Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાંચ વર્ષમાં બે કરોડ નવા આવાસોઃ રાજ્યોને વ્યાજમુક્ત લોનઃ નવી મેડિકલ કોલેજોઃ મધ્યમ વર્ગને ઘરનું ઘરઃ સર્વાઈકલ કેન્સરને લઈને મહત્ત્વની જાહેરાતઃ
નવી દિલ્હી તા. ૧ઃ આજે કેન્દ્ર સરકારનું વચગાળાનું બજેટ રજૂ થયું છે, જેમાં ઈન્કમ ટેક્સમાં અપેક્ષાકૃત ફેરફાર થયો નથી, કે મોટી મોટી જાહેરાતો થઈ નથી. સાત લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત રહેશે. કરમાળખું યથાવત્ રખાયું છે. યોજનાવાર ફાળવણી સાથે નવા લક્ષ્યો નિર્ધારિત કરાયા હોવાનું જણાવી પાંચ વર્ષમાં મેળવેલી સિદ્ધિઓ પણ વર્ણવાઈ હતી. હવે જુલાઈમાં પૂર્ણ કક્ષાનું બજેટ નવી સરકાર રજૂ કરશે.
નાણામંત્રી નિર્મલા સીતારમણ કેન્દ્ર સરકારનું લોકસભા ચૂંટણી પૂર્વેનું અંતિમ અને વચગાળાનું બજેટ રજૂ કર્યું છે. તેમણે છઠ્ઠી વખત બજેટ રજૂ કર્યું હતું. ચૂંટણી પૂર્વેના બજેટને વચગાળાનું બજેટ કહેવાય. નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશના મધ્યમ વર્ગ માટે નવી આવાસ યોજનાની જાહેરાત કરી છે. આજે દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે નવી સંસદમાં પ્રથમ વખત બજેટ રજૂ કરી રહ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશના મધ્યમ વર્ગ માટે ખૂબ જ મહત્ત્વની અને મોટી જાહેરાત કરી છે. નાણામંત્રીએ મધ્યમ વર્ગ માટે નવી આવાસ યોજનાની જાહેરાત કરી છે. હવે આગામી સમયમાં મધ્યમ વર્ગને પણ આવાસ મળશે. ભાડાના મકાનો, ઝુંપડપટ્ટીઓ અને અનિયમિત મકાનોમાં રહેતા લોકોને નવું મકાન ખરીદવા અથવા બનાવવાની તક મળશે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ત્રણ કરોડ આવાસ બનાવવામાં આવ્યા છે, જ્યારે આગામી પાંચ વર્ષમાં ગ્રામીણ વિસ્તારોમાં બે કરોડ વધુ આવાસ બનાવવામાં આવશે.
નાણામંત્રીએ જણાવ્યું છે કે, લક્ષદ્વીપમાં નવી યોજનાઓ શરૂ કરાશે. આ સાથે જ મેટ્રોનો પણ વધારે વિસ્તાર કરવામાં આવશે, તો સાથે જ રેલવે સમુદ્ર માર્ગને જોડવા માટે પ્રયાસ કરવામાં આવશે. એરપોર્ટની સંખ્યામાં વધારો કરાશે, તો બીજી તરફ ઈ-બસનો વ્યાપ વધારવામાં આવશે. નાણાકીય વર્ષ ર૦રપ માં ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટેનો ખર્ચ વધારીને રૂ. ૧૧.૧૧ લાખ કરોડ કરવામાં આવ્યો છે.
નાણામંત્રીએ કહ્યું કે, પ્રદૂષણરહિત ઈંધણનો ઉપયોગ વધારાશે. પ્રદૂષણ ફેલાવતા વાહનોનો ઉપયોગ ઓછો થશે, તો સાથે જ તેઓએ ધાર્મિક પર્યટન વધારવા પર પણ ભાર આપ્યો છે. પર્યટનમાં વિદેશ રોકાણને પ્રાધાન્ય આપ્યું છે, તો આ ઉપરાંત તેઓએ કહ્યું કે, વિકસિત ભારત માટે રાજ્યોમાં સુધારો જરૂરી છે તેની પર પણ કામ કરાશે.
દરેક બજેટ દરમિયાન આવકવેરામાં છૂટને લઈને અપેક્ષાઓ વ્યક્ત કરવામાં આવે છે. આ વખતે પણ લોકોને આશા હતી, પરંતુ સરકારે વચગાળાના બજેટમાં તેમાં કોઈ ફેરફાર કર્યો નથી. કરદાતાઓને કોઈ રાહત આપવામાં આવી નથી. આ વખતે ઈન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. નિર્મલા સીતારમણે ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં થાય તેવું કહેવાની સાથે જ કહ્યું કે કોર્પોરેટ ટેક્સ ઘટાડીને ૩ર ટકા કરવામાં આવ્યો છે. આ સાથે સોવરિન ફંડ્સ માટે ટેક્સ મુક્તિમાં વધારો કરવામાં આવ્યો છે. માર્ચ ર૦રપ સુધી સોવરિન ફંડ્સ પર ટેક્સ મુક્તિ વધારવામાં આવી છે. આ સાથે સ્ટાર્ટઅપ માટે ટેક્સ મુક્તિનો અવકાશ વધારવામાં આવ્યો છે. રૂ. સાત લાખ સુધીની આવક પર ટેક્સ નહીં લાગે. આ સિવાય તેમણે કહ્યું કે, આવકવેરો ભરવાની પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી છે. હવે આઈટીઆર રિફંડ સરેરાશ ૧૦ દિવસમાં થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે દર મહિને સરેરાશ જીએસટી કલેક્શન ૧૬૬ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યંુ, અમે વચગાળાના બજેટની પરંપરા ચાલુ રાખી છે. વાસ્તવમાં વચગાળાના બજેટમાં કોઈ લોકપ્રિય જાહેરાતો કરવામાં આવતી નથી. આ જ કારણ છે કે સરકાર કોઈપણ પ્રકારની જાહેરાત કરવાથી બચી રહી છે. જેના સાથે ટેકસ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં સાથે જ કોઈ પણ જાહેરાત કરવામાં આવી નથી.
નિર્મલા સીતારમણે કહ્યું કે, રાજકોષિય ખાદ્ય પ.૧ ટકા રહેવાનું અનુમાન છે. ૧૦ વર્ષમાં ઈન્કમ ટેકસ કલેકશન ૩ ગણો વધ્યો છે. ર૦રપ-ર૬ સુધી રાજકોષિય ખોટ ઓછી થશે ૧૦ વર્ષમાં પ્રત્યક્ષ કરનું કલેકશન ૧૦ ગણું વધ્યું છે. પ વર્ષમાં કરદાતાઓને સુવિધા વધારવા પર ભાર મુકવામાં આવ્યો છે. નાણામંત્રી નિર્મલા સિતારમણ બજેટની સૌથી મોટી જાહેરાત કરી છે. હાલમાં કર માળખામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહીં.
દેશમાં ૭પ હજાર કરોડની લોન વ્યાજમુકત આપવામાં આવી છે. એેફડીઆઈ પણ ર૦૧૪ થી ર૦ર૩ સુધી વધ્યું છે. સુધારા માટે ૭પ હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. સંપૂર્ણ બજેટ જુલાઈમાં આવશે તેમાં વિકસિત ભારતનો રોડમેપ રજૂ કરવામાં આવશે. ઈન્ફ્રાસ્ટ્રકચરમાં ૧૧ ટકા વધુ ખર્ચ કરવામાં આવશે. વસ્તી વધારા અંગે એક સમિતિની રચના કરવામાં આવી છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે છેલ્લા ૪ વર્ષમાં આર્થિક વૃદ્ધિ ઝડપી બની છે. જેના સાથે જ દેશમાં ત્રણ રેલવે કોરિડોર શરૂ કરવામાં આવશે. પેસેન્જર ટ્રેનોના સંચાલનમાં સુધારો કરવામાં આવશે. પીએમ ગતિ શક્તિ યોજના હેઠળ કામ ઝડપથી કરવામાં આવશે. માલવાહક પ્રોજેકટ પણ વિકસાવવામાં આવશે. ૪૦ હજાર સામાન્ય રેલ કોચને વંદે ભારતમાં રૂપાંતરિત કરવામાં આવશે. એરપોર્ટની સંખ્યામાં વધારો થયો છે. એવિએશન કંપનીઓ એક હજાર એરક્રાફટનો ઓર્ડર આપીને આગળ વધી રહી છે. રેલવે દરિયાઈ માર્ગને જોડવા પર પણ ભાર મૂકવામાં આવશે. ટાયર ર અને ટાયર ૩ શહેરોને હવાઈ માર્ગે જોડવામાં આવશે. લક્ષદ્વીપમાં નવા પ્રોજેકટ શરૂ થશે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું. લખપતિ દીદીને પ્રમોટ કરવામાં આવશે. આત્મનિર્ભર બનાવવામાં લખપતિ દીદીઓનો ફાળો રહ્યો છે. અત્યાર સુધી એક કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવામાં આવી છે. જેમાં ર કરોડથી વધારીને ૩ કરોડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ૯ કરોડ મહિલાઓના જીવનમાં પરિવર્તન આવ્યું છે. આંગણવાડીના કાર્યક્રમો ઝડપી કરવામાં આવશે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, સર્વાઈકલ કેન્સરને રોકવા માટે પ્રયાસો કરવામાં આવશે. આ માટે રસીકરણ કરશે મિશન ઈન્દ્રધનુષમાં રસીકરણ વધારવામાં આવશે. ૦૯ થી ૧૪ વર્ષની કન્યાઓને વિનામૂલ્યે રસીકરણ કરવામાં આવશે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, પીએમ જનધન યોજના હેઠળ આદિવાસી સમાજ સુધી પહોંચવું પડશે. ખાસ આદિવાસીઓ માટે ખાસ સ્કીમ લઈને આવ્યા છે. ઈન્ફ્રાસ્ટ્રકચર વિકાસને વેગ મળ્યો છે. સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચી રહી છે, ૪ કરોડ ખેડૂતોને પીએમ પાક વીમા યોજનાનો લાભ આપવામાં આવ્યો છે. પીએમ કિસાન યોજનાથી ૧૧.૮ કરોડ લોકોને આર્થિક મદદ મળી છે. સામાન્ય લોકોના જીવનમાં પરિવર્તન લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. નાણામંત્રીએ જણાવ્યું કે, નવી શિક્ષણ નીતિનું અમલીકરણ કરાયું છે. ખેડૂતોને સશક્ત કરવા સરકાર કામ કરી રહી છે. જેમાં દેશમાં ૩ અને ૧પ એઆઈઆઈએમએસ શરૂ કરવામાં આવશે ઉચ્ચ શિક્ષણમાં મહિલાઓનો પ્રવેશ વધ્યો છે. ૧૪ કરોડ યુવાનોને સ્કીલ ઈન્ડિયા અંતર્ગત તાલીમ આપવામાં આવી છે. જેની સાથે જ ૩૦૦૦ નવી આઈટીઆઈ બનાવવામાં આવી તેમણે કહ્યું કે, છેલ્લા ૧૦ વર્ષમાં સકારાત્મક બદલાવ આવ્યો છે. ૮૦ કરોડ લોકોને મફત રાશન અપાયું છે. સર્વ સમાવેશી વિકાસ પર ભાર અપાયો છે. આ સાથે જ ર૦૪૭ સુધી ભારત વિકસિત રાષ્ટ્ર બનશે. છેલ્લા ૧૦ વર્ષમાં અર્થવ્યવસ્થાનું પ્રદર્શન સારું રહ્યું છે. અમે પરિવારવાદને ખતમ કર્યો છે. વ્યાપક લક્ષ્યો સાથે આગળ વધી રહ્યા છીએ. ગરીબ, યુવા, મહિલા, ખેડૂતોને પ્રાધાન્ય આપ્યું છે. ૭૮ લાખ સ્ટ્રીટ વેન્ડરને નાણાકીય મદદ કરી છે. દિવ્યાંગોને આત્મનિર્ભર બનાવવા પ્રયાસ થયો છે.
દેશના લોકોને પ્રાથમિક સુવિધાઓ સાથે બેંક ખાતા ખોલવાનું કામ કરવામાં આવ્યું છે. ભોજનની ચિંતાઓ દુર કરવામાં આવી છે. ૮૦ કરોડ લોકોને મફત અનાજ આપવામાં આવ્યું છે. મૂળભૂત જરૂરિયાતો પૂરી થઈ રહી છે. જેના કારણે ગ્રામીણ વિસ્તારોમાં લોકોની આવક વધી છે. ભારત ર૦૪૭ સુધીમાં વિકસિત દેશ બની જશે અમે લોકોને સશક્ત બનાવવા માટે કામ કરી રહ્યા છીએ. અમે ભ્રષ્ટાચાર અને ભત્રીજાવાદ ખતમ કર્યો છે.
બજેટ ભાષણમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, સરકાર મિશન સર્વાઈકલ કેન્સર રસીકરણને પ્રોત્સાહન આપશે. ૯ થી ૧૪ વર્ષની કિશોરીઓને વિનામૂલ્યે રસી આપવામાં આવશે. સર્વાઈકલ કેન્સરની વધતી સંખ્યાને ઘટાડવા માટે કેન્દ્ર સરકાર હ્યુમન પેપિલોમાવાયરસ અથવા એચપીવી રસી- સેરવાવકને લાગુ કરવા માટે તૈયાર છે. નિષ્ણાતોના મતે, સર્વાઈકલ કેન્સર ભારતમાં બીજા નંબરનું સૌથી સામાન્ય કેન્સર છે. દર વર્ષે દેશમાં ૧,ર૦,૦૦૦ થી વધુ મહિલાઓ સર્વાઈકલ કેન્સરનો ભોગ બને છે. તેમાંથી વાર્ષિક અંદાજે ૭૭,૦૦૦ મહિલાઓ મૃત્યુ પામે છે. તેને ધ્યાનમાં રાખીને સરકારે આ દિશામાં મહત્ત્વપૂર્ણ પગલાં લીધાં છે. કેન્દ્ર સરકારે સર્વાઈકલ કેન્સરની રસી એચપીવી ૯ થી ૧૪ વર્ષની કિશોરીઓને ઉપલબ્ધ કરાવવાની યોજના બનાવી છે. કેન્દ્ર સરકાર ત્રણ વર્ષમાં ત્રણ તબક્કામાં કામ કરશે અને એવી અપેક્ષા છે કે, અભિયાનનો બીજો તબક્કો આ વર્ષના ઉત્તરાર્ધમાં શરૂ થશે.
સરકારે આ વખતે ઈન્કમટેક્સમાં સામાન્ય માણસને કોઈ રાહત આપી નથી તેથી જો તમે જૂની ટેક્સ સિસ્ટમ પસંદ કરો છો, તો તમારી ર.પ લાખ રૂપિયા સુધીની આવક હજુ પણ કરમુક્ત રહેશે. જો કે, ઈન્કમટેક્સ એક્ટના સેકશન ૮૭-એ હેઠળ તમે પ લાખ રૂપિયા સુધીની આવક પર ટેક્સ બચાવી શકો છો. નવી ટેક્સ સિસ્ટમ પસંદ કરવા પર તમારે પહેલાની જેમ ૩ લાખ રૂપિયા સુધીની આવક પર ટેક્સ ચૂકવવો પડશે નહીં. આમાં પણ ઈન્કમટેક્સ એક્ટના સેકશન ૮૭એ હેઠળ પગારદાર વ્યક્તિઓને ૭.પ લાખ રૂપિયા સુધીની આવક પર ટેક્સ છૂટ મળી શકે છે અને અન્યને ૭ લાખ રૂપિયા સુધીની આવક પર ટેક્સ છૂટ મળી શકે છે.
કેન્દ્રના વચગાળાના બજેટના મિશ્ર પ્રત્યાઘાતો
નવી દિલ્હી તા. ૧ઃ કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણે વચગાળાનું કેન્દ્રિય બજેટ રજૂ કર્યું છે, જેના મિશ્ર પ્રત્યાઘાતો સામે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ભવિષ્યના નિર્માણનું બજેટ ગણાવી ગરીબ, યુવા, મહિલા, ખેડૂતોને લાભકારી બજેટ ગણાવ્યું હતું, પરંતુ વિપક્ષના નેતાઓ દ્વારા આ બજેટને નિરાશાજનક ગણાવાઈ રહ્યું છે. આ બજેટ પછી મોંઘવારીમાં રાહત થાય, રોજગારી વધે, તેવી આશા હતી, પરંતુ તેવી કોઈ જોગવાઈ થઈ નથી. ઈન્કમટેક્સમાં કોઈ રાહત નહીં મળતા પગારદાર વર્ગ પણ નારાજ થયો હોવાના પ્રત્યાઘાતો પડી રહ્યા છે. કેટલાક આર્થિક ક્ષેત્રના નિષ્ણાતો અને ઉદ્યોગ-વ્યાપાર ક્ષેત્રના પણ મિશ્ર પ્રતિભાવો આવી રહ્યા છે, અને બજેટને એકંદરે નિરાશાજનક ગણાવાઈ રહ્યું છે. નાણામંત્રીએ કહ્યું છે કે, વચગાળાના બજેટમાં કોઈ નીતિગત મોટી જાહેરાતો નહીં કરીને તેમણે પરંપરા જાળવી છે અને હવે જુલાઈમાં પૂર્ણકક્ષાનું બજેટ રજૂ થશે.
નાણામંત્રીએ કેટલીક સિદ્ધિઓ વર્ણવી તેના મુખ્ય મુદ્દા
* ૧૫ નવી એઈમ્સ, ૩૯૦ નવા વિશ્વવિધાલય બનાવાયા છે.
* આમ આદમીની આવક પ૦% વધી છે.
* પીએમ આવાસ યોજનાના કારણે ૭૦% ઘરની માલિક બની મહિલાઓ.
* સરકારે અત્યાર સુધી ૩ કરોડ ઘર બનાવવાના પોતાના લક્ષ્યને હાંસલ કર્યું.
* આ યોજના હેઠળ આગામી ૫ વર્ષમાં ૨ કરોડ વધારે ઘર બનાવાશે.
* ઉચ્ચ શિક્ષામાં મહિલાઓની ભાગીદારી ૨૮ ટકા વધી ગઈ.
* ૧૩૬૧ નવી શાકમાર્કેટ જોડાઈ.
* દેશમાં એરપોર્ટ્સની સંખ્યા ૧૪૯ થઈ ગઈ, ટિયર ર અને ટિયર ૩ પર ખાસ ફોકસ.