Advertisement
Author: નોબત સમાચાર

રાજકોટ નાગરિક સહકારી બેંકના ડાયરેક્ટરોની ચૂંટણીમાં સહકાર પેનલનો ઝળહળતો વિજય

ભાજપ લોબીએ સંઘ લોબીને આપી પછડાટઃ

રાજકોટ તા. ૧૯: સમગ્ર ગુજરાતના સહકારી બેંન્કીંગ ક્ષેત્રે વિવાદાસ્પદ બનેલી રાજકોટ નાગરિક સહકારી બેંકના બોર્ડ ઓફ ડાયરેક્ટરની ચૂંટણીમાં સહકાર પેનલના તમામ ૧પ ઉમેદવારોનો વિજય થયો હતો. જ્યારે હરિફ કલ્પક મણિયાર જુથની સંસ્કાર પેનલના ઉમેદવારોનો પરાજય થતા તેનો સફાયો થઈ ગયો હતો.

રાજકોટમાં આજે સવારે રાજકોટ નાગરિક સહકારી બેંકની મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર પ્રણવ જોષી, નાયબ ચૂંટણી અધિકારી મુંછાળ, જિલ્લા રજિસ્ટ્રાર બિમલ પટેલની ઉપસ્થિતિમાં મતગણતરી શરૂ કરવામાં આવી હતી.

રાજકોટ નાગરિક સહકારી બેંકના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની ર૧ બેઠકોમાંથી છ બેઠકો અગાઉ જ બિનહરિફ જાહેર થઈ ચૂકી હતી. જે તમામ બેઠકો પર સહકાર પેનલના ઉમેદવારો વિજેતા જાહેર થયા હતાં.

૧પ બેઠકો માટે મતદાન થયું હતું. જેમાં સંસ્કાર પેનલના કલ્પક મણિયાર સહિત ચાર ઉમેદવારોના ફોર્મ રદ્ થયા હતાં. આથી સહકાર પેનલના ૧પ ઉમેદવારો સામે સંસ્કાર પેનલના ૧૧ ઉમેદવારો જ મેદાનમાં રહ્યા હતાં.

આ મતગણતરીના અંતે જ્યોતિન્દ્ર મહેતા (જ્યોતિન્દ્ર મામા) ની સહકાર પેનલના ૧પ ઉમેદવારો માધવ દવે, ચંદ્રેશ ધોળકિયા, દિનેશ પાઠક, અશોક ગાંધી, ભૌતિક શાહ, કલ્પેશ ગજ્જર, ચિરાગ રાજકોટિયા, વિક્રમસિંહ પરમાર, હસમુખ ચંદારાણા, દેવાંગ માંકડ, ડો. એન.જે. મેઘાણી, જીવણભાઈ પટેલ, જ્યોતિબેન ભટ્ટ, કીર્તિદાબેન જાદવ, બ્રિજેશ મલકાણનો વિજય થયો હતો, જ્યારે નવીન પટેલ, સુરેન્દ્ર પટેલ, દિપક બકરાણિયા, મંગેશ જોષી, હસમુખ હિન્ડોચા, લલિત વોરા બિનહરિફ વિજેતા થતા તમામ ર૧ બેઠકો સહકાર પેનલે કબજે કરી હતી.

સહકાર પેનલના સર્વેસર્વા જ્યોતિન્દ્ર મહેતાની સહકાર પેનલે કલ્પક મણિયારની સંસ્કાર પેનલનો સફાયો કરી દેતા કલ્પક મણિયાર જુથે બેંકના કૌભાંડો અંગે કરેલા હોબાળાનો રકાસ થયો અને મતદારોએ જ્યોતિન્દ્ર મામાની ૫ેનલમાં સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ભાજપ લોબી અને સંઘ લોબી વચ્ચેના આ જંગમાં સંઘ લોબીને મોટી પછડાટ ખાવી પડી છે ંઅને કારમો પરાજય થયો હતો.

મતગણતરી પૂર્ણ થયા પછી સહકાર પેનલના આગેવાનોએ વિજ્યોત્સવ મનાવ્યો હતો. આ પ્રસંગે રાજકોટના મેયર નયનાબેન પેઢડિયા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન જૈમીન ઠાકુર, શહેર ભાજપ પ્રમુખ મુકેશ જોશી, પક્ષના અન્ય આગેવાનો, કોર્પોરેટરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં અને સહકાર પેનલના ભવ્ય વિજયને વધાવ્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh