Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લામાં સપ્ટેમ્બરથી પશુધનની ગણતરી કરાશેઃ કર્મચારીઓ માટે તાલીમ સત્ર

નાયબ પશુપાલન નિયામકની કચેરી દ્વારા આયોજનઃ

જામનગર તા. ૧૨: જામનગર જિલ્લામાં આગામી સપ્ટેમ્બર માસથી પશુધન વસ્તી ગણતરીની પ્રક્રિયા શરુ કરવામાં આવશે. તે માટે ગણતરીદાર અને સુપરવાઈઝર માટે નાયબ પશુપાલન નિયામકની કચેરી, જિલ્લા પંચાયત, જામનગર દ્વારા ખાસ તાલીમ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી સપ્ટેમ્બર મહિનાથી ડિસેમ્બર માસ દરમ્યાન હાથ ધરવામાં આવનાર ૨૧ મી પશુ વસ્તી ગણતરીમાં જામનગર જિલ્લાના તમામ તાલુકાઓના પશુધન વસ્તી ગણતરી સાથે સંકળાયેલા ૯૦ થી વધુ કર્મીઓએ આ તાલીમ સત્રમાં ભાગ લીધો હતો.

જામનગર જિલ્લામાં શહેર સહિત ગ્રામ્ય વિસ્તારના ૬ તાલુકાઓના ૧૯ સુપરવાઈઝરો અને ૭૦ થી વધુ ગણતરીદારોને જિલ્લા નોડલ અધિકારીશ્રીના માર્ગદર્શનમાં જામનગર જિલ્લા પંચાયત ખાતે ઉપસ્થિત સર્વેને તાલીમ આપવામાં આવી હતી. સપ્ટેમ્બરથી ડિસેમ્બર માસ દરમ્યાન કર્મચારીઓ શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં પશુઓની નોંધણી કરીને તેનો રિપોર્ટ કરશે.

કેન્દ્ર સરકારના પશુપાલન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે કરવામાં આવતી પશુધન વસ્તી ગણતરી અંતર્ગત આ વર્ષે પણ પશુઓની ગણતરી કરીને તેનો ડેટા સંગ્રહ કરવામાં આવનાર છે. પશુધન વસ્તી ગણતરી માટે કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશના ચાર રાજ્યોમાં ગત જુલાઈ માસમાં પાયલોટ સર્વેનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ગુજરાત રાજ્યમાં એકમાત્ર જામનગર જિલ્લાની પસંદગી કરવામાં આવી હતી.

આ પાયલોટ સર્વેમાં શહેરી વિસ્તાર તરીકે કાલાવડ નગરપાલિકાના વોર્ડ નંબર ૩ અને ગ્રામ્ય વિસ્તાર તરીકે જોડિયા ગામમાં પ્રાયોગિક ધોરણે પશુધન વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી હતી. આગામી સપ્ટેમ્બર મહિનાથી શરુ થનાર ૨૧ મી પશુધન વસ્તી ગણતરીના અધ્યતન ડેટાના આધારે પશુધનની વિવિધ જાતોની સંખ્યા નક્કી થવાથી ચારાની આવશ્યકતા, રસીકરણ, કૃમિનાશક કામગીરી તેમજ નીતિ વિષયક બાબતોના નિર્ણય લેવામાં ઉપયોગી થશે.

પાંચ વર્ષ પહેલા વર્ષ ૨૦૧૯ માં થયેલી ૨૦ મી પશુધન વસ્તી ગણતરીમાં ગાય, ભેંસ, ઘેટા, બકરા, શ્વાન, ઊંટ, ઘોડા સહિત કુલ ૧૧ થી વધુ પ્રકારના પશુઓની ગણતરી કરવામાં આવી હતી. આ વર્ષે ૨૧ મી પશુધન વસ્તી ગણતરીમાં વિચરતા પશુપાલકોના પશુઓ ઉપરાંત પાંજરાપોળ, ગૌશાળા અને ડેરી ફાર્મના પશુઓને આવરી લેવામાં આવશે.

જામનગર જિલ્લા પશુપાલન અધિકારીશ્રી ડૉ. તેજસ શુક્લના જણાવ્યા મુજબ, પાંચ વર્ષ બાદ આવતા મહિનાથી શરુ થનાર પશુધનના ડેટા એકત્ર કરવાની કામગીરી સંપૂર્ણપણે ડીજીટલ સ્વરૂપમાં મોબાઈલ એપ, વેબ એપ અને ડેશબોર્ડનો ઉપયોગ કરીને કરવામાં આવશે. આ કામગીરી માટે જિલ્લામાં નોડલ અધિકારીશ્રીઓની નિમણૂક થયેલી છે અને તાજેતરમાં ગાંધીનગરમાં નોડલ અધિકારીઓ માટે પ્રાદેશિક તાલીમ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, પશુ વસ્તી ગણતરી અંતર્ગત શહેર અને ગ્રામ્ય કક્ષાએ પાંચ વર્ષ પહેલા થયેલી ગણતરીમાં ગ્રામ્યમાં ૧.૫૧ લાખથી વધુ અને શહેરમાં ૧.૯૮ લાખ મળીને જિલ્લામાં ૩.૫૦ લાખ ઘરોનું સર્વેક્ષણ કરાયું હતું. ૨૦ મી પશુ ગણતરીમાં જિલ્લામાં સૌથી વધુ ૨.૧૪ લાખથી વધુ ઘેટા, ૧.૬૨ લાખથી વધુ ભેંસ, ૧.૪૩ લાખથી વધુ મરઘા, ૧.૩૯ લાખથી વધુ ગાય, ૧.૩૦ લાખથી વધુ બકરા, ૨૫૮૫૬ નિરાશ્રિત ગાય, ૨૪૧૫૮ નિરાશ્રિત શ્વાન, ૧૧૧૫ ઊંટ, ૬૮૧ ઘોડા, ૨૩૯ સસલા, ૫૭ ગધેડા અને ૫૩ ડુક્કર સહિત ૮.૪૨ લાખ પશુઓની નોંધણી કરવામાં આવી હતી. તેમ નાયબ પશુપાલન નિયામકશ્રી ડો.તેજસ શુક્લ, જિલ્લા પંચાયત, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh