Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોઈ પણ શહેરમાં આપણે પહેલીવાર જઇએ ત્યારે ત્યાં પહેલી ઓળખાણ આપણને રિક્ષાવાળાની જ થાય. બસ સ્ટેશન હોય કે રેલવે સ્ટેશન, બહાર નીકળો એટલે રિક્ષાવાળા તમને ઘેરી લેશે. બધાની હાર્દિક ઈચ્છા એટલી જ કે સ્ટેશનમાંથી બહાર નીકળતા બધા પેસેન્જર તેની જ રિક્ષામાં બેસે...
હું પહેલીવાર અમદાવાદ આવેલો ત્યારે ઉદયપુરથી ટ્રેનમાં આવેલો, સાંજની ઇન્ટરસિટી એક્સપ્રેસમાં. અમદાવાદ આવ્યું, હું સ્ટેશનની બહાર નીકળ્યો અને રાબેતા મુજબ રિક્ષાવાળાઓ મને ઘેરી વળ્યા.
મારી સામે આગળ જ ઉભેલી પહેલી બે-ત્રણ રિક્ષાઓ તો એકદમ ફુલ હતી, એટલી ફૂલ કે જો તેમાં એક પેસેન્જર પણ નવો ઘુસે તો તેના ધક્કાથી સામેની બાજુથી એક પેસેન્જર ચોક્કસ બહાર ઢોળાઈ જાય...
અને બીજી રિક્ષાની હાલત તો તેનાથી પણ ખરાબ, તેમાં ડ્રાઇવરના ખોળામાં પણ એક પેસેન્જર બેઠેલો -- અને તે પેસેન્જરના ખોળામાં એક નાનું બાળક પણ હતું ! આ બધું છતાં પણ તેઓ નવા પેસેન્જરને શોધવામાં વ્યસ્ત હતા..
આવી જ એક ભરેલી રિક્ષાના ડ્રાઇવરે મને પૂછ્યું, *સાહેબ, આવવું છે ?*
*ક્યાં બેસાડીશ મને ? તારા માથા ઉપર ?* તેની આખી ભરેલી રિક્ષા સામે જોતા જોતા મેં પૂછ્યું. મારો પ્રશ્ન સાંભળતા જ તેની આંખો એકદમ ચમકી ઊઠી, કદાચ તેને લાગ્યું હશે કે હું તેને સલાહ આપું છું...!
કદાચ આવા જ કોઈ જિંદાદિલ અને એકદમ પોઝિટિવ એટીટ્યુડ ધરાવતા રિક્ષાવાળાને જોઈને જ અસરાનીએ પેલું પ્રખ્યાત ગુજરાતી ગીત ગાયું છે, *હું અમદાવાદનો રિક્ષાવાળો, ૯૯૯ નંબરવાળો, અમદાવાદ બતાવું ચાલો..*
સાચો અમદાવાદી તેને જ કહેવાય કે જે કમાવાની એક પણ તક ગુમાવે નહીં, અને એક પૈસાનો પણ ખોટો ખર્ચો કરે નહીં. અરે, બીજાને પણ ખોટા ખર્ચા કરતા અટકાવે એ જ સાચો અમદાવાદી.. હું એક વખત નવરંગપુરા બસ સ્ટેન્ડ પર સિટી બસની રાહ જોઈ રહ્યો હતો. બસ આવતા વાર લાગી એટલે મેં બાજુમાં ઊભેલા એક વડીલને પૂછ્યું, *કાકા, જો રિક્ષામાં લાલ દરવાજા જઈએ તો કેટલા રૂપિયા થાય ?*
મારો પ્રશ્ન સાંભળતા જ વડીલ ભડક્યા અને બોલ્યા, *કેમ, તારે ઘરે પૈસાના ઝાડ પર ઉગે છે કે આવા ખોટા ખર્ચાનો વિચાર કરે છે ? જો બકા, પાંચ મિનિટ શાંતિથી ઊભો રે, હમણાં જ ૫૨/૨ આવશે, જે તને સીધો લાલ દરવાજા સુધી પહોંચાડી દેશે.*
અમદાવાદના પાણીમાં જ એવું કશુંક છે, કે જે માણસને પૈસાની કિંમત સમજાવે છે, અને પૈસાની બચત કરતા પણ શીખવાડે છે. મારે ઓસ્ટ્રેલિયા જવાનું નક્કી થયું એટલે છેલ્લે છેલ્લે હું ભત્રીજાને મળવા બોપલ ગયો. તેને નવો જ ફ્લેટ છે અને સરસ મજાનું ઇન્ટિરિયર ડેકોરેશન પણ ખરુ. પરંતુ તેના રસોડામાં નજર કરતા જોવા મળ્યું કે ત્યાં એક કબાટમાં બધા જ વાસણો પ્લાસ્ટિકના છે..
મેં પ્રશ્ન સૂચક નજરે ભત્રીજા સામે જોયું તો પહેલા તો તે હસ્યો ત્યારે પછી બોલ્યો, *ભરત કાકા, ઘર હોય ત્યાં વાસણ ખખડે પણ ખરા. બરાબરને..*
*હા, વાસણ ખખડે પણ ખરા..*
*અને તેનાથી ભાંગતુટ કે બીજું નુકસાન પણ થાય.*
*હા, થઈ શકે.*
*આવું કશું નુકસાન ન થાય એટલે અમે નક્કી કર્યું છે કે જે કોઈ ગુસ્સે થાય તે આ પ્લાસ્ટિકના વાસણ પછાડે અથવા ફેંકે.. જેથી આપણો ગુસ્સો પણ શાંત થાય અને કોઈ નુકસાન પણ ન થાય..!!*
વિદાય વેળાએ : જે રીતે દવા ફક્ત ખિસ્સામાં હોય તો નહીં પરંતુ પેટમાં ઉતરે તો જ તેની અસર થાય.
તેવી જ રીતે સારા વિચાર મોબાઇલમાં નહીં પરંતુ હૃદયમાં એટલે કે આપણા જીવનમાં ઉતરે તો જ જીવન સફળ થાય....
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial