Advertisement
Author: નોબત સમાચાર

ભારતનું પ્રથમ બજેટ ૧૬૪ વર્ષ પહેલા રજૂ થયું હતુંઃ સીતારમણનો લાંબા બજેટ ભાષણનો વિક્રમ

વચગાળાનું બજેટ એટલે શું? મહિલા નાણામંત્રી દ્વારા પ્રથમ વખત ઈન્ટ્રીમ બજેટ રજૂઃ

વચગાળાનું બજેટ એક કામચલાઉ નાણાકીય બજેટ છે, જે સરકાર દ્વારા તૈયાર કરવામાં આવે છે. આ બજેટ નવી સરકાર શાસન ન સંભાળે ત્યાં સુધી જ માન્ય રહેશે. જેમ કે આપણે બધા જાણીએ છીએ કે આ વર્ષે દેશમાં ચૂંટણી યોજાવાની છે. તેથી આ એક વચગાળાનું બજેટ હશે. વચગાળાનું બજેટ વાર્ષિક કે સામાન્ય બજેટથી અલગ હોય છે. તેમાં નાણાકીય વર્ષના શરૂઆતના મહિનાને કવર કરનારૃં એક નાનું બજેટ બનાવવામાં આવે છે. આ બજેટથી સરકાર પોતાની આવક અને ખર્ચની રૂપરેખા તૈયાર કરે છે, જેમાં તે ચૂંટણી પછી નવી સરકારની રચના થાય ત્યાં સુધી ચૂંટણી ખર્ચનું સરળતાથી સંચાલન કરી શકે.

ભારતનું પ્રથમ બજેટ

ભારતનું પ્રથમ બજેટ સ્કોટિશ અર્થશાસ્ત્રી જેમ્સ વિલ્સન દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. તેમણે ઈસ્ટ ઈન્ડિયા કંપની સાથે કામ કર્યું અને બ્રિટિશ શાસન દરમિયાન, વર્ષ ૧૮૬૦ માં, તેમણે ભારતનું પ્રથમ બજેટ રજૂ કર્યું, જે વચગાળાનું બજેટ હતું.

આઝાદ ભારતનું પ્રથમ બજેટ

આઝાદી પછી વર્ષ ૧૯૪૭માં આરકે સનમુખમ ચેટ્ટીએ દેશનું પ્રથમ બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં અનાજની અછત પર સૌથી વધુ ધ્યાન આપવામાં આવ્યું હતું. આ સિવાય દેશ પર વધતી આયાત અને મોંઘવારીનું દબાણ પણ મહત્ત્વનો મુદ્દો હતો.

બજેટ પ્રસ્તૂતીમાં ફેરફાર

વર્ષ ર૦૧૬ સુધી બજેટ ફેબ્રુઆરીના છેલ્લા દિવસે રજૂ કરવામાં આવતું હતું. તેમાં ફેરફાર કરીને મોદી સરકારે પહેલી ફેબ્રુઆરીએ બજેટ લાવવાની ખાતરી આપી છે. નાણામંત્રી યશવંતસિંહાએ ગુલામીની નિશાનીનો અંત લાવવા વર્ષ ર૦૦૧ માં પ્રથમ વખત બજેટના સમયમાં ફેરફાર કર્યો હતો. અગાઉ તે સાંજે પ વાગ્યે રજુ કરવામં આવતું કારણ કે જ્યારે ભારતમાં સાંજે પ વાગ્યા હોય છે, ત્યારે બ્રિટનમાં સવારનો સમય હોય છે. આથી તેમની સુવિધા માટે બજેટ સાંજે રજૂ કરવામાં આવતું હતું. યશવંતસિન્હાએ તે બદલીને ભારતીય અનુકૂળતા મુજબ કર્યું.

સીતારમણનો લાંબા ભાષણનો રેકોર્ડ

નિર્મલા સીતારમણના નામે બજેટ સંબંધિત કેટલાક રેકોર્ડ પણ નોંધાયેલા છે. ભારતના ઈતિહાસમાં વર્ષ ર૦ર૦ મા સૌથી લાંબુ બજેટ ભાષણ આપવાનો રેકોર્ડ તેમના નામે છે. તે વર્ષે નિર્મલા સીતારમણે ર કલાક ૪ર મિનિટનું બજેટ ભાષણ આપ્યું હતું. આ રીતે તેણે પોતાનો એક વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો હતો. ર૦૧૯ માં તેમણે ર કલાક ૭ મિનિટનું રેકોર્ડ બજેટ ભાષણ આપ્યું હતું. જો કે, શબ્દની દૃષ્ટિએ તે પૂર્વ નાણામંત્રી મનમોહનસિંહ કરતા ઓછો હતો.

બ્રીફેકસના સ્થાને ખાતાવહી

સીતારમણે ર૦૧૯ માં નાણામંત્રી તરીકે જ્યારે પોતાનું પ્રથમ બજેટ રજુ કર્યું ત્યારે તેમણે બ્રીફકેસની દાયકાઓ જૂની પ્રથાનો અંત લાવ્યા હતાં. નિર્મલા સીતારમણ ખાતાવહીના રૂપમાં બજેટ લાવ્યા. ત્યારથી, બજેટ ફકત લાલ કપડાની ખાતાવહીમાં આવે છે, જેના પર રાષ્ટ્રીય પ્રતિક રહે છે.

હલવા સેરેમની કયારે યોજાય છે ?

ભારતીય પરંપરામાં કોઈપણ શુભ કાર્યની શરૂઆત મીઠું મોઢું કરવાની પ્રથા છે. વર્ષો જુની પ્રથા પ્રમાણે કેન્દ્ર સરકારના નાણા મંત્રાલયમાં હલવા સેરેમની સાથે બજેટ તૈયાર કરવાની શરૂઆત કરવામાં આવે છે. તેમજ બજેટ અંગેની કોઈ માહિતી લીક ન થાય તેમજ ગુપ્તતા જાળવવા બજેટ સાથે જોડાયેલા દરેક અધિકારીઓ, જ્યાં સુધી નાણામંત્રી બજેટ રજૂ ન કરે ત્યાં સુધી નાણા મંત્રાલયમાં રહે છે.

સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ

ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈના નામે આ રેકોર્ડ છે. સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં કુલ ૩૮ નાણામંત્રી રહ્યા છે. આઝાદી પછી ઈતિહાસમાં ઘણાં ઓછા એવા નાણામંત્રી છે જેમને પાંચ-પાંચ બજેટ રજૂ કરવાની તક મળી હોય. આ યાદીએ નિર્મલા સીતારમણની નામ સામેલ છે. આ ઉપરાં મનમોહનસિંહ, અરૂણ જેટલી, ચિદમ્બરમ અને યશવંતસિંહા એકમાત્ર એવા નાણામંત્રી છે જેમણે પાંચ વખત બજેટ રજૂ કર્યું છે. તેમજ છ બજેટ રજૂ કરનાર મંત્રીમાં મોરારજી દેસાઈનું નામ મોખરે હતું. મોરારજી દેસાઈએ પાંચ પૂર્ણ બજેટ અને એક વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. આ વર્ષે બજેટ રજૂ કરવાની સાથે જ નિર્મલા સીતારમણ મોરારજી દેસાઈની બરાબરી પર આવી જશે.

પ્રથમવાર મહિલા દ્વારા વચગાળાનું બજેટ

નિર્મલા સીતારમણ સતત નાણા મંત્રાલય સંભાળી રહી છે અને મોદી સરકારના તમામ બજેટ રજુ કરી રહી છે. ર૦૧૯ પછી, તેમણે ર૦ર૦, ર૦ર૧ અને ર૦રર અને ર૦ર૩ માં બજેટ રજૂ કર્યું છે. હવે આ વર્ષે તે પોતાનું છઠ્ઠું બજેટ રજૂ કરશે. આ ચૂંટણી વર્ષ હોવાથી, આ વર્ષનું બજેટ વચગાળાનું બજેટ હશે. આ રીતે નિર્મલા સીતારમણ પ્રથમ વખત વચગાળાનું બજેટ રજૂ કરશે. આ સાથે ઈતિહાસ રચાશે કે પહેલીવાર કોઈ મહિલા વચગાળાનું બજેટ રજૂ કર્યું હોય.

૧૯પ૦માં બજેટની માહિતી થઈ હતી લીક

જો કે બજેટને લઈને ઘણી સાવધાની અને ગુપ્તતા રાખવામાં આવે છે, પરંતુ વર્ષ ૧૯પ૦ માં તત્કાલિન નાણામંત્રી જોન મથાઈના કાર્યકાળ દરમિયાન બજેટની માહિતી લીક થઈ હતી. આ પછી, વર્ષ ૧૯૮૦ માં બજેટ પ્રિન્ટીંગ મશીનોને રાષ્ટ્રપતિ ભવનમાંથી હટાવીને મિન્ટો રોડ પર ખસેડવામાં આવ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh