Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દર્દીઓ પાસેથી માહિતી મેળવી છે, સાતને સ્ટેન્ડ મૂક્યા, તેમાંથી બે ના મૃત્યુ થયા છે. આરોગ્ય મંત્રીએ તપાસના આદેશ આપ્યા છેઃ નીતિનભાઈ પટેલ
અમદાવાદ તા. ૧૨: અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ફ્રી કેમ્પ યોજાયા પછી દર્દીઓને હોસ્પિટલે બોલાવીને તેમની જાણ બહાર બેદરકારીપૂર્વક એન્જિયોપ્લાસ્ટી ઉપરાંત ૭ દર્દીને સ્ટેન્ટ મૂકાતા, તેમાંથી બે દર્દીઓના મૃત્યુ થતાં દર્દીઓએ હોબાળો કર્યો હતો. તે દરમ્યાન રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ખ્યાતિ હોસ્પિટલે દોડી ગયા હતા. આરોગ્ય મંત્રીએ તપાસના આદેશો આપ્યા પછી ચાર સભ્યોની ટીમે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
દર્દીઓના પરિવારજનોનો આરોપ છે કે, પૂછયા વિના જ એન્જીયોપ્લાસ્ટીક કરીને દર્દીને સ્ટેન્ડ મૂકવામાં આવ્યા હતાં. જેના કારણે દર્દીના મોત નિપજ્યા છે. આ વિશે આરોગ્ય મંત્રીએ પણ કડક પગલાંની વાત કરી છે. ત્યારે હવે હોસ્પિટલમાંથી જવાબદાર તબીબો તેમજ ચેરમેન ભૂગર્ભમાં જતાં રહ્યા છે. હોસ્પિટલમાંથી કોઈપણ સત્તાધીશો દ્વારા સ્પષ્ટ જવાબ આપવામાં આવી રહ્યો નથી. આ સાથે જ દર્દીઓના પરિવારજનોએ જે આરોપ લગાવ્યો છે તેનું પણ હજું હોસ્પિટલ દ્વારા ખંડન નથી કરાયું.
સમગ્ર ઘટનાના આરોપ પછી હોસ્પિટલમાંથી જવાબદાર તબીબો ગાયબ છે. સારવાર કરનાર ડોકટર પ્રશાંત વજીરાને સસ્પેન્ડ કરી દેવાયા છે. આ ડોકટર અલગ-અલગ ખ્યાતનામ હોસ્પિટલમાં સારવાર કરવા જાય છે. તેવો પણ ખુલાસો થયો છે. જો કે, હજુ સુધી હોસ્પિટલ દ્વારા આ લખાય છે ત્યાં સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં નથી આવ્યું. હોસ્પિટલ દ્વારા જે પાંચ જેટલા દર્દીઓ હજું આઈસીયુમાં ગંભીર હાલતમાં છે. સોમવારે બે દર્દીઓના મોત બાદ પણ હોસ્પિટલ દ્વારા કોઈ જવાબ ન મળતાં આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ખ્યાતિ હોસ્પિટલે પહોંચ્યા હતાં. નીતિન પટેલ દ્વારા સમગ્ર બાબતે માહિતી મેળવવામાં આવી હતી તે પછી નીતિનભાઈએ કહ્યું હતું કે દર્દીઓ પાસેથી માહિતી મેળવી છે, સાત દર્દીઓને સ્ટેન્ટ મૂકયા, તેમાંથી બે દર્દીઓનું મૃત્યુ થયું છે. આ અંગે સરકારે તપાસના આદેશ આપ્યા છે.
આ બનાવની વિગત એવી છે કે મહેસાણાના કડીમાં ફ્રી કેમ્પ હોસ્પિટલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાંથી ૧૯ દર્દીઓને ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર માટે બોલાવવામાં આવ્યા હતાં. જ્યાં તમામ દર્દીની જાણ વિના એન્જોપ્લાસ્ટી કરવામાં આવી અને ૭ દર્દીઓને સ્ટેન્ટ મૂકવામાં આવ્યા હતાં. સ્ટેન્ટ મૂક્યા બાદ ૭૦ વર્ષના સેનમ નાગરભાઈ મોતીભાઈ અને ૫૦ વર્ષના બારોટ મહેશભાઈ ગીરધરભાઈ નામના દર્દીનું મોત નિપજ્યું છે. અન્ય પાંચ દર્દીઓ ગંભીર હાલતમાં છે.
પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે, હોસ્પિટલે મા કાર્ડનો દૂરપયોગ કરી પૈસા પડાવવા માટે અમારી જાણ બહાર દર્દીને સ્ટેન્ટ મૂકી દીધું હતું. જેના કારણે દર્દીનું મોત થયું છે. દર્દીના મોતથી પરિવારજનોએ હોસ્પિટલમાં તોડફોડ કરી વિરોધ કર્યો હતો.
આ વિશે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ એકસ પર પોસ્ટ કરી તપાસના આદેશ આપ્યા છે. ઋષિકેશ પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લખ્યું, અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બનેલી ઘટના ખૂબ જ ગંભીર અને સંવેદનશીલ છે. પીએએમજેએવાય-મા યોજના હેઠળના રાજ્ય એન્ટિ-ફ્રોડ યુનિટને સમગ્ર ઘટનાની તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના વડા ડો. ભાવિન સોલંકી ખ્યાતી હોસ્પિટલ પહોંચી ગયા હતાં, જો કે હોસ્પિટલમાં ૧૧ નવેમ્બરની સાંજથી જ જવાબદાર ડોક્ટર હાજર નથી. હોસ્પિટલના ડિરેક્ટર અને ચેરમેન સહિતના લોકો પણ ગેરહાજર છે. માત્ર એક જ ડોક્ટર અઈસીયુમાં હાજર છે, જેથી આ મુદ્દે વધુ પૂછપરછ થઈ શકી નથી.
નોંધનીય છે કે, ખ્યાતિ હોસ્પિટલમાં આવું કૌભાંડ પહેલીવાર બહાર નથી આવ્યું. વર્ષ ર૦રર માં પણ આ પ્રકારનું કૌભાંડ થયું હોવાનો કહેવાય છે. બે વર્ષ પહેલા સાણંદના તેલાવ ગામમાં ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કેમ્પનું આયોજન કરાયું હતું, ત્યારે પણ આ પ્રકારે દર્દીઓને હોસ્પિટલ બોલાવી સ્ટેન્ટ મૂકવામાં આવ્યા હતાં અને ત્રણ દર્દીના સારવાર દરમિયાન મોત થયા હતાં. જેમાં દર્દીના પરિવારજનોએ આવો જ આરોપ મૂકી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો.
નોંધનિય છે કે આવી ફરી એક ઘટના પછી આરોગ્ય તંત્રે દર્દીઓને ન્યાય અપાવવાનું આશ્વાસન આપ્યું છે, જો કે સત્ય હકીકત શું છે અને દર્દીના મોતનું કારણ તો તપાસ પછી જ સામે આવશે.
એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ સમગ્ર ઘટનાને લઈ આરોગ્ય વિભાગના કમિશનર હર્ષદ પટેલ દ્વારા ત્વરિત કડક પગલાં લેવામાં આવ્યા જેમાં ખ્યાતિ હોસ્પિટલના લાયસન્સને રદ્ કરવા આદેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત પીએમજેએવાયમાંથી પણ હોસ્પિટલના નામની બાદબાકી કરવામાં આવશે. સમગ્ર ઘટનામાં ર લોકોના મૃત્યુ પછી હોસ્પિટલમાં આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી હતી.
કોંગ્રેસનો સણસણતો આક્ષેપ
સરકારી યોજનાઓના નામે કૌભાંડઃ નાણાં મેળવવા લોકોના જીવન સાથ ચેડા
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બનેલી ઘટનાને લઈને કોંગ્રેસે આકાર પ્રહારો કર્યા છે, અને સરકારી યોજનાઓના નામે કૌભાંડો કરીને લોકોના આરોગ્ય અને જીવન સાથે ચેડા કરવાનો આક્ષેપ લગાવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial