Advertisement
Author: નોબત સમાચાર

ઝીરો કેઝયુલ્ટીના એપ્રોચ સાથે કુદરતી આફતો સામે લડવા પર ભાર મૂકતા મુખ્યમંત્રી

જામનગરમાં જિલ્લાના ૫દાધિકારી-અધિકારીઓ સાથે યોજી બેઠકઃ નીચાણવાળા વિસ્તારોની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા તંત્રને તાકીદ

જામનગર તા. ૩૦: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર જિલ્લાના પદાધિકારીઓ તથા અધિકારીઓ સાથે બેઠક યોજીને અતિવૃષ્ટિની સમીક્ષા કરી હતી૪ અને સ્વચ્છતા સફાઈ અને લોકોની આરોગ્ય સંભાળને પ્રાથમિકતા આપવા તેમને સૂચન કર્યું હતું. જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિના પરિણામે સર્જાયેલી નુકશાનીનો તાત્કાલિક સર્વે હાથ ધરવા મુખ્યમંત્રીની અધિકારીઓને તાકીદ કરી હતી.

જામનગર જિલ્લામાં પડેલ ભારે વરસાદના કારણે ઊભી થયેલ સ્થિતિની સમીક્ષા કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જામનગર ખાતે આવી પહોંચ્યા હતા.મુખ્યમંત્રીએ એરપોર્ટ મિટિંગ હોલમાં જિલ્લાના પદાધિકારીઓ તથા અધિકારીઓ સાથે બેઠક યોજી સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો. અતિવૃષ્ટિના પરિણામે જામનગર જિલ્લામાં સર્જાયેલી સ્થિતિ અંગે કલેકટર બી. કે. પંડ્યા અને કમિશનરશ્રી ડી. એન. મોદીએ મુખ્યમંત્રીને વિગતો આપી હતી. મુખ્યમંત્રીએ જામનગર શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનો જે પ્રશ્ન છે ત્યાં કાયમી ઉકેલ કઈ રીતે આવી શકે તે પ્રકારે આયોજન હાથ ધરવા સૂચનો કર્યા હતા. અને લોકોના આરોગ્ય અને સાફ-સફાઇની કામગીરીને પ્રાથમિકતા આપવા અધિકારીશ્રીઓને સૂચનો કર્યા હતા. તેમજ જે રસ્તાઓ બંધ છે ત્યાં પાણી ઓસર્યા પછી તાત્કાલિક રિપેરિંગની જરૂર જણાય તો તે કામગીરી કરીને પણ પૂર્વવત કરવા માટે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ ઝીરો કેઝ્યુલીટીના એપ્રોચ સાથે કુદરતી આફતમાં કામગીરી કરવા અંગે તેમજ અતિવૃષ્ટિ બાદ લોકોની જરૂરિયાતોની ઉપલબ્ધિ સરળતાએ કરાવવા પર ભાર મૂક્યો હતો.

આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે, જામનગર જિલ્લામાં બચાવ કામગીરી માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ૧-૧ ટીમ તેમજ મરીન ટાસ્ક ફોર્સ દ્વારા ૧ ટીમ ફાળવવામાં આવી છે. તેમજ આર્મીની ૩ ટુકડીઓ, ફાયર વિભાગ, એરફોર્સ દ્વારા પણ લોકોના રેસ્કયૂની કામગીરી કરવામાં આવી છે.

જિલ્લામાં પાણીના પ્રવાહમાં ફસાયેલા ૧૨ જેટલા લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા છે. જામનગર જિલ્લામાં અંદાજિત ૪૫૦ જેટલા લોકોનું રેસ્ક્યૂ કરાયું છે.  જામનગરમાં નીચાણવાળા વિસ્તારોમાં રહેતા ૨૩૦૦થી વધુ લોકોનું સ્થળાંતર કરી સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. ધ્રોલ તાલુકાના લતીપર ગામે પાણીના પ્રવાહમાં તણાઇ જતાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે. કુલ ૬૮ મકાનોમાં નુકસાની થઈ છે. ભારે વરસાદના પરિણામે ૪૩૩ ફીડરો બંધ થયા હતા તે પૈકી ૧૦૪ ફીડરો પુનઃસ્થાપિત કરવામાં આવ્યા છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં ૨ લાખ જેટલા ફૂડપેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. શહેરી વિસ્તારમાં જરૂરી સાધનો કામે લગાડી સાફ-સફાઈની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

જામનગર જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગના ૪૮ રસ્તાઓ હાલ બંધ છે. જે પાણી ઓસર્યા બાદ પૂર્વવત થઈ જશે તેમ પણ બેઠકમાં જણાવાયું હતું. આ બેઠકમાં જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિના પરિણામે સર્જાયેલી નુકશાનીનો સર્વે કરવા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું. તેઓએ લોકોના રેસ્કયુની કામગીરી, ડેમો તથા રોડ-રસ્તાની સ્થિતિ, પીજીવીસીએલ, કોર્પોરેશન વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સ્થળાંતરીત કરવાની કામગીરી વિષે ચર્ચા કરી હતી. કેબિનેટમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે મુખ્યમંત્રીશ્રીને જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની સ્થિતિ અંગે તેમજ ધારાસભ્યોશ્રીએ પોતાના વિસ્તારમાં લોકોનું રેસક્યૂ, સ્થળાંતરની કામગીરી તેમજ ફૂડપેકેટના વિતરણની કામગીરી અંગે જણાવ્યું હતું.

આ બેઠકમાં કેબિનેટમંત્રીઓ રાઘવજીભાઈ પટેલ તથા શ્રી મૂળુભાઈ બેરા, મુખ્ય સચિવ રાજકુમાર, સાંસદ પૂનમબેન માડમ, જામનગર જિલ્લાના પ્રભારી સચિવ અનુપમ આનંદ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મેયબેન ગરસર, મેયરશ્રી વિનોદભાઈ ખીમસુર્યા, ધારાસભ્યો સર્વશ્રી મેઘજીભાઈ ચાવડા, દિવ્યેશભાઈ અકબરી, શ્રીમતી રીવાબા જાડેજા, ડેપ્યુટી મેયર શ્રીમતી ક્રિષ્નાબેન સોઢા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ વડાશ્રી પ્રેમસુખ ડેલુ, અગ્રણીઓ રમેશભાઈ મુંગરા, વિમલભાઈ કગથરા, પદાધિકારીશ્રીઓ, અન્ય અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh