Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પૂ. બાપુને સાચી શ્રદ્ધાંજલિ
જામનગર તા. રઃ આજે ભારતને અહિંસાની લડાઈ સાથે મહામૂલી આઝાદીની ભેટ ધરનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજ્યંતીની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવી રહી છે.
પૂ. બાપુ હંમેશાં અને જીવનપર્યંત સ્વચ્છતાના આગ્રહી રહ્યાં હતાં. પૂ. બાપુની જન્મજ્યંતીની ઉજવણીમાં જનજન સુધી સ્વચ્છતાનો સંદેશો પહોંચાડવા દેશના વડાપ્રધાનની અપીલના અનુસંધાને સમગ્ર દેશમાં કેન્દ્ર સરકાર તથા રાજય સરકારો દ્વારા સ્વચ્છતા અભિયાન ચાલે છે. રાજકીય નેતાઓ, સમાજના અગ્રણીઓ આજે ઠેરઠેર સફાઈ કામ કરીને લોકોને સ્વચ્છતા જાળવવા પ્રેરણા સાથે પૂ. બાપુનો સંદેશ આપી રહ્યાં છે, અને આપણાં દેશના આ મહામાનવને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યાં છે.
આ સંજોગોમાં ખાસ કરીને એક અલગ કુખ્યાતિ સાથે પ્રસિદ્ધિના પેંતરા કરી પૂ. બાપુનું અપમાન કરવા સુધીની બેહુદી હરકતો કરનારાઓના મગજમાં ભરાયેલા કચરાની સફાઈ કરવાની જરૃર છે.
ગણ્યાં-ગાંઠ્યા લોકોની ટોળકી અવારનવાર પૂ. બાપુના હત્યારાની વાહવાહી કરવા ધમપછાડા કરે છે. હત્યારાના પૂતળા-છબિની પૂજા કરે છે.
ધર્મના નામે ચાલતી સંસ્થાના આ લેભાગુઓ હિન્દુ ધર્મના દેવી-દેવતાઓની પૂજા કરવાના બદલે અહિંસાના પૂજારીના હત્યારાની પૂજા-ભક્તિ કરે તે અત્યંત ટીકાપાત્ર જ બાબત નહીં, પણ કદાચ ગંભીર ગુન્હાહિત કૃત્ય છે.
ભારતમાં લગભગ તમામ ગામ-શહેરોમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમાઓ છે, રસ્તા, મહોલ્લા, કોલોનીના નામકરણ પૂ. બાપુના નામે થયા છે. વિશ્વના અનેક દેશોમાં સરકારી પરિસરમાં પૂ. બાપુની પ્રતિમા પ્રસ્થાપિત થઈ છે. સદ્ભાવના, શાંતિ, અહિંસા, સત્ય અને સ્વચ્છતાના સંસ્કારોને આજીવન આત્મસાત કરી વિશ્વને શાંતિનો સંદેશો આપી સમગ્ર વિશ્વમાં ભારતનું ગૌરવ વધારનાર વિશ્વમાં સન્માન મેળવનાર પૂ. બાપુના હત્યારાની વાહવાહી કરવી તે પૂ. બાપુનું અપમાન કરવાની અતિ ઘૃણાસ્પદ ચેષ્ટા છે.
આવી ચેષ્ટા, આવી કથિત ગુન્હાહિત હરકતો કરનારાને રક્ષણ કોણ આપે છે...? કદાચ આજે હાથમાં સાવરણા લઈ પૂ. બાપુના સ્વચ્છતાના સંદેશ સાથે પૂ. બાપુને શ્રદ્ધાંજલિ આપનારા જ હોય શકે છે...?
મહાત્મા ગાંધી ભારતના રાષ્ટ્રપિતા છે અને તેમનું અપમાન લગીરે પણ સાંખી લેવાય નહીં.... ત્યારે આજે પૂ. બાપુની જન્મજ્યંતીના અવસરે ગાંધીજીના હત્યારાની ભક્તિ કરનારા અવળચંડા લોકોની ટોળકીના મગજના કચરાની સફાઈ કડકપણે કાયદાકીય જોગવાઈ અનુસાર કરવામાં આવે તો મહાત્મા ગાંધીજીને સાચી શ્રદ્ધાંજલિ આપી કહેવાશે... અને આવી ગણ્યાં-ગાંઠ્યા લેભાગુ લોકોની ટોળકીને ભવિષ્યમાં આવી હરકતો કરતા ચોક્કસપણે અટકાવી દેવામાં સફળતા મળશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial