Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ માટે રાજ્યનું ચૂંટણી તંત્ર સંપૂર્ણ સજ્જઃ
ગાંધીનગર તા. ૧૮ઃ ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ ગુજરાતમાં લોકસભાની ૨૬ બેઠકો માટે સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની ૦૫ બેઠકો માટેની પેટાચૂંટણીની ઘોષણા કરવામાં આવી છે.
ગુજરાત લોકસભાની ચૂંટણી ૨૦૨૪ માટે ચૂંટણી તંત્ર સંપૂર્ણ સુસજ્જ છે. મતદાર યાદી, ઈવીએમ અને મતદાન મથકોનું સંપૂર્ણ આયોજન થઈ ગયું છે. મતદાતાઓને મતદાન મથકે સુખદ અનુભવ થાય તે માટે વિશેષ આયોજનો કરાયા છે. એટલું જ નહિં, યુવાનો અને વડીલો મતદાન માટે પ્રેરાય તે માટે વિશેષ પ્રયત્નો પણ કરાયા છે. ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીએ ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, આદર્શ આચારસંહિતાના ચુસ્ત પાલન માટે સમગ્ર રાજ્યમાં ચૂંટણી તંત્ર સજાગ છે. રાજ્યનો કોઈપણ નાગરીક કોઈપણ સ્થળેથી આદર્શ આચારસંહિતાના ભંગ અંગેની ઓનલાઈન ફરીયાદ કરી શકે તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા સી-વીજીલ મોબાઈલ એપ તૈયાર કરવામાં આવી છે.
આ પત્રકાર પરિષદમાં અધિક મુખ્ય નિર્વાચન અધિકારી કુલદીપ આર્ય, અધિક સચિવ પ્રકાશ પટણી, સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી એ.બી. પટેલ અને સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી પી.ડી. પલસાણા ઉપસ્થિત રહ્યાં હતાં.
મતદાર યાદી
મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ જણાવ્યું હતું કે, તા. ૦૫-૦૧-૨૦૨૪ના પ્રસિદ્ધ કરવામાં આવેલી આખરી મતદાર યાદી મુજબ રાજ્યમાં કુલ ૪,૯૪, ૪૯,૪૬૯ મતદારો નોંધાયા છે. જે પૈકી ૨,૩૯,૭૮,૨૪૩ મહિલા મતદારો અને, ૨,૫૪,૬૯,૭૨૩ પુરૂષ મતદારો છે. ગુજરાતમાં ૧,૫૦૩ જેટલા થર્ડ જેન્ડર મતદારો નોંધાયા છે. ૮૫ વર્ષથી વધુ વયના ૪,૨૪,૧૬૨ મતદારો ગુજરાતની મતદાર યાદીમાં નોંધાયા છે. ગુજરાતમાં ૧૦,૩૨૨ મતદારો શતાયુ એટલે કે ૧૦૦ વર્ષ કે તેથી વધુ વયના છે. કુલ મતદારો પૈકી ૧૮થી ૧૯ વર્ષની વય ધરાવતા ૧૧,૩૨,૮૮૦ યુવા મતદારો આ લોકસભા ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરી શકશે.
આજના દિવસ બાદ નામ કમી/સુધારાની જે અરજીઓ મળશે તેનો નિર્ણય લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ પૂર્ણ થયા બાદ કરવામાં આવશે.
મતદાર ફોટો ઓળખકાર્ડ
સપ્ટેમ્બર-૨૦૨૩ ના ત્રીજા અઠવાડિયાથી ડિસેમ્બર-૨૦૨૩ના બીજા અઠવાડિયા (સંક્ષિપ્ત સુધારણા ૨૦૨૪) સુધીમાં જે મતદારોએ મતદારયાદી સંબંધે અરજી કરેલ તેવા ૧૩ લાખથીવધુ મતદારો માટે એ૫ીક વિતરણની કામગીરી ડિપાર્ટમેન્ટ ઑફ દ્વારા હાલ ચાલુ છે, જે માર્ચ-૨૦૨૪ના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે.ડિસેમ્બર-૨૦૨૩ના ત્રીજા અઠવાડિયાથી ફેબ્રુઆરી-૨૦૨૪ના પહેલા અઠવાડિયા સુધીમાં જે મતદારોએ મતદારયાદી સંદર્ભે અરજી કરેલ તેવા ૩.૫ લાખથી વધુ મતદારો માટે એપીક કાર્ડ મતદાનના દિવસ પૂર્વે તમામને મળી જાય તે સુનિશ્ચિત કરવામાં આવશે.
પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન
ચૂંટણી ફરજ પર રોકાયેલા હોય અને તેના કારણે પોતાના મતદાન મથકમાં મતદાન કરી શકે તેમ ન હોય તેવા ચૂંટણી ફરજ પર નિયુક્ત તમામ અધિકારીઓ અને કર્મચારીઓ તથા જાહેર સેવકોને પોસ્ટલ બેલેટ/ઈડીસી દ્વારા મતદાન કરવાની સુવિધા આપવામાં આવશે. ચૂંટણી સંચાલનના નિયમો, ૧૯૬૧ માં નિયમ ૧૮ (એ) દાખલ કરવામાં આવેલ છે. તે મુજબ આવા તમામ કર્મચારીઓ મતદાન સહાય કેન્દ્ર પર પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવાની સગવડ આપવામાં આવનાર છે.
વરિષ્ઠ મતદારો માટે હોમ વોટીંગની વયમર્યાદા
ગત વિધાનસભા ચૂંટણીમાં ૮૦ વર્ષથી વધુ વય ધરાવતા વરિષ્ઠ મતદારો તેમના નિવાસસ્થાને મતદાન કરી શકે તેવી જોગવાઈ હતી. ચૂંટણી પંચે આ જોગવાઈમાં સુધારો કરી ૮૦+ વર્ષની ઉંમરને બદલે ૮૫+ વર્ષ કરેલ છે.
હોમ વોટીંગની સુવિધા
ભારતના ચૂંટણી પંચ દ્વારા ૮૫ વર્ષથી વધુ વય ધરાવતાં વરિષ્ઠ નાગરિકો તથા ૪૦ ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજનોને પોસ્ટલ બેલેટ દ્વારા ઘરેથી મતદાનની સુવિધા આપવાની જોગવાઈ કરવામાં આવી છે.
મિડિયા સર્ટીફિકેશન, પેઈડ ન્યુઝ અને મીડિયા મોનીટરીંગ
સોશિયલ મીડિયા સહિત ઈલેક્ટ્રોનિક મિડિયામાં પ્રસારિત કરવાની થતી રાજકીય જાહેરાતોનું સમગ્ર વર્ષ દરમિયાન પ્રિ-સર્ટીફિકેશન મેળવવાની વ્યવસ્થા છે. નોંધાયેલા રાષ્ટ્રીય/ રાજ્યકક્ષાના રાજકીય પક્ષ તથા ચૂંટણી લડતા તમામ ઉમેદવારોએ જાહેરાત પ્રસારિત કરવાની હોય તેના ઓછામાં ઓછા ત્રણ દિવસ પહેલાં પ્રિ-સર્ટીફિકેશન માટે સંબંધિત કમિટી સમક્ષ રજૂ કરવાની રહેશે. તે સિવાયના નોંધાયેલા ન હોય તેવા રાજકીય પક્ષો કે અન્ય વ્યક્તિઓએ સાત દિવસ પહેલાં પ્રિ-સર્ટીફિકેશન માટે રજૂ કરવાની રહેશે. મતદાનના આગળના દિવસે કે મતદાનના દિવસે પ્રિન્ટ મીડિયામાં પ્રસિદ્ધ કરવાની થતી જાહેરાત ઓછામાં ઓછા બે દિવસ પહેલાં પ્રિ-સર્ટીફિકેશન માટે સંબંધિત કમિટ ી સમક્ષ રજૂ કરવાની રહેશે.
જો કોઈ ન્યુઝ પેઈડ ન્યુઝ છે એવો નિર્ણય કરવામાં આવશે તો તેનો ખર્ચ જે ઉમેદવારના લાભ માટે પેઈડ ન્યુઝ આપવામાં આવ્યા હશે તેના ખર્ચમાં ગણવામાં આવશે. તદઉપરાંત, સંબંધિત ઉમેદવારનું નામ મુખ્ય નિર્વાચન અધિકારીની વેબસાઈટ પર પણ પ્રસિદ્ધ કરવામાં આવશે. ઈલેક્ટ્રોનિક માધ્યમોમાં પ્રસારિત થયેલા પેઈડ ન્યુઝના કેસ ન્યુઝ બ્રોડકાસ્ટીંગ સ્ટાન્ડર્ડસ ઑથોરિટીને તથા પ્રિન્ટ મિડિયામાં પ્રસારિત થયેલા પેઈડ ન્યુઝના કેસ પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને મોકલવામાં આવશે. તમામ જિલ્લાઓમાં જિલ્લા સ્તરીય મીડિયા સર્ટીફિકેશન અને મોનીટરીંગ કમિટી તથા રાજ્ય સ્તરીય મીડિયા સર્ટીફિકેશન અને મોનીટરીંગ કમિટી કાર્યરત છે.
સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ તેમજ ગેરમાર્ગે દોરતા સમાચાર પર દેખરેખ રાખવા માટે રાજ્ય કક્ષાએ તેમજ જિલ્લા કક્ષાએ સોશિયલ મીડિયા સેલ ઉભા કરવામાં આવ્યા છે, તેમજ સોશિયલ મીડિયા નોડલ અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે.
વેબ કાસ્ટીંગ
ભારતના ચૂંટણી પંચ દ્વારા કુલ મતદાન મથકો પૈકીના ૫૦ ટકા મતદાન મથકોનું મતદાનના દિવસે લાઈવ વેબકાસ્ટીંગ કરવાની સૂચના છે. ગુજરાતમાં આશરે ૨૫,૦૦૦ થી વધુ મતદાન મથકોથી વેબ કાસ્ટીંગ કરવામાં આવશે. આ મતદાન મથકોએ જિલ્લા ચૂંટણી અધિકારીના નિયંત્રણ હેઠળ જિલ્લા કક્ષાએ અને મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગાંધીનગરમાં પણ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવશે. જ્યાં મતદાનના દિવસે મોક પોલથી શરૂ કરીને મતદાન સંપૂર્ણ થાય ત્યાં સુધીની તમામ કામગીરીનું સતત નિરીક્ષણ કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial