Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામજોધપુરના સમાણા પાસે બાઈકને ડમ્પરે ટક્કર મારતા બે વ્યક્તિને થઈ ઈજાઃ
જામનગર તા. ૩ઃ કલ્યાણપુરના દેવરીયા ગામની ગોળાઈમાં ગઈકાલે સાંજે ઈલેકટ્રીક સ્કૂટર સાથે બાઈક ટકરાઈ પડતાં સ્કૂટરચાલક તરૃણીનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ થયું છે. શનિવારે હરીયાવડ ગામ પાસે રોડ પર આવી ગયેલા શ્વાનને બચાવવા જવામાં બાઈક સ્લીપ થયું હતું. આ અકસ્માતમાં દંપતી ખંડિત થયું છે. ઘવાયેલા મહિલાનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે જામજોધપુરના સમાણા પાસે ટ્રકે આગળ જતાં બાઈકને હડફેટે લેતાં બે વ્યક્તિને ગંભીર ઈજા થઈ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ચાચલાણા ગામમાં રહેતા મનસુખગર પ્રેમગર મેઘનાથી નામના પ્રૌઢની સત્તર વર્ષની પુત્રી રક્ષાબેન ગઈકાલે સાંજે પાંચેક વાગ્યે ઈલેકટ્રીક સ્કૂટરમાં દેવરીયા ગામથી ચાચલાણા પરત આવતી હતી ત્યારે ગોળાઈમાં જીજે-૧૦-એન ૯૦૬૬ નંબરનું પુરપાટ ઝડપે ધસી આવેલું બાઈક તેણી સાથે ટકરાઈ પડ્યું હતું.
આ અકસ્માતમાં કપાળ, કાન તથા કમરના ભાગે રક્ષાબેનને ઈજા થઈ હતી. આ તરૃણીને સારવારમાં ખસેડવામાં આવ્યા તે દરમિયાન તેણી પર કાળનો પંજો પડ્યો છે. અકસ્માત સર્જી નાસી ગયેલા બાઈકચાલક સામે મનસુખગરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ખંભાળિયા તાલુકાના આંબલા ગામમાં ઝરીનાબેન હાજીભાઈ ચાવડા (ઉ.વ.૪૦) અને તેમના પતિ હાજીભાઈ ઈસ્માઈલ ચાવડા ગયા શનિવારે જીજે-૩૭-એફ ૫૦૭ નંબરના મોટરસાયકલમાં દ્વારકા જવા નીકળ્યા હતા.
આ દંપતી જ્યારે કલ્યાણપુર તાલુકાના હરીયાવડ ગામ પાસે પહોંચ્યું ત્યારે અચાનક જ પાટીયા નજીકથી દોડીને એક શ્વાન રોડ પર આવી જતાં તેને બચાવવા જવાનો હાજીભાઈએ પ્રયત્ન કરી જોરદાર બ્રેક મારી હતી. જેના કારણે બાઈક સ્લીપ થઈ ગયું હતું. ઝરીનાબેન તથા હાજીભાઈ રોડ પર ફેંકાઈ ગયા હતા. ઝરીનાબેનને માથામાં ગંભીર ઈજા થઈ હતી અને હાજીભાઈને હાથમાં ફ્રેક્ચર થઈ ગયું હતું. સારવાર માટે ખસેડવામાં આવેલા બંને વ્યક્તિમાંથી ઝરીનાબેનનું મૃત્યુ નિપજ્યું છે. રાજપરા ગામના કાદરભાઈ ચાવડાએ કલ્યાણ પુર પોલીસને જાણ કરી છે.
જામજોધપુર તાલુકાના બાવરીદળ ગામના ગોગનભાઈ ગોપાલભાઈ ખાંભલા નામના રબારી યુવાન રવિવારે સવારે જીજે-૧૦-બીએન ૨૭૬૭ નંબરના બાઈકમાં સમાણા ચેક પોસ્ટ પાસેથી માનસીબેન સાથે પસાર થતા હતા. આ વેળાએ જીજે-૧૦-ઝેડ ૮૬૪૯ નંબરનું ડમ્પર પુરપાટ ઝડપે દોડી આવ્યું હતું. તેના ચાલકે પાછળથી બાઈકને ઠોકર મારતા માનસીબેન તથા ગોગનભાઈ ફંગોળાઈ ગયા હતા. ગોગનભાઈને ગોઠણમાં ઈજા થઈ છે અને માનસીબેનને માથામાં ફ્રેક્ચર અને હેમરેજ થઈ ગયા છે. શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં ગોગનભાઈ એ ડમ્પરના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial