Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લા-તાલુકા કક્ષાની પશુપાલન શિબિર યોજાઈઃ સહાય વિતરણ

કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં

જામનગર તા. ૧ઃ કેબિનેટ મંત્રી રાધવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને લતીપુરમાં જિલ્લા અને તાલુકા કક્ષાની પશુપાલન શિબિર યોજાઈ હતી. જેમાં પશુપાલકોને તજજ્ઞો દ્વારા આધુનિક પશુપાલન અંગે પ્રશિક્ષિત કરવામાં આવ્યા

રાજ્યના કૃષિ, અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં ધ્રોલ તાલુકાના લતીપુર ગામમાં જિલ્લા અને તાલુકા કક્ષાની સંકલિત પશુપાલન શિબિર યોજાઈ હતી.

આ કાર્યક્રમમાં કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતના સર્વાંગી વિકાસ માટે ઉદ્યોગ સહિતના અન્ય ક્ષેત્રો સાથે પશુપાલન અને ડેરી ક્ષેત્રને રાજ્ય સરકાર ખૂબ મહત્વ આપી રહી છે. પશુપાલન ક્ષેત્રે ગુજરાત હરહંમેશ અગ્રેસર રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા આપણા મહામૂલા પશુધન માટે ઘર આંગણે પશુ ચિકિત્સા સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસન કાળ દરમિયાન વર્ષ ૨૦૦૨ માં રાજ્યસ્તરે પશુ આરોગ્ય મેળાઓની શરૂઆત કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં ૭૬,૦૦૦ થી વધુ પશુ મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે અને ૩.૧૦ કરોડથી વધુ પશુઓની મેળામાં તાત્કાલિક સારવાર કરવામાં આવી છે.*

કૃષિમંત્રીએ આગળ જણાવ્યું હતું કે, ''મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ વર્ષ ૨૦૨૨-૨૩ માં નવા ૪૦ સ્થાયી પશુ દવાખાના અને વર્ષ ૨૦૨૩-૨૪ માં નવા ૧૫૦ સ્થાયી પશુ દવાખાના સ્થાપવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હરહંમેશ પ્રજાલક્ષી યોજનાઓ, કાર્યક્રમો અને ઝુંબેશો થકી લોકોના જીવનશૈલીમાં સકારાત્મક બદલાવ લાવવાના પ્રયાસો કર્યા છે, ત્યારે હવે તેમના માર્ગદર્શન હેઠળ પશુપાલન ક્ષેત્રે વિકાસનો નવો અધ્યાય શરૂ કરાયો છે. સમગ્ર રાજ્યમાં ૧૨૭ મોબાઈલ વેટરનરી યુનિટ શરૂ કરવા માટે કેન્દ્ર સરકાર તરફથી મળેલા સહયોગને કારણે પશુ સારવારની સર્વોત્તમ સુવિધા ઉભી કરવામાં આવશે.*

આ પ્રસંગે કેબિનેટ મંત્રીએ જીવદયા ગૌ સેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત લતીપુર ગૌશાળામાં ગૌમાતાનું પૂજન કર્યું હતું. મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયા બાદ તેમનું પુષ્પગુચ્છ અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય ગોકુલ મિશન હેઠળ ભારત સરકારની ૧૦૦% સહાયથી તાલીમ આપીને પ્રશિક્ષીત કરવામાં આવેલા મૈત્રી કાર્યકરોને કીટ અને પ્રમાણપત્ર, મુખ્યમંત્રી ગોમાતા પોષણ યોજના હેઠળ જીવદયા ગૌસેવા સમાજ ટ્રસ્ટ લતીપુર, જોડિયા ગૌશાળા પાંજરાપોળ ટ્રસ્ટ માટે આર્થિક સહાય, બકરા એકમની સ્થાપના માટે સહાય, વિદ્યુત સંચાલિત ચાફકટર ખરીદી માટે સહાય અને રાજ્યવ્યાપી સઘન ખસીકરણ યોજના હેઠળ સહાયના ચેકની રેપ્લિકા લાભાર્થીઓને મહાનુભાવો હસ્તે આપવામાં આવી હતી.

કાર્યક્રમમાં રાજ્ય પશુપાલન નિયામક ડો. ફાલ્ગુની ઠાકર અને ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાએ પશુપાલકો અને ખેડૂતોને વાછરડી/પાડીનો આદર્શ ઉછેર, પશુ પોષણ, પશુ રહેઠાણ, પશુ સંવર્ધન, પશુ સ્વાસ્થ્ય, પશુ માવજત, કેન્દ્ર સરકાર દ્વારા ૧૦૦% સહાયથી અમલમાં મુકવામાં આવેલી યોજનાઓ જેવી કે નેશનલ એનિમલ ડીસીઝ કંટ્રોલ પ્રોગ્રામ, બાળ દુધાળા પશુ સહાય યોજના, બકરા એકમ સહાય યોજના, ગાભણ પશુ ખાણ દાણ યોજના, રાષ્ટ્રીય ગોકુલ મિશન, રાષ્ટ્રવ્યાપી કૃત્રિમ બીજદાન કાર્યક્રમના મહત્વ અને તેની ગુજરાત રાજ્યમાં પુર્ણ કરવામાં આવેલી કામગીરી વિશે જાણકારી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી ગણેશભાઈ મુંગરાએ કર્યું હતું. કાર્યક્રમના અંતે આભારવિધિ જામનગર નાયબ પશુપાલન નિયામક ડો.તેજસ શુક્લએ કરી હતી.

ઉકત કાર્યક્રમમાં, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મેયબેન ગરસર, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, કારોબારી સમિતિના અઘ્યક્ષ શ્રીમતી ચંદ્રિકાબેન અઘેરા, બાંધકામ સમિતિના અઘ્યક્ષ શ્રીમતી પ્રવિણાબેન ચભાડિયા, લતીપુર ગ્રામ સરપંચ હસમુખભાઈ સરવૈયા, અધિક પશુપાલન નિયામક ડો.વસાવા, સંયુકત પશુપાલન નિયામક ડો.ગોહિલ, વિવિધ યોજનાના લાભાર્થીઓ, ખેડૂતો, આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં જિલ્લાના પશુપાલક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh