Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા-ઓખા અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીની રચના માત્ર કાગળ પરઃ બાંધકામો અટકતા જવાબદાર કોણ?

માર્ચ મહિનામાં એરિયા ડેવલોપમેન્ટ ઓથોરિટી તરીકે પાલિકાઓની સત્તા છીનવાયા પછી

દ્વારકા તા. પઃ દ્વારકા ક્ષેત્રના વિકાસ માટે રચાયેલી દ્વારકા-ઓખા અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીની રચના કાગળ પર રહી જતા નવા નિર્માણો અટવાયા છે, જેની સામે પ્રચંડ જનાક્રોશ જોવા મળી રહ્યો છે.

ગત્ ફેબ્રુઆરી માસમાં સુદર્શન સેતુના લોકાર્પણ હેતુ વડાપ્રધાન મોદીની દ્વારકા-બેટદ્વારકાની મુલાકાતના આશરે દસેક દિવસ પછી માર્ચ માસમાં ગુજરાત સરકાર દ્વારા દ્વારકા તથા ઓખા નગરપાલિકાને વિસ્તાર વિકાસ સત્તામંડળ તરીકેનો દરજ્જો છીનવી લઈ દ્વારકા-ઓખા શહેરી વિકાસ સત્તામંડળની રચના કર્યાના આશરે ત્રણ માસના સમયગાળા પછી પણ ડીઓયુડીએ માત્ર કાગળ પર જ રહી જતા ઓખા તથા દ્વારકા નગરપાલિકા સહિતના વિસ્તારોમાં બાંધકામ પરવાનગી અટકી જતા અનેક નવા નિર્માણો અટકી ગયા છે.

આશરે ચાર મહિનાથી દ્વારકા તેમજ ઓખા નગરપાલિકા પાસેથી દરજ્જો છિનવાઈ જતા નવા ઘર, દુકાનો તથા અન્ય કોમર્શિયલ બાંધકામોની પરવાનગી માંગતી અરજીઓ અંગે નગરપાલિકાના અધિકારીઓએ આ માટે મંજુરી આપવાની સત્તા તેઓને ન હોવાનું જણાવી ના પાડી દીધી છે અને આવી મંજુરી આપવા માટેની જવાબદાર સત્તા તરીકે દ્વારકા-ઓખા અર્બલ ડેવલોપમેન્ટ ઓથોરિટીની કામગીરી શરૂ કરવાની હજુ બાકી હોવાનું સૂત્રો જણાવે છે.

ગત્ માર્ચ માસમાં જ રાજ્ય સરકારે દ્વારકા તેમજ ઓખા નગરપાલિકાઓનો એરિયા ડેવલોપમેન્ટ ઓથોરિટીઝ તરીકેનો દરજ્જો છીનવી લીધેલ અને પ્રવાસન સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરને આગળ વધારવા ડીએયુડીએની નિમણૂક કરવાની જાહેરાત કરી હતી, પરંતુ ડીઓયુડીએની કામગીરી કાગળ પર જ રહી ગયેલ હોય, કોમર્શિયલ તથા રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સ માટેની અરજીઓ પર ધ્યાન આપવામાં આવતું ન હોય, જેના કારણે બન્ને નગરપાલિકાઓ હસ્તકના દ્વારકા-બેટદ્વારકા સહિતના શહેરી વિસ્તારોમાં પ્રવાસીઓનો ધસારો સતત વધતો જતો હોવા છતાં પણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરલ વિકાસ જાણે અટકી ગયો છે.

બીજી તરફ લોન આધારિત બાંધકામ માટે જરૂરી એવા નગરપાલિકાની બાંધકામની મંજુરી અટકી જતા અને બન્ને નગરપાલિકા હસ્તકના વિસ્તારોમાં નવા બાંધકામોની મંજુરી મળવી શક્ય ન બનતા અનેક બાંધકામ ઈચ્છુક લોકોને આશરે ત્રણ માસથી નગરપાલિકા તથા બેંકના ધરમધક્કા થઈ રહ્યા છે.

લોકસભાની ચૂંટણીને કારણે વિલંબ ?

રાજ્ય સરકારના અધિકારીના કહેવાનુસાર ર૦ર૪ ની લોકસભાની ચૂંટણીના મોડલ કોડ ઓફ કન્ડક્ટને કારણે વિલંબ થયો છે. રાજ્ય સરકાર દ્વારા ડીઓયુડીએ બનાવવાની જાહેરાતના આશરે ૧૦ દિવસ પછી મોડેલ કોડ ઓફ કન્ડક્ટ અમલમાં આવ્યો, જે જૂનની શરૂઆત સુધી અમલમાં રહ્યો હોય જના કારણે ડીઓયુડીએની કામગીરી આશરે ત્રણ મહિના સુધી અટકી ગઈ હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

લોકો પાસે કોઈ વિકલ્પ જ નથી ?

એક તરફ બન્ને નગરપાલિકાઓએ સત્તાના અભાવે લોકોના વિકાસલક્ષી કામોની મંજુરી બંધ કરી દેવામાં આવી છે, તો બીજી તરફ સરકારની ઓનલાઈન ડેવલોપમેન્ટ પરમીશન સિસ્ટમ (ઓડીપીએસ) પર પણ આવી અરજીઓ ઓનલાઈન સ્વીકારવામાં આવતી ન હોય, બન્ને નગરપાલિકા વિસ્તારમાં લોકો મંજુરી માટે અહીંથી ત્યાં ભટકી રહ્યા હોવાનું અને લોકો પાસે કોઈ વિકલ્પ જ ન હોવાનું સ્થાનિય અગ્રણીએ જણાવ્યું છે, તો અન્ય એક અગ્રણી કહે છે કે લોકોને વિકાસ પરવાનગી માટે ક્યાંય જવાનું ન હોય, જેના કારણે ઘણાં બધા અનધિકૃત બાંધકામો પણ થઈ રહ્યા છે.

નગરપાલિકા સત્તાધીશો તથા નેતા-આગેવાનો પણ લાચાર

દ્વારકા નગરપાલિકાના ઉચ્ચ અધિકારીએ તેઓ લાચાર હોવાનું જણાવી કહેલ કે જ્યારે નગરપાલિકાની એડીએ તરીકેની સત્તાઓ પાછી ખેંચાઈ ત્યારે આશરે ૧પ અરજીઓ પેન્ડીંગ હતી. ોલકો કોમર્શિયલ બિલ્ડીંગ બનાવવા અમારો સંપર્ક કરી રહ્યા છે, પરંતુ અમારી પાસે તેમની અરજીઓ સ્વીકારવાની અને પ્રોસેસ કરવાની સત્તા જ ન હોય અમારે આવી અરજીઓ નકારવી પડશે. આ ઉપરાંત ૧રપ ચો.મી. સુધીની જમીનના પ્લોટ પર ખાનગી ઘર બાંધવા સરકાર દ્વારા મંજુર કરાયેલ વિકાસ યોજના મેળવવાની કોઈ આવસ્યક્તા નથી અને પ્લોટ માલિકે બાંધકામ શરૂઆત અંગે માત્ર એડીએને જાણ કરવાની રહે છે, પરંતુ અમારી પાસેથી એડીએ તરીકેની સત્તાઓ પરત ખેંચી લેવાઈ હોય, આવી સૂચનાઓ સ્વીકારવાની પણ સત્તા નથી.

આ અરસામાં દ્વારકા નગરપાલિકામાં ભાજપ શાસિત બોડીની મુદ્ત પણ ગત્ ફેબ્રુઆરી માસમાં સમાપ્ત થઈ ગઈ હોય, ત્યારથી ચૂંટાયેલી સંસ્થા નથી અને ટેકનિકલ કારણોથી ચૂંટણીઓ હાલમાં અટકેલી સ્થિતિમાં હોય, લોકોની અરજીઓ પર ધ્યાન આપવા કોઈ જ ન હોય, લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણાં લોકો આ સંબંધી ફરિયાદો લઈ અમારી પાસે આવી રહ્યા હોવાનું ભાજપના એક નેતાએ જણાવ્યું છે.

સૂચિત દ્વારકા-ઓખા અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી વિષે...

દ્વારકાના જગવિખ્યાત દ્વારકાધીશ જગતમંદિરથી ૩૦ કિ.મી. દૂર ઓખા બંદર આવેલું છે જે રાજ્યના પ્રમુખ બંદરો પૈકીનું એક ગણાય છે. ઓખાથી પ કિ.મી. દૂર આવેલા બેટદ્વારકામાં પણ દ્વારકાધીશના શયનસ્થાન ગણાતું બેટદ્વારકાધીશ મંદિર આવેલું છે, તો દ્વારકાથી ૧૬ કિ.મી. દૂર દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીનું એક એવું નાગેશ્વર મહાદેવનું જ્યોતિર્લિંગ આવેલું છે. આ તમામ ધાર્મિક તીર્થસ્થળો પણ દ્વારકા તથા ઓખા નગરપાલિકા સહિતના ભાગોને સાંકળતા ડીઓયુડીએનો જ એક ભાગ છે. ગત્ ૬ માર્ચના રાજ્ય સરકાર દ્વારા એક નવી વિશેષ સંસ્થા ડીઓયુડીએની જાહેરાત કરતી સૂચના બહાર પાડી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર આ ડીઓયુડીએના હોદ્દેદાર અધ્યક્ષ છે, જ્યારે અન્ય પદાધિકારીઓ તરીકે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવ, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયતના પ્રમુખ, નગરપાલિકાના રાજકોટ પ્રાદેશિક કમિશનર, રાજ્યના મુખ્ય નગર નિયોજક અથવા તેમના પ્રતિનિધિ અને દ્વારકા નગરપાલિકાના મ્યુનિસિપલ ઈજનેર રહેનાર હોવાની જાહેરાત કરાઈ હતી. આ ઉપરાંત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરને નવી સંસ્થાના એક્સ-ઓફિશિયો મેમ્બર સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતાં. ગેઝેટમાં કહેવામાં આવ્યાનુસાર સરકાર સ્થાનિક સત્તાના ચાર સભ્યોને ડીઓયુડીએના સભ્યો તરીકે નિયુક્ત કરશે. ડીઓયુડીએની જાહેરાત વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવેલ કે પ્રવાસન અને માળખાકીય સુવિધાઓના વિકાસને સરળ બનાવવા ૧૦,૭ર૧ હેક્ટર (૧૦૭.ર૧ ચો.કિમી.) વિસ્તારને આવરી લેતા ડીઓયુડીએની રચના કરાશે, જેમાં દ્વારકા તથા ઓખા નગરપાલિકા વિસ્તાર ઉપરાંત સરકાર દ્વારકા શહેરની સીમમાં આવેલ વરવાળા અને શિવરાજપુર કે જ્યાં બ્લ્યુ ફ્લેગ માન્યતા ધરાવતો બેનમૂન બીચ આવેલ છે તેને પણ ડીઓયુડીએના અધિકાર ક્ષેત્રમાં આવરી લેવામાં આવનાર છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh