Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના આહિર પરિવારના ચાર વ્યક્તિઓની સામૂહિક આત્મહત્યા

આજે સવારે નીકળેલી અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયાઃ આત્મહત્યાનું કારણ જાણવા પોલીસની સઘન તપાસઃ

જામનગર/ખંભાળિયા તા. ૧૧: ભાણવડ નજીકના ધારાગઢ ગામ પાસે રેલવે ફાટક નજીક પડતર પડેલી જગ્યામાં ગઈકાલે જામનગરના આહિર પરિવારના ચાર વ્યક્તિએ કોઈ ઝેરી દવા ગટગટાવી સામૂહિક આત્મહત્યા કરી લેતાં ખળભળાટ મચ્યો છે. પોલીસે મૃતદેહોનું આજે પેનલ પીએમ કરાવ્યા પછી ચારેય કમભાગીની અંતિમયાત્રા નીકળી હતી. આ વ્યક્તિઓ પોતાના ઘરેથી નીકળ્યા પછી છેક ૫૦ કિમી દૂર જઈ કેમ આત્મહત્યા કરી લીધી? તેની ઉંડાણપૂર્વકની તપાસ શરૂ થઈ છે.

આ અરેરાટીજનક કિસ્સા અંગેની વધુ વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ધારાગઢ પાસે આવેલા રેલવે ફાટક નજીક પડતર જમીન પાસેથી ગઈકાલે બપોરે એક વ્યક્તિ પસાર થતાં હતા. તેઓએ ત્યાં એક બાઈક તથા સ્કૂટર રેઢા પડેલા જોયા હતા.

તેઓએ વાહન નજીક જઈને જોતા નજીકમાં એક યુવાન બેભાન જેવી હાલતમાં દૃષ્ટિગોચર થયા હતા અને તેનાથી થોડે દૂર જ એક યુવતી, એક મહિલા અને અન્ય એક પુરૂષ પણ પડેલા જોઈ તેઓએ પોલીસને જાણ કરી હતી. જાણના પગલે ભાણવડના પીએસઆઈ એમ.આર. સવસેટા તથા સ્ટાફ દોડી ગયા હતા.

બનાવના સ્થળે પહોંચેલી પોલીસે આ ચારેય વ્યક્તિને ચકાસતા તેઓ મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા અને ચારેય વ્યક્તિએ કોઈ ઝેરી દવા પીધી હોય તેવા ચિન્હો જણાઈ આવતા પોલીસે મૃતદેહનો કબજો સંભાળી મૃતકની ઓળખ મેળવવા માટે તજવીજ આરંભી હતી. જ્યાં આ ચારેય વ્યક્તિ પડેલા હતા ત્યાં નજીકમાંથી એક થેલો મળી આવ્યો હતો. તેમાંથી મળેલી ચીજવસ્તુઓ પરથી આ ચારેય વ્યક્તિ એક જ પરિવારના અને હાલમાં જામનગરમાં કનસુમરા પાટીયા નજીક માધવ બાગ-૧માં રહેતો ડુવા પરિવાર હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસને કથિત રીતે તે સ્થળેથી એક ચિઠ્ઠી પણ મળી આવી છે.

પોલીસે મૃતકોના નામ મેળવવા માટે શરૂ કરેલી કાર્યવાહીમાં મૂળ લાલપુર તાલુકાના મોડપર ગામના વતની અને હાલમાં જામનગરના માધવ બાગ-૧માં રહેતા અશોકભાઈ જેઠાભાઈ ડુવા (ઉ.વ.૪ર) અને બાકીના વ્યક્તિઓ તેમના પત્ની લીલુબેન અશોકભાઈ (ઉ.વ.૪ર), પુત્ર જીજ્ઞેશ (ઉ.વ.૨૦) અને પુત્રી કિંજલ (ઉ.વ.૧૮) હોવાનું ખૂલ્યું હતું. પોલીસે આ પરિવારના અન્ય વ્યક્તિઓનો સંપર્ક કરવા પ્રયાસ કરતા જામનગરથી મૃતકના નાના ભાઈ વનુભાઈ જેઠાભાઈ દોડી આવ્યા હતા. તેઓએ પોતાના ભાઈ, ભાભી તથા ભત્રીજા, ભત્રીજીને ઓળખી બતાવ્યા હતા. પોલીસે મૃતદેહોને પીએમ માટે ખસેડી બીએનએસએસની કલમ ૧૯૪ હેઠળ નોંધ કરી છે.

વધુમાં જાણવા મળ્યા મુજબ મૃતક અશોકભાઈ જામનગરમાં વર્ષાેથી વસવાટ કરે છે. તેઓ બ્રાસપાર્ટના ભઠ્ઠીના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. તેઓએ ક્યા કારણથી પોતાના પરિવાર સાથે આત્મહત્યા કરી છે. તેની તપાસ કરાઈ રહી છે.

આ પરિવાર સંભવિતઃ રીતે ગઈકાલે સવારે એક બાઈક તથા સ્કૂટરમાં જામનગરથી રવાના થયો હતો. તેઓ આત્મહત્યાના કઠોર અને નક્કર નિર્ણય સાથે ધારાગઢ ગામ પાસે પહોંચ્યા હતા જ્યાં તેઓએ રેલવે ફાટક નજીક પડતર જગ્યા પાસે પહોંચી પોતાના વાહનો ત્યાં રાખી દઈ એકસાથે ઝેરી દવા ગટગટાવી લીધી હોવાનું પોલીસે અનુમાન કર્યું છે.

ઉપરોક્ત બનાવે જામનગર તેમજ દ્વારકા સહિતના રાજ્યભરમાં ચકચાર પ્રસરાવી દીધી છે. આજે સવારે પોલીસે ચારેય મૃતદેહને પેનલ પીએમ માટે જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજમાં ખસેડ્યા પછી તબીબોની ટૂકડીએ પીએમ કર્યું હતું અને ચારેય મૃતદેહનો કબજો તેમના અન્ય પરિવારજનોને સોંપ્યો હતો.

મૃતદેહોને માધવ બાગ-૧માં લાવવામાં આવ્યા પછી ત્યાં કરૂણ દૃશ્યો સર્જાયા હતા. ચારેય મૃતદેહને અંતિમવિધિ માટે બે ટ્રેક્ટરમાં સ્મશાન લઈ જવામાં આવ્યા હતા. સ્મશાન યાત્રામાં સેંકડો વ્યક્તિઓ જોડાયા હતા. દ્વારકા એસપી નિતેશ પાંડેયની સૂચનાથી ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે.

જામનગરમાં રહેતા અશોકભાઈ ડુવા તેમના પત્ની લીલુબેન સાથે બાઈકમાં તથા તેનો પુત્ર જીજ્ઞેશ તેની બહેન કિંજલ સાથે એક્ટિવામાં જામનગરથી ભાણવડ તરફ આવ્યા હતા અને ધારાગઢ ફાટક પાસે પાકમાં છાંટવાની ઝેરી દવા પી લઈ આપઘાત કર્યાે હતો. જેમના મૃતદેહો ત્યાં પડ્યા હોવાની કોઈએ પોલીસને જાણ કરતા સામૂહિક આત્મહત્યાનો આ બનાવ બહાર આવ્યો હતો. પોલીસે મૃતકના નાનાભાઈ વનુભાઈને જાણ કરતા તેઓ જામનગરથી દોડી આવ્યા હતા અને તેઓએ મૃતદેહોને ઓળખી બતાવ્યા હતા. મૃતક અશોકભાઈની પુત્રી કિંજલ કોલેજમાં અભ્યાસ કરતી હોવાનું જાણવા મળ્યું છે.

મૃતદેહો પાસેથી મળેલા થેલામાં હતો મોબાઈલઃ કોલ ડીટેઈલ પર ફોકસ

મૂળ લાલપુરના મોડપર ગામના વતની અશોકભાઈ પોતાના પરિવાર સાથે આત્મહત્યા કરવા માટે જામનગરથી છેક ૫૦ કિ.મી. દૂર ભાણવડના ધારાગઢ કેમ આવ્યા? તે પ્રશ્ન ઉઠવા પામ્યો છે. મૃતદેહો પાસેથી મળી આવેલા થેલામાં મોબાઈલ તથા સ્યુસાઈડ નોટ જેવી ચિઠ્ઠી મળી છે. પોલીસ તે ચિઠ્ઠી અને મોબાઈલની ડીટેઈલ કઢાવે તો તેના પરથી ઘણી બધી બાબતો ખૂલી શકે તેમ છે.

આર્થિક સંકળામણ કે અન્ય કોઈ કારણ?

સામૂહિક આત્મહત્યાના આ બનાવે રહસ્યના ઝાળા સર્જયા છે ત્યારે એસપી નિતેશ પાંડેયના વડપણ હેઠળ ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ તથા પીએસઆઈ સવસેટાએ ઉંડી તપાસ શરૂ કરી છે. મૃતક અશોકભાઈ આર્થિક સંકળામણમાં હતા કે કેમ? તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે. તેમ ડીવાયએસપીએ જણાવ્યું છે. થેલામાંથી સ્યુસાઈડ નોટ મળી છે કે કેમ? તેની પણ તપાસ કરાઈ રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh