Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. રર-નવેમ્બરે "વર્લ્ડ પાઈલ્સ ડે"
જામનગર તા. ૧૯: વર્લ્ડ પાઈલ્સ ડે ની ઉજવણીમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી (જીએયુ) પાઈલ્સ (હેમોરહોઈડ્સ) અને સંબંધિત એનો-રેક્ટલ ડિસ ઓર્ડર વિશે જાગૃતિ લાવવા માટે તમામ સંલગ્ન કોલેજોને સામેલ કરી રાજ્યભરમાં એક ઝુંબેશ શરૂ કરવામાં આવશે.
ર૦-નવેમ્બરથી રર-નવેમ્બર-ર૦ર૪ દરમિયાન યોજાનારી આ પહેલમાં વ્યાપક સારવાર પૂરી પાડવા અને જાહેર આરોગ્યને પ્રોત્સાહન આપવાના હેતુથી શૈક્ષણિક કાર્યક્રમો અને ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ યોજવામાં આવશે.
વિશ્વભરની એક તૃતીયાંશ વસ્તીને પીડતો આ રોગ, પાઈલ્સ ઠેરઠેર ફેલાયેલો છે. ૩૦ થી ૭૦ વર્ષની ઉંમર વચ્ચે કોઈને કોઈ તબક્કે મોટાભાગના લોકોને આ સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. મળ ત્યાગ કરતા સમયે મળમાર્ગેથી રક્તસ્ત્રાવ થવો, દુઃખાવાનો અનુભવ થવો, તેમજ મળમાર્ગે સોજો અથવા ક્યારેક ચામડીનો થોડોક ભાગ બહાર આવવા જેવી અનુભૂતિ પાઈલ્સના દરદી અનુભવતા હોય છે. રક્તસ્ત્રાવ એટલે કે, સંડાસ જતી વખતે લોહી આવવું એ સતત નથી હોતું, પણ સમયાંતરે મળ ત્યાગ બાદ યા તો મળત્યાગ સમયે રક્તસ્ત્રાવ થતો જોવા મળે છે. ઘણી વખત દુઃખાવો નથી થતો, પણ મળત્યાગ બાદ લોહી પડવા લાગે છે અને સંડાસ જવા છતા થોડો મળ પેટમાં રહી જતો હોય એમ લાગે છે અને સંતોષની લાગણી નથી થતી.
આ તમામ પ્રકારની સમસ્યાઓમાં યોગ્ય જાણકારી અને સારવાર બન્ને મળવાં ખૂબ જ જરૂરી છે. આયુર્વેદમાં સુશ્રુતસંહિતામાં પાઈલ્સને 'અર્શ' તરીકે ઓળખવામાં આવેલ છે. ઉપરાંત, આયુર્વેદમાં પાઈલ્સને તથા મળમાર્ગના રોગોને દૂર કરવાના ઉપચાર પણ દર્શાવવામાં આવ્યા છે. જેમાં, ક્ષારસૂત્ર, બંધનકામ અને ઔષધીઓનો સમાવેશ થાય છે. પાઈલ્સ તથા મળમાર્ગના અન્ય રોગો માટે ઊંટવૈદા કરવા કરતાં શાસ્ત્રોક્ત સારવાર અને અનુભવી ડોક્ટરની મદદ લેવામાં આવે તો ધાર્યુ પરિણામ મેળવી શકાય છે. પાઈલ્સનો વ્યાપ ઘણો હોવા છતાં, ઘણી વ્યક્તિઓ શરમથી અથવા જાગૃતિના અભાવને કારણે સારવાર મેળવવામાં વિલંબ કરે છે. જે ગંભીર સમસ્યાઓ અથવા કોલોરેક્ટલ કેન્સર જેવી ભયંકર સ્થિતિ તરફ દોરી જાય છે. માટે આવી સારવાર પણ આયુર્વેદના નિષ્ણાત ડોક્ટર દ્વારા જ લેવાય એ લોકોના હિતમાં છે. લેભાગુ અને કહેવાતા વૈદ્ય-હકીમો સરવાળે આયુર્વેદને બદનામ કરતા હોય છે અને સરવાળે આવા લોકો દ્વારા ભળતી સારવાર થવાથી બકરૃં કાઢતા ઉંટ પેસવા જેવો ઘાટ થાય છે. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીની આ ઝુંબેશ સમયસર નિદાન અને સારવારને પ્રોત્સાહિત કરીને લોકોમાં આ બાબતનો ખટકાટ દૂર કરવા માટે છે.
આ ઝુંબેશ અંગે વાત કરતાં, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો. મુકુલ પટેલે જણાવ્યું હતું કે, "આ ઝુંબેશ જાહેર આરોગ્ય અને આયુર્વેદના સર્વગ્રાહી સિદ્ધાંતો પ્રત્યે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પ્રતિબદ્ધતાનું પ્રતિનિધિત્વ કરે છે. અમારી સંલગ્ન કોલેજોને આ પહેલમાં સામેલ કરીને, અમારૃં લક્ષ્ય રાજ્યના દરેક ખૂણે જાગૃતિ અને સારવારના વિકલ્પોનો વિસ્તાર કરવાનું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial