Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજુલામાં ધોધમાર, અમરેલી જિલ્લામાં વાવણીલાયક વરસાદઃ ૪ દિવસ રાજ્યભરમાં વરસાદની આગાહીઃ પ્રિ-મોન્સુનની પોકળતા પ્રગટી !
અમદાવાદ તા. ૩૦: ગુજરાત પહોંચેલ મેઘ સવારીએ આજે સવારથી જુદા-જુદા વિસ્તારોમાં અમીવૃષ્ટિ કરી છે, સુરત અઢી ઈંચ વરસાદમાં જ જળબંબાકાર થતા પ્રિ-મોન્સુનના પ્રપંચોની પોલ ખૂલી ગઈ છે, તો વરાછામાં એક માર્ગ જ જમીનમાં ધસી પડતા નબળી કામગીરી તથા ભ્રષ્ટાચારનો પ્રત્યક્ષ પુરાવો મળ્યો હોય તેમ જણાય છે. રાજ્યના ૩૩ તાલુકાઓમાં વરસાદના વાવડ છે, અને રાજયભરમાં મેઘાવી માહોલ છવાયો છે.
આજે વહેલી સવારથી ઉના, વ્યારા સહિત રાજ્યના ૩૩ તાલુકામાં વરસાદ નોંધાયો. સૌથી વધુ સુરતમાં ર.૬૦ ઈચ વરસાદ પડ્યો, જ્યાં લાંબી રાહ પછી મેઘરાજાની પધરામણી થઈ, જો કે પહેલા જ વરસાદે સુરતમાં એસએમસીની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખોલી નાંખી હતી અને ઉધના-નવસારી રોડ પર પાણી ભરાયા અને ભીમનગર ગરનાળું સ્વિમિંગ પુલ બન્યું હતું.
સુરતમાં છેલ્લા ૧પ દિવસની લાંબી રાહ જોયા પછી મોડી રાતથી મેઘરાજાની ધમાકેદાર બેટીંગ સાથે ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ગઈ છે. જ્હાંગીરપુરા, અડાજણ અને પાલ સહિતના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડતા લોકોને અસહ્ય બફારામાંથી રાહત મળી છે અન વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
શહેરની સાથોસાથ સુરત ગ્રામ્ય અને જિલ્લાના વિસ્તારો જેવા કે કોસંબા, કીમ, કામરેજ અને કડોદરામાં પણ મેઘરાજાએ તોફાની બેટીંગ કરી છે. કડોદરા નગરપાલિકા દ્વારા ચોમાસા પહેલા કરવામાં આવતી પ્રિ-મોન્સુન સફાઈ અને ડ્રેનેજ કામગીરી માત્ર એક જ વરસાદમાં ધોવાઈ ગઈ છે. કડોદરાની શ્રીનિવાસ સોસાયટીમાં પાણીનો યોગ્ય નિકાલ ન થવાને કારણે ગટર અને વરસાદી પાણી ભેગા થઈને રસ્તાઓ તેમજ નિચાણવાળા ઘરોમાં ભરાઈ ગયા છે. આ વિસ્તારમાં ૧૦ હજારથી વધુ લોકોન વસવાટ હોવાથી સવારના સમયે નોકરી પર જતા શ્રમિકો અને સ્કૂલે જતા બાળકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે, જેથી સ્થાનિકોમાં પાલિકાની ઘોર બેદરકારી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
છેલ્લા ર૪ કલાકના આંકડા પર નજર કરીએ તો સુરત શહેર પછી તાપીના વાલોડમાં બે ઈંચ, જ્યારે સુરતના માંગરોળ અને કામરેજમાં પોણાબે ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરંત પલસાણામાં દોઢ ઈંચ અને અરેઠમાં સવા ઈંચ વરસાદ પડ્યો છે. વલસાડ જિલ્લાના ઉમરગામ અને નાના પોઢામાં એક-એક ઈંચ, જ્યારે તાપીના કુકરમુડા, બોટાદના રાણપુર, નવસારીના ચીખલી અને વલસાડના પારડીમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે. કપરાડા અને વલસાડ શહેરમાં પણ અડધો ઈંચ વરસાદ પડ્યો છે.
ગુજરાતમાં ધીરે ધીરે ચોમાસાની રમઝટ જામશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. સોમવારે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં હળવાથી સારો વરસાદ પડ્યો હતો. છેલ્લા ર૪ કલાક દરમિયાન ગુજરાતના ૩૩ તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ સુરત શહેમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાતા ગરમી અને બફારાથી લોકોને રાહત મળી છે, જો કે આગામી ર૪ કલાક પછી એટલે કે પહેલી જુલાઈથી ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
અહેવાલો મુજબ સવારથી ગુજરાતમાં ચોમાસું વિધિવત રીતે જામ્યું છે. છેલ્લા ર૪ કલાકમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયલો છે. જૂન મહિનાના અંતિમ દિવસોમાં વરસાદનું આગમન થતા ખેડૂતો અને નાગરિકોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે.
સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં પણ મેઘરાજાની મહેર જોવા મળી છે. રાજુલા અને જાફરાબાદ પંથકમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. બાબરકોટ, મીતીયાળા અને કડિયાળી સહિતના ગામોમાં સારો વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધવા અંગે હવામાન વિભાગના જણાવ્યા મુજબ ૧ જુલાઈએ વરસાદ વધુ સક્રિય બનશે. જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તેમજ દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ર થી પ જુલાઈ દરમિયાન સમગ્ર ગુજરાતમાં વ્યાપક વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને ૩ થી પ જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વારસાદની સંભાવના સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
વડોદરા શહેરમાં લાંબા વિરામ પછી આજે સવારે મેઘરાજાએ એન્ટ્રી કરતા સમગ્ર શહેરમાં વરસાદી માહોલ જામ્યો હતો. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને છેલ્લા કેટલાક દિવસોથી ભારે ગરમી અને ઉકળાટથી પરેશાન નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો છે. આજે સવારે વરસાદ શરૂ થતા કામ-ધંધા અને ઓફિસ જવા નીકળેલા લોકો રેઈનકોટ અને છત્રીનો સહારો લેતા નજરે પડ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial