Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતના બજેટમાં જામનગર જિલ્લાને એક ફદીયુંય ફાળવવામાં આવ્યું નથીઃ ધારાસભ્ય હેમંતભાઈ ખવા

ખેડૂતો, યુવાવર્ગ, ગ્રામીણ પ્રજાને અન્યાય કર્યો હોવાનો ધારાસભ્યનો પ્રતિભાવઃ

જામનગર તા. ૫ઃ ગુજરાત સરકાર દ્વારા રજૂ કરાયેલા અંદાજપત્ર અંગે જામજોધપુર-લાલપુર મતવિસ્તારના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ પ્રતિભાવમાં જણાવ્યું છે કે, આ બજેટમાં જામનગર જિલ્લાને એક ફદીયું ય ફાળવવામાં આવ્યું નથી. બજેટમાં ખેડૂતો, યુવાવર્ગ તથા ગ્રામીણ પ્રજાને અન્યાય કરવામાં આવ્યો છે અને બજેટ અત્યંત નિરાશાજનક છે.

સરકાર દ્વારા ૩,૩ર,૪૬પ કરોડનું જંગી કદ ધરાવતું ગુજરાતના ઈતિહાસનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કરાયું છે. આંકડાની માયાઝાળ દર્શાવી સત્તાધીઓએ વાહવાહી પણ લૂંટી લીધી છે. બજેટમાં ગુજરાતને 'પ-જી' બનાવવાની ડાહી ડાહી વાતો કહેવામાં આવી છે, જો કે આટલા જંગી કદના બજેટમાં જામનગરના નામ માત્રનો ક્યાંય ઉલ્લેખ થયો નથી. ઉપરાંત રાજકોટ સહિત સૌરાષ્ટ્ર માટે પણ કોઈ ખાસ મોટા આયોજનબદ્ધ જાહેરાત કરાઈ નથી. જેથી સૌરાષ્ટ્રની નેતાગીરી વધુ એક વખત વામળી પૂરવાર થઈ છે. જામનગરની જનતાએ ખૂબ વિશ્વાસ અને વિકાસકામોની આશા, અપેક્ષા અને જનસમર્થન સાથે ભાજપના ચાર ચાર ધારાસભ્ય આપ્યા છે. ગુજરાત સરકારમાં પણ હાલારનું પ્રતિનિધિત્વ હોવા છતાં જામનગરના નામે બજેટમાં એક ફદીયુ'ય ફાળવવામાં આવ્યું નથી જેથી જામજોધપુર-લાલપુર વિધાનસભાના બેઠકના ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ આ બજેટને નિરાસાજનક ગણાવ્યું છે. વધુમાં ખેડૂતો, યુવાઓ અને ગ્રામીણ લોકોને પણ દેખીતો અન્યાય કર્યો છે.

ખાસ વાત એ છે કે, આ બજેટમાં ખેડૂત અને ગ્રામીણ લોકોને અપેક્ષા મુજબ સહેજ પણ પ્રાધાન્ય અપાયું નથી. શહેરી વિસ્તારને વિકાસનો પંથ આપવા માટે સરકાર દ્વારા રૃપિયા ર૧,૬૯૬ કરોડની જોગવાઈ કરાઈ છે. જે બેશક આવકારદાયક બાબત છે. જેની સરખામણીએ ગામડા સાથે હળાહળ અન્યાય થયો છે,જેને લઈને સરકારની ગામડા વિરોધી નીતિ વધુ એક વખત લોકો સામે ઉઘાડી પડી છે, કારણ કે ૬પ ટકાથી પણ વધુ વસતિ ધરાવતા ગ્રામ્ય વિસ્તાર માટે માત્ર રૃપિયા ૧ર,૧૩૮ કરોડની જ મામુલી જોગવાઈ કરાઈ છે, જે ગામડાના લોકોની ભરપૂર ઉપેક્ષાનો ખોલતો પુરાવો છે. ગાંધીજી એવું કહેતા હતાં કે સાચું ભારત ગામડામાં વસે છે, જેથી ગામડાનો વિકાસ જરૃરી છે, પરંતુ આ સરકારમાં ગામડાના વિકાસ માટેની વીટંબણા દૂર થતી નથી.

બીજી તરફ જે પાયા પર આ દેશ ઊભો છે તે ખેતી અને ગુજરાતનો ખેડૂતો સમૃદ્ધ થાય તે દિશામાં પણ સરકારની કોઈ નક્કર જોગવાઈ બજેટમાં દેખાઈ નથી. ખેડૂતો માટે કોઈ ખાસ જોગવાઈ ન કરીને સરકારે પોતે ખેડૂત વિરોધી હોવાનું પૂરવાર કરી બતાવ્યું છે. ખાતર, બિયારણ મંજુરી ખર્ચમાં તોતિંગ વધારા વચ્ચે પણ ખેડૂતોને ભાવઘટાડાની કોઈ રાહત અપાઈ નથી. ખેડૂતોને અપાતા ધિરાણ અને વ્યાજદરની રાહતની મર્યાદાઓમાં પણ કોઈ વધારો કરાયો નથી. ૩ લાખના ધિરાણ સુધી જ વ્યાજદરમાં રાહત યથાવત્ રહેતા પ લાખ સુધીની મર્યાદા મામલે ખેડૂતોના ઓરતા અધુરા જ રહ્યા છે. ખેડૂતોએ હજારો વખત રજૂઆતો, ધરણાં આંદોલનો કર્યા છતાં સરકાર સુધી ખેડૂતોનો અવાજ પહોંચાડવા નેતાઓ નિષ્ફળ નિવડ્યા છે.

વિકાસના પંથે આગળ વધતા સૌરાષ્ટ્રમાં ફોરલેન, સિક્સલેન માર્ગોની તાતિ જરૃરિયાત છે, છતાં આ દિશામાં એક પણ મોટી જાહેરાત થઈ નથી. સૌની યોજના હેઠળ પાણીની પાઈપલાઈન માટે નવા કામોનો પણ ખાસ કોઈ ઉલ્લેખ નથી. વર્ષોથી સૂકા પ્રદેશ તરીકે જાણીતા સૌરાષ્ટ્રમાં ક્યાુય મોટા ડેમ બનાવવાનો પણ બજેટમાં ક્યાંય ઉલ્લેખ નથી. સૌરાષ્ટ્રમાં વિશાળ જળાશય બનાવવામાં આવે તો દરિયામાં વહી જતા પાણીનો સંગ્રહ થાય અને જેથી પીવાના પાણી અને ખેડૂતોને સિંચાઈની સમસ્યા હલ થઈ શકે અને ખેડૂતોની સમૃદ્ધિના દ્વાર ખૂલી શકે.

વધુમાં નાના નાના કામોને મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી મોટા બતાવી નેતાઓ વાણી વિલાસ કરવાનું સહેજ પણ મોકો ચૂકતા નથી, પરંતુ બજેટમાં જામનગરની અન્યાય મામલે કોઈ બોલવા તૈયાર નથી. વધુમાં સ્થાનિક નેતાઓ ઈચ્છતા હોત તો બ્રાસ ઉદ્યોગ માટે રાહત, પીરોટન ટાપુ, રોજી પોર્ટ, અને ઐતિહાસિક સ્થળો તથા મંદિરોને પણ પ્રવાસન સ્થળ તરીકે વિક્સાવી સ્થાનિક લોકોને રોજગારી આપી શકાય તે દિશામાં સાનુકૂળ નિર્ણય લેવાયો હોત, છતાં પણ બજેટમાં કોઈ ઉલ્લેખ નહિં. જેથી સરકાર માટે જામનગર જિલ્લો માત્ર વોટ પૂરતો જ મર્યાદિત રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. તેમ ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ અંતમાં જણાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh