક ઘરમાં ત્યાંથી શાકભાજી પહોંચે છે તેવી શાકમાર્કેટની આસપાસ ફેલાયેલી રહેતી ગંદકીથી જીવાતો પણ શાકભાજી સાથે વેંચાય છે અને રોગચાળો ફેલાવવામાં મુખ્ય કારણ બની રહી છે.

મહાનગરપાલિકામાં સત્તાધારી પક્ષના કોર્પોરેટરો કે પદાધિકારીઓને આવા ગંદકી ફેલાવતા, રોગચાળાના ચેપ સેન્ટર જેવા સ્થળની મુલાકાત લેવાનું કેમ સુઝતું જ નથી? વરસાદ પડ્યો અને ડેમોમાં પાણી આવ્યા તો હરખપદુડા થઈને બસો બાંધીને કોર્પોરેટરોએ નવા નીરના વધામણાનો કાર્યક્રમ કરી રીતસર પિકનિક મનાવી... સ્વાભાગિક છે કે ડેમો ઓવરફ્લો થાય એટલે નગરજનોને એકાદ વરસ પીવાના પાણીની સમસ્યા નડે નહીં તે આનંદ અને રાહતની બાબત છે, પણ આવા કાર્યક્રમો સાથે નગરમાં સત્તાધારી પક્ષના કોર્પોરેટરો માત્ર પોતાના જ વોર્ડમાં ક્યારે ય ગંદકી, ઢોરના ત્રાસ કે ટ્રાફિક સમસ્યા અંગે નીકળ્યા છે ખરા!

મ્યુનિ. કમિશનર અને પદાધિકારીઓ તંત્રના અધિકારીઓ સાથે રોગચાળા અંગે એ/સી ઓફિસોમાં બેઠકો કરે, સૂચના આપે... પણ ખરેખર વાસ્તવિકરૂપે કેટલી ગંભીર સ્થિતિ છે તે રૂબરૂ જોવાની દરકાર કોઈ કરતું નથી તે હકીકત છે! અને તંત્રના સંબંધિત વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ આવી સૂચનાનું પાલન નથી કરતા અથવા નિષ્ક્રિય રહે છે તે પણ હકીકત છે. આથી એક બાબત સ્પષ્ટ થાય છે કે પદાધિકારીઓનો તંત્ર ઉપર કોઈ કાબુ નથી.

શાક માર્કેટ આસપાસની ગંદકીની સાથે અહીં સડેલા શાકભાજી, એંઠવાડ, અન્ય કચરો ફેંકતા અસંખ્ય ઢોર પણ પડ્યા પાથર્યા રહે છે. એટલું જ નહીં, રાહદારીઓ, ટુ-વ્હીલર વાહનચાલકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડે છે. રસ્તા પર દબાણો કરનારા ગંદકી ફેલાવનારા સામે શા માટે પગલાં લેવાતા નથી? શા માટે કાયમીરીતે દબાણો દૂર થતા નથી? આ પ્રશ્નોના ઉત્તરમાં એક જ શબ્દ છે 'હપ્તાખોરી'! અને આ દૂષણનો ભોગ નગરની જનતા બની રહી છે.

શાક માર્કેટ ઉપરાંત જ્યાંથી શહેરની મોટાભાગની દુકાનો, ઘરોમાં જ્યાંથી અનાજ-કઠોળ જેવી ખાદ્ય સામગ્રી વેંચાય છે તેવી ગ્રેઈન માર્કેટના અંદરના ભાગે તેમજ આસપાસ પણ આમ જ રોગચાળાને આમંત્રણ આપતી ગંદકી ફેલાયેલી રહે છે.

મનપાનું તંત્ર ગામમાં હોટલો, નાસ્તાની દુકાનો, રેસ્ટોરન્ટોમાં ચેકીંગની કામગીરી કરે છે, પણ તંત્ર દ્વારા શાકભાજી સહિત ખાદ્ય સામગ્રીનું જ્યાંથી વેંચાણ થાય છે, તેવા સ્થળોની સ્વચ્છતા જાળવવામાં નિંભર, નિષ્ક્રિય અને સદંતર નિષ્ફળ રહ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh