Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેશની સર્વોચ્ચ અદાલતમાં ચાલતા કેસોની વિવિધ સુનાવણીઓ દરમિયાન કરવામાં આવતી કેટલીક ટકોરો, કરાતા સૂચનો તથા પથદર્શક સલાહો પણ મૂલ્યવાન હોય છે અને તેનો સમય અથવા અનુસરણ દેશના પ્રત્યેક નાગરિકોએ (સરકારો સહિત) કરવું જોઈએ, પરંતુ વાસ્તવમાં તેવું થાય છે ખરૃં? તેનો અભ્યાસ કરવા જેવો છે.
ગઈકાલે સુપ્રિમ કોર્ટમાં એક સુનાવણી દરમિયાન દેશના યુવાવર્ગમાં વ્યાપી રહેલી નશાની આદતો અંગે જસ્ટિસ બી.વી. નગરરત્ના તથા એન. કોટિશ્વરસિંહની બેન્ચે આપેલી વોર્નિંગ તથા તંત્રોને કરેલી ટકોર ઘણી જ ગંભીર હતી અને આ મુદ્દે યુવાવર્ગને જાગૃત કરવાના પ્રયાસોની સાથે સાથે ડ્રગ એડિક્ટ સંતાનોના માતા-પિતા પરિવારોને પણ ઢંઢોળવાનો સંદેશ પણ અપાયો હતો.
ડ્રગ્સના સ્મગલિંગમાં ઝડપાયેલા એક શખ્સ સામે એનઆઈએ દ્વારા તપાસને મંજુરી આપતા દેશની સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે, દેશમાં કોઈપણ સંજોગોમાં નશાખોરીનું મહિમાગાન થવું ન જોઈએ. અદાલતે નશાખોરીના કારણે ઊભા થતા ખતરાઓ સામે લડવા દેશવાસીઓએ સંગઠિત અને સતત પ્રયાસો કરવા પડશે. યુવાવર્ગને એલર્ટ કરતા અદાલતે કહ્યું હતું કે, નશાખોર વ્યક્તિને બૂરી આદતમાંથી મુક્ત કરવામાં સહાનુભૂતિ તથા પ્રેમથી સમજાવવાની જરૂર હોય છે.
અદાલતે કહ્યું કે ડ્રગ્સનું વ્યસન માત્ર સ્વાસ્થ્ય જ નહીં, પરંતુ નશાખોર વ્યક્તિની આર્થિક બરબાદી તથા સામાજિક બદનામીનું કારણ બને છે અને માનસિક સ્વાસ્થ્ય પર પણ ખતરો ઊભો થાય છે. આ સમસ્યા સામે લડવા સરકાર અને તંત્રોને નશાખોર વ્યક્તિના માતા-પિતા, પરિવાર તથા સમાજને સાથે રાખીને સતત પ્રયત્નશીલ રહેવાની જરૂર પણ અદાલતે જણાવી છે.
દેશના યુવાવર્ગમાં નશાનું પ્રમાણ વધી રહ્યું છે અને તેની માઠી અસરો વ્યક્તિની ઉંમર, જાતિ, ધર્મ કે અન્ય પ્રકારના ભેદભાવો વગર સાર્વત્રિક રીતે થઈ રહી છે, અને સમગ્ર સમાજ પર તેની વિપરીત અસરો પડે છે. એટલું જ નહીં, સામાજિક વ્યવસ્થાઓ પણ ખોરવાઈ જાય છે, તેથી આ દૂષણ સામે સૌએ સાથે મળીને લડત આપવી જરૂરી છે.
પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે ભારતમાં હેરોઈનની દાણચોરીના આરોપસર પકડાયેલા એક આરોપી સામે એનઆઈએ દ્વારા તપાસની જરૂર જણાવતા આ કેસમાં અદાલતે એમ પણ કહ્યું હતું કે ડ્રગ્સની કમાણીમાંથી આતંકવાદ અને સમાજને અસ્થિર કરવાના પ્રયાસો થાય છે, તે કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય ગણાય નહીં.
અત્યારે દેશમાં કેટલીક રાજ્ય સરકારો રેવન્યુ વધારવા માટે દારૂ (શરાબ) ના વ્યવસાયને પ્રોત્સાહિત કરી રહી છે અને શરાબના વ્યસનીઓ ખૂબ જ સરળતાથી અને ઝડપભેર ડ્રગ્સના વ્યસની બની જતા હોવાથી શરાબના વ્યવસાયને નિયંત્રિત કરવાની જરૂર છે. ગુજરાત અને બિહાર જેવા સંપૂર્ણ કે આંશિક દારૂબંધી ધરાવતા રાજ્યોમાં પણ દેશી-વિદેશી દારૂનો ગેરકાનૂની ધંધો ધમધમતો રહે છે, તે ઓપન સિક્રેટ છે અને જ્યાં સુધી શરાબની સરળતાથી ઉપલબ્ધિ થતી રહેશે, ત્યાં સુધી ગેરકાયદે અને સ્મગલીંગ દ્વારા ફેલાતી ડ્રગ્સની બદીને અટકાવવી અઘરી છે, તેવા તર્કો પણ થઈ રહ્યા છે, અને તેમાં તથ્ય પણ છે.
કોઈપણ પ્રકારની કટ્ટરતા કે ઝનૂન તો શરાબ અને ડ્રગ્સના નશા કરતા પણ વધુ ખતરનાક હોય છે અને ધર્મ, સંપ્રદાય, પ્રદેશ, ભાષા અને જાતિ, રંગભેદ જેવા મુદ્દે થતા વિવાદોમાંથી ઉદ્ભવતી હિંસાની પાછળ પણ આ પ્રકારની કટ્ટરતા જ જવાબદાર હોય છે, ત્યારે એક અન્ય સુનાવણી દરમિયાન સુપ્રિમ કોર્ટે કરેલી ટિપ્પણી પણ પ્રત્યેક દેશપ્રેમી નાગરિકે નોંધવા જેવી છે.
ગઈકાલે એક અન્ય સુનાવણી દરમિયાન એક અન્ય બેન્ચ દ્વારા કરેલી ટિપ્પણીઓ પણ આજે ચર્ચામાં છે, અને તે કેફી ઝનૂનો સામે લાલબત્તી ધરે છે.
હકીકતમાં કર્ણાટકની હાઈકોર્ટે આપેલા એક ચૂકાદા સામે થયેલી અપીલની સુનાવણી સુપ્રિમ કોર્ટની બે જજોની બેન્ચ કરી રહી હતી. આ અપીલમાં કર્ણાટક હાઈકોર્ટના એક ચૂકાદાને પડકારવામાં આવ્યો હતો અને તેને રદ કરવાની માંગણી કરવામાં આવી હતી.
લગભગ ત્રણેક મહિના પહેલા કર્ણાટક હાઈકોર્ટે મસ્જિદમાં ધાર્મિક સુત્રો પોકારવાની સામે ગુન્હો નોંધીને બે વ્યક્તિ સામે કરાયેલી કાનૂની કાર્યવાહીને રદ કરી દીધી હતી. આ બન્ને આરોપીઓ પર મસ્જિદમાં 'જયશ્રીરામ'નું સૂત્ર પોકારવાનો આરોપ હતો.
હાઈકોર્ટના ચૂકદાને સુપ્રિમ કોર્ટમાં પડકારવામાં આવતા સુપ્રિમ કોર્ટની બેન્ચે અરજદાર તરફથી ઉપસ્થિત થયેલા વરિષ્ઠ વકીલને કેટલાક સવાલો પૂછ્યા હતાં અને હાઈકોર્ટના ચૂકાદાના બહાલ રાખીને અપીલ કાઢી નાંખી હતી. આ સુનાવણી દરમિયાન એવો સવાલ પણ ઊઠ્યો હતો કે ધાર્મિક સૂત્રોચ્ચાર કરવો એ ગુન્હો કેવી રીતે ગણી શકાય?
આ જ પ્રકારની ચર્ચા સંસદમાં પણ થઈ રહી છે અને આપણા દેશની સહિયારી સંસ્કૃતિ, સદ્ભાવ અને વિશ્વકલ્યાણની ભાવના આપણા બંધારણના હાર્દમાં છે, તેવી ભાવનાઓ પણ વ્યક્ત થઈ રહી છે. લોકસભામાં બંધારણીય ચર્ચા સંપન્ન થયા પછી હવે ગઈકાલથી રાજ્ય સભામાં આ ચર્ચા શરૂ હતી અને આજે આ ચર્ચા પછી સરકાર તરફથી તેના જવાબ પછી આ ચર્ચા દેશમાં લાંબા સમય સુધી ચાલશે, અને તે અત્યંત જરૂરી પણ છે, ખરૃં ને?
માદક દ્રવ્યો, ડ્રગ્સ કે શરાબનો નશો હોય કે કટ્ટરતાનો કેફ હોય, બન્નેની આદત બરબાદી જ નોતરે છે, અને તેનો ત્યાગ કરવો વ્યક્તિગત જ નહીં, સમાજ તથા દેશના પણ હિતમાં છે, તેવું બધા જ કહે છે, પરંતુ તેને અનુસરે છે કેટલા? તે પણ યક્ષપ્રશ્ન જ છે ને?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial