Advertisement
Author: નોબત સમાચાર

અયોધ્યામાં રામોત્સવઃ મોદી-ભાગવતના હસ્તે રામલલ્લાના મંદિરે ધ્વજારોહણ

વડાપ્રધાને અયોધ્યામાં દોઢ કિલોમીટરનો રોડ-શો કર્યોઃ રામદરબારમાં પહેલી આરતી પછી ધ્વજાપૂજન કરી અને રામલલ્લાના દર્શનઃ ભાવુક થયા

                                                                                                                                                                                                      

અયોધ્યા તા. ૨૪: અયોધ્યામાં આજે શ્રીરામ મંદિરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા આરએસએસ પ્રમુખ મોહન ભાગવત દ્વારા ધ્વજારોહણ થયુ ત્યારે માહોલ રામમય બની ગયો હતો. અને ભગવાન શ્રીરામનો જય જયકાર થયો હતો. તે પહેલા વડાપ્રધાને દોઢ કિ.મી.નો રોડ-શો કર્યો હતો. યોગી આદિત્યનાથ, વડાપ્રધાન મોદી અને મોહન ભાગવતે સદીઓના સંઘર્ષ પછી આ ધર્મધ્વજનું સપનું સાકાર થયું હોવાનુ જણાવી પ્રાસંગિક ઉદ્બોધનો કર્યા હતાં.

અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાના ૬૭૩ દિવસ પછી આજે મોદી અને આરએસએસના વડા મોહન ભાગવતે રામ મંદિર પર ધર્મધ્વજ ફરકાવ્યો હતો. સવારે ૧૧-પ૦ વાગ્યે અભિજીત મુહૂર્તમાં બટન દબાવીને ૧૬૧ ફુટ ઊંચા શિખર પર ર કિલોગ્રામનો ધર્મધ્વજ લહેરાવ્યો છે. આ સાથે રામ મંદિરનું નિર્માણ પૂર્ણ થયું છે.

આ દરમિયાન પીએમ મોદી ભાવુક થઈ ગયા અને અને હાથ જોડીને ધ્વજને નમન કર્યું. અગાઉ રામ મંદિરમાં પીએમ મોદીએ મોહન ભાગવત સાથે પહેલા માળે રામ દરબારમાં પહેલી વાર પૂજા અને આરતી કરી હતી. તેમણે રામલલ્લાના દર્શન પણ કર્યા હતાં. પીએમ રામલલ્લા માટે વસ્ત્ર લઈને પહોંચ્યા હતાં. તેમણે સપ્ત ઋષિઓના દર્શન પણ કર્યા. ભગવાન શેષાવતાર લક્ષ્મણની પૂજા કરી અને જળાશયની મુલાકાત લીધી.

આજે સવારે પીએમ અયોધ્યા પહોંચ્યા હતાં. મોદીએ સાકેત કોલેજથી રામજન્મભૂમિ સુધી દોઢ કિલોમીટરનો રોડ-શો કર્યો હતો. રોડ-શોમાં વિવિધ જગ્યાએ તેમનું મહિલાઓએ મોટી સંખ્યામાં સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં લગભગ સાતેક હજાર લોકો જોડાયા હતાં.

અયોધ્યાને ૧૦૦૦ ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. આરએસએસના વડા મોહન ભાગવત સોમવારે જ મંદિરે પહોંચી ચૂક્યા હતાં. આ ધર્મધ્વજા ભયાનક તોફાનમાં પણ સુરક્ષિત રહેશે અને હવા બદલાતા ગૂંચાયા વગર પલટાઈ જશે. તેના દંડ પર ર૧ કિલો સોનું મઢવામાં આવ્યું છે. ધ્વજા ૪ કિ.મી. દૂરથી દેખાશે.

આરએસએસના વડા મોહન ભાગવતે પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, આજે સાર્થકતાનો દિવસ છે. કરોડોની આસ્થા સાકાર થઈ છે. ધર્મધજા રઘુકુળનું પ્રતીક છે. વિશ્વ ધર્મના આધારે જ યોગ્ય રીતે ચાલી શકે. પ૦૦ વર્ષના સંઘર્ષ પછી આ રામમંદિર બન્યું છે.

મોહન ભાગવતે કહ્યું, 'આજનો દિવસ આપણા બધા માટે મહત્ત્વનો છે. ઘણાં લોકોએ સ્વપ્ન જોયું, પ્રયત્ન કર્યા અને પોતાના જીવનનું બલિદાન આપ્યું. આજે તેમના આત્માઓ તેમની સ્વર્ગિય સ્થિતિમાં સંતુષ્ટ થયા હશે.'

આજે અશોકજી (અશોક સિંઘલ), સંત પરમહંસ ચંદ્ર દાસ અને આદરણિય દાલમિયાજીના આત્માઓને ખરેખર શાંતિ મળશે. મંદિરની ધાર્મિક પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. એક સમયે અયોધ્યામાં લહેરાતો રામ રાજ્યોનો ધ્વજ જે પોતાના પ્રકાશથી સમગ્ર વિશ્વને સમૃદ્ધિ આપતો હતો, તે આજે મારી પોતાની આંખોથી ધીમે ધીમે ઉપર ચઢતો જોવા મળી રહ્યો છે.

મોહન ભાગવતે કહ્યું ભારતને ફરીથી ઘડવાનું કાર્ય શરૂ થઈ ગયું છે. આપણે બધી પ્રતિકૂળતાઓમાંથી પસાર થઈને કામ કરવું જોઈએ. આ આપણા સંકલ્પને નવીકરણ કરવાનો દિવસ છે. દુનિયા એક એવા ભારતવર્ષની અપેક્ષા રાખે છે જે દરેકને સુખ અને શાંતિ આપે.

રામલલ્લાના નામે આ કાર્યને વેગ આપવો એ આપણી ફરજ છે. મંદિરનું નિર્માણ તેમની કલ્પના મુજબ જ થયું છે અને તેનાથી પણ વધુ ભવ્ય મોહન ભાગવતે લગભગ ૧૧ મિનિટ સુધી ભાષણ આપ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ધ્વજારોહણનું સદ્ભાગ્ય મળવા બદલ ધન્યતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, આજે અપાર, અલૌકિક, આનંદ થાય છે. અયોધ્યાના રામજન્મભૂમિ મંદિરના સ્વર્ણશિખર પર આજ ધ્વજારોહણ થતા આખું વિશ્વ આજે રામમય છે. આજે સદીઓ જુનો સંકલ્પ સિદ્ધ થયો છે. શ્રીરામ પ્રતયેનો વિશ્વાસ એક ક્ષણ માટે પણ તૂટ્યો નથી. આજે આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા છીએ. આપણું સેંકડો વર્ષ જુનું સપનું સાકાર થયું છે. આ ધર્મધ્વજા રામસ્થળનું પ્રતીક છે. આ ધ્વજા સંઘર્ષ પછી સફળતાનું પ્રતીક પણ છે. સત્યમાં જ ધર્મ સમાવિષ્ટ છે, તેથી 'સત્યમેવ જયતે'નું આહ્વાન કરીએ. વિશ્વમાં કર્મ અને કર્તવ્યને અગ્રીમતા મળશે. આ ધ્વજ પ્રભુરામના આદર્શોનો જયઘોષ કરશે. આ ધ્વજના દર્શન મંદિરના દર્શન સમાન છે. આ ધ્વજ શાંતિ અને સદ્ભાવનો સંદેશ આપે છે. આ રામમંદિરના નિર્માણ સાથે જોડાયેલા સૌ કોઈનું અભિવાદન કરૂ છું. આ ધ્વજ ઉદ્ઘોષ કરશે કે જીત હંમેશાં સત્યની જ થાય છે. આજે સદીઓની વેદનાનો સંકલ્પ પૂરો થયો છે. ભગવાન શ્રીરામે અયોધ્યાથી જ જીવનલીલા શરૂ કરી હતી. આ રામમંદિર ભારતના સામર્થ્યનું પણ પ્રતીક છે.

વડાપ્રધાને કહ્યું કે, આ ધવજારોહણ થતા સાધુ-સંતોનું સપનું સાકાર થયું છે. આપણા ભગવાન શ્રીરામ ભક્તોના ભાવથી જોડાય છે. આ ધ્વજા સંઘર્ષ દ્વારા સર્જનનું દૃષ્ટાંત છે. ભગવાન શ્રીરામ વનવાસથી પરત ફર્યા અને મર્યાદા પુરુષોત્તમ બન્યા. આપણે દરેક વર્ગોના વિકાસને કેન્દ્રમાં રાખ્યું છે. આપણે નહીં હોઈએ, ત્યારે પણ દેશ તો રહેવાનો જ છે, અને વર્ષ ર૦૪૭ સુધી વિકસિત ભારતનું સ્વપ્ન પ્રત્યેક ભારતીયોનું છે.

આપણે ભાવિ પેઢીનો પણ વિચાર પણ કરવો પડે. આપણે નહોતા ત્યારે પણ દેશ હતો અને આપણે નહીં હોઈએ ત્યારે પણ દેશ તો રહેવાનો જ છે. તેથી વર્ષ ર૦૪૭ માં વિકસિત ભારતનું સપનું પણ જરૂર સાકાર થશે.

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રામ મંદિરમાં ધર્મધ્વજા ફરકાવવાને નવા યુગની શરૂઆત ગણાવી અને કહ્યું કે, આ ભવ્ય મંદિર ૧૪૦ કરોડ ભારતીયોની શ્રદ્ધાનું પ્રતીક છે. તેમણે કહ્યું કે રામ મંદિર ઉપર લહેરાતો ભગવો ધ્વજ ધર્મ અને ભારતના વિઝનનું પ્રતીક છે. દૃઢ નિશ્ચયનો કોઈ વિકલ્પ નથી.

મુખ્યમંત્રી યોગીએ રામચરિતમાનસના એક દોહાથી પોતાના ભાષણની શરૂઆત કરી, તેમણે કહ્યું, 'ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરમાં ધ્વજવંદન એ કોઈ યજ્ઞની પરાકાષ્ઠા નથી, પરંતુ એક નવા યુગની શરૂઆત છે. વૈશ્વિક મંચ પર ભારતને નવી ઊંચાઈઓ પર લઈ જવા બદલ હું પીએમ નરેન્દ્ર મોદીનું સ્વાગત કરૂ છું.' બધા રામ ભક્ત? વતી હું આપણા વૈચારિક પરિવારના વડા, સરસંઘસચાલકને પણ અભિનંદન આપું છું. આજે પેઢીઓની તપસ્યા સાકાર થઈ રહી છે.

મુખ્યમંત્રીએ કહ્યું, 'ભારત નવી ઊંચાઈઓ પર પહોંચી રહ્યું છે. ૮૦ કરોડ લોકો મફત રાશન મેળવી રહ્યા છે અને પ૦ કરોડ લોકો મફત આરોગ્યસંભાળ મેળવી રહ્યા છે. તે રામરાજ્યની ઘોષણા કરવાનો સંકલ્પ છે.' છેલ્લા પાંચસો વર્ષોમાં સામ્રાજ્યો બદલાયા છે, પરંતુ શ્રદ્ધા અડગ રહી છે. શ્રદ્ધા ડગમગી નથી કે અટકી નથી. લોકોમાં શ્રદ્ધા છે, જ્યારે આરએસએસ એ સત્તા સંભાળી ત્યારે એક જ સૂત્ર ઉભરી આવ્યું, 'રામલલ્લા, અમે ત્યાં આવીને મંદિર બનાવીશું.'

અયોધ્યા એક સમયે સંઘર્ષ, અરાજક્તા અને ગરીબીનો ભોગ બનતું હતું, પરંતુ આજે પીએમ મોદીના નેતૃત્વમાં અયોધ્યા ઉત્સવોની વૈશ્વિક રાજધાની બની ગયું છે. રામરાજ્યની દિવ્ય સ્થાપના ચાલી રહી છે. સીએમએ કહ્યું કે, વધુ સારી કનેક્ટિવિટી છે. ધર્મપથ, રામપથ, ભક્તિપથ, પંચકોસી, ચૌરાસી કોસી અને ચૌરાસી પરિક્રમા આસ્થાને નવું સન્માન આપી રહી છે. શ્રદ્ધા અને આધુનિક્તાને શ્રદ્ધા અને અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવી છે. તેને સોલાર સિટી તરીકે પણ ઓળખ મળી છે. આજનો દિવસ આપણા બધા માટે, દરેક ભારતીય માટે, સ્વાભિમાનનો દિવસ છે, રાષ્ટ્રીય ગૌરવનો દિવસ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh