Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈરાને ગત્ રાત્રે ૧૮૦ જેટલા મિસાઈલોનો હુમલો કર્યા પછી નેતન્યાહૂ આકરા પાણીએ... તંગદિલી વધી
તેલઅવીવ તા. રઃ ગઈકાલે ઈઝરાયેલે કરેલા મિસાઈલ એટેક પછી ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂએ ઈરાનને ગંભીર પરિણામો ભોગવવા તૈયાર રહેવાની ચેતવણી આપી છે.
ઈઝરાયેલે અગાઉથી આપેલી ચેતવણી મુજબ તેનું સૈન્ય મંગળવારે દક્ષિણ લેબનોનમાં ઘૂસ્યું હતું અને જમીની હુમલો કરતા હિઝબુલ્લાહના સ્થળોને નિશાન બનાવ્યા હતાં.
બીજી બાજુ અંતે ઈરાન પણ મધ્ય-પૂર્વના યુદ્ધમાં કૂદી પડ્યું છે. ઈરાને મંગળવારે રાતે ઈઝરાયેલ પર ૧૮૦ જેટલા મિસાઈલનો મારો કર્યો હોવાનો આઈડીએફે દાવો કર્યો છે. આ સિવાય ઈઝરાયેલમાં તેલ અવિવન નજીક આતંકી હુમલો પણ થયો છે.
ઈરાને આખરે મંગળવારે રાતે ઈઝરાયેલ પર હુમલો કરી દીધો છે. ઈરાને ઈઝરાયેલના અનેક વિસ્તારો પર પ૦૦ થી વધુ મિસાઈલ છોડ્યા છે. ઈઝરાયેલના સૈન્યે કહ્યું કે, ઈરાને બેલિસ્ટિક મિસાઈલથી હુમલો કર્યો છે. ઈરાનના આ હુમલાની અમેરિકાએ અગાઉથી જ ઈઝરાયેલને ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે ઈરાન હુમલો કરશે તો તેના ગંભીર પરિણામ આવશે.
અમેરિકન પ્રમુખ બાઈડેને ઈરાનની મિસાઈલોને તોડી પાડવા માટે તેના સૈન્યને આદેશ આપ્યો છે. આ હુમલા પછી નેતન્યાહૂએ ધમકી આપી હતી કે ઈરાને ઈઝરાયેલ પર હુમલો કરીને મોટી ભૂલ કરી દીધી છે. હવે તેણે કિંમત ચૂકવવા તૈયાર રહેવું જોઈએ.
નેતન્યાહૂએ ઈરાન તરફથી હુમલો બંધ થયા પછી સાંજે કહ્યું કે ઈઝરાયેલ પર કરાયેલો ઈરાનનો હુમલો નિષ્ફળ રહ્યો છે. અમારી ડિફેન્સ સિસ્ટમે તેને નિષ્ફળ બનાવ્યો. હવે અમે જ સ્થળ અને સમય નક્કી કરીને ઈરાનને આ હુમલાનો જડબાતોડ જવાબ આપીશું. નેતન્યાહૂએ આ હુમલાનો સામનો કરવામાં મદદ કરનારા અમેરિકાને પણ આભાર વ્યક્ત કર્યો હતો, જો કે ઈઝરાયેલ દ્વારા ઈરાનથી બદલો લેવા અંગે નેતન્યાહૂની ધમકીથી દુનિયાભરના દેશોની ચિંતા વધી ગઈ છે અને ફરી એકવાર વિશ્વયુદ્ધ શરૃ થવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઈઝરાયેલના સૈન્યે કહ્યું કે, તેમણે લાખો નાગરિકોને બોમ્બ શેલ્ટરોમાં સુરક્ષિત સ્થળો પર મોકલી દીધા છે. ઈઝરાયેલે તેની સત્તાવાર એક્સ પોસ્ટ પર ઈરાનના હુમલાના કેટલાક વીડિયો શેર કર્યા હતાં, જેમાં ઈઝરાયેલની મિસાઈલો ઈરાનની મિસાઈલોને ઈન્ટરસેપ્ટ કરતી જોવા મળે છે. ઈરાનના આ હુમલામાં બે તેલ અવિવમાં બે લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ઈઝરાયેલ પર બેલિસ્ટિક મિસાઈલથી હુમલો કર્યા પછી ઈરાને ચેતવણી આપી હતી કે ઝાયોનિસ્ટ શાસનના આતંકી હુમલાઓ સામે આ અમારી કાયદાકીય, તર્કસંગત પ્રતિક્રિયા છે.
તેહરાનમાં હમાસના વડા હાનિયા, લેબનોનમાં હિઝબુલ્લાહના વડા નસરલ્લાહના મોતનો બદલો લેવા આ હુમલો કરાયો છે. ઈજરાયેલ આ હુમલા સામે જવાબી કાર્યવાહી કરશે તો તહેરાનની પ્રતિક્રિયા વધુ વિનાશક હશે. ઈરાનના આ હુમલા વચ્ચે અમેરિકન પ્રમુખ બાઈડન અને ઉપપ્રમુખ કમલા હેરીસ તેમજ વ્હાઈટ હાઉસની રાષ્ટ્રીય સુરક્ષા ટીમ સાથે ચર્ચા કરી હતી.
આ પહેલા લેબનોનમાં હિઝબુલ્લાહના વડા નસરલ્લાહને ખતમ કર્યા પછી ઈઝરાયેલે મર્યાદિત ગ્રાઉન્ડ ઓપરેશનની ચેતવણી આપી હતી, જે મુજબ ઈઝરાયેલના સૈન્યે મંગળવારે દક્ષિણ લેબનોનમાં પ્રવેશ કરીને હિઝબુલ્લાહના સ્થળોને નિશાન બનાવ્યા છે. આ સાથે આઈડીએફે હિઝબુલ્લાહના આતંકીઓ વિરૃદ્ધ નવો મોરચો ખોલી લીધો છે.
આઈડીએફે એક્સ પોસ્ટ પર કહ્યું કે થોડાક કલાક પહેલા જ અમારા સૈન્યે દક્ષિણ લેબનોનમાં હિઝબુલ્લાહના આતંકી સ્થળો વિરૃદ્ધ ગુપ્ત બાતમીના આધારે મર્યાદિત અને ટાર્ગેટ ગ્રાઉન્ડ ઓપરેશન શરૃ કર્યું છે. ઈઝરાયેલની એરફોર્સ અને આર્ટિલરીએ ગ્રાઉન્ડ ફોર્સને મદદ કરવા ટાર્ગેટેડ હુમલા ચાલુ રાખ્યા છે.
બીજી બાજુ હિઝબુલ્લાહે દાવો કર્યો છે કે તેણે તેલ અવિવમાં મોસાદના મુખ્યાલય પર મિસાઈલ હુમલો કર્યો છે. આ સિવાય ઈઝરાયેલ પોલીસે જણાવ્યું હતું કે, તેલ અવિવની નજીક જાફામાં આતંકી હુમલો થયો હતો. બે આતંકીઓએ જાફામાં અંધાધૂંધ ગોળીબાર કરતા ચાર લોકોના મોત નિપજ્યા હતાં અને સાત લોકો ઘાયલ થયા હતાં.
ઈઝરાયેલ પોલીસે બન્ને આતંકીઓને ઠાર કરી દીધા છે તેમ ઈઝરાયેલે તેની સત્તાવાર એક્સ પોસ્ટમાં જણાવ્યું હતું. ગોળીબારની આ ઘટના મધ્ય ઈઝરાયેલમાં લાઈટ રેલવે સ્ટેશન પાસે થઈ હતી. ટ્રેનમાંથી ઉતરતી વખતે સુરક્ષા દળોએ બન્ને આતંકીને ઠાર કર્યા હતાં, જો કે તેમને આ વિસ્તારમાં હજુ એક આતંકી હોવાની આશંકા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial