Advertisement
Author: નોબત સમાચાર

આકાશી વીજળીથી બચવા અંગે માર્ગદર્શિકા

જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા

જામનગર તા. ૧૬: આગામી સમયમાં વર્ષાઋતુમાં સમગ્ર જામનગર જિલ્લામાં વીજળી પડવાને કારણે પશુ મૃત્યુના બનાવ બને કે અન્ય નુકસાન થાય તેવી શક્યતા રહેલી છે. તેથી આકાશી વીજળીથી સુરક્ષિત રહેવા માટે પગલાં લેવા જરૃરી જણાય છે. જામનગરની જાહેર જનતાને આકાશી વીજળીથી બચવા માટે અત્રે જણાવ્યા અનુસાર માર્ગદર્શિકાનું પાલન કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. 

આકાશી વીજળી થતી હોય ત્યારે ઘરની અંદર હોવાના કિસ્સામાં શું કરવું જોઈએ ??

(૧) વીજળીથી ચાલતા ઉપકરણોથી દૂર રહેવું જોઈએ. (૨) બારી-બારણાં અને છતથી દૂર રહેવું જોઈએ. (૩) વીજળીના વાહક બને તેવી કોઈપણ ચીજવસ્તુથી દૂર રહેવું જોઈએ. (૪) ધાતુથી બનેલા પાઈપ, ફુવારા વગેરેના સંપર્કથી દૂર રહેવું જોઈએ.

આકાશી વીજળી સમયે જો ઘરની

બહાર હોય તો શું કરવું જોઈએ ??

(૧) ઊંચા વૃક્ષો વીજળીને આકર્ષિત કરે છે. તેથી આવા ઊંચા વૃક્ષોની નીચે આશરો લેવાનું ટાળવું જોઈએ. તેમજ પશુઓને ઊંચા વૃક્ષો નીચે બાંધવા ના જોઈએ. (૨) આસપાસ ઊંચા માળખા ધરાવતા વિસ્તારોમાં આશરો લેવાનું ટાળવું જોઈએ. (૩) ટોળામાં રહેવાના બદલે છુટાછવાયા રહેવું જોઈએ. (૪) મકાનો આશ્રય માટે ઉત્તમ ગણાય છે. તેથી મજબૂત છતવાળા મકાનમાં આશ્રય મેળવવો જોઈએ. (૫) મુસાફરી દરમિયાન જે-તે વાહનમાં જ રહેવું જોઈએ. મજબૂત છત ધરાવતા વાહનમાં આશ્રય મેળવવો જોઈએ.  (૬) પાણી વીજળીને આકર્ષિત કરે છે. તેથી પુલ, તળાવ કે જળાશયોથી દૂર રહેવું જોઈએ. જો પાણીની અંદર હોય તો બહાર નીકળી જવું જોઈએ. (૭) ધાતુની વસ્તુઓનો બહાર ઉપયોગ ના કરવો જોઈએ. ધાતુની વસ્તુઓ જેવી કે બાઈક, ઇલેક્ટ્રિક કે ટેલિફોનના થાંભલા, તારની વાડ, મશીનરી વગેરેથી દૂર રહેવું જોઈએ.

આકાશી વીજળી પડવાની શક્યતા

જો તમારા માથાના વાળ ઊભા થઈ જાય, ચામડીમાં ઝણઝણાટ થાય ત્યારે તાત્કાલિક નીચા નમી જઈને કાન ઢાંકી દેવા જોઈએ. કારણકે તમારી આસપાસ વીજળી ત્રાટકવા ઉપર છે તેમ સમજવું જોઈએ. આ સમય દરમિયાન જમીન પર સૂવું નહીં કે જમીન પર હાથ ટેકવવા જોઈએ નહીં.

વીજળી કે ઈલેક્ટ્રીક શોક

લાગ્યા પછી શું કરવું જોઈએ ??

(૧) લાકડા જેવી અવાહક વસ્તુ વડે શોક લાગનાર વ્યક્તિને વીજપ્રવાહથી દૂર ખસેડી દેવા જોઈએ. (૨) મેઈન સ્વીચ બંધ કરીને વીજપ્રવાહ બંધ કરી દેવો જોઈએ. (૩) કરંટ લાગનાર વ્યક્તિ દાઝી ગયેલી હોય તો તેના પર ઠંડુ પાણી રેડવું જોઈએ. (૪) કરંટ લાગનાર વ્યક્તિના શ્વાસોશ્વાસ તપાસીને તુરંત જ ડોક્ટરને જાણ કરવી જોઈએ. (૫) દાઝેલા ભાગ પર ચોંટી ગયેલા કપડાને ઉખેડવા ના જોઈએ.  (૬) આકાશીય વીજળીનો ઝટકો લાગે ત્યારે વીજળીનો આંચકો લાગેલ વ્યક્તિને જરૃર જણાય તો તેમને સી.પી.આર. એટલે કે કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવો જોઈએ. ત્યારબાદ તેમને તુરંત જ પ્રાથમિક તબીબી સારવાર આપવી જોઈએ.

આકાશી વીજળી થતી હોય ત્યારે

શું સાવચેતી રાખવી જોઈએ ??

(૧) વીજળીની સલામતી માર્ગદર્શિકા એ ૩૦-૩૦ નો નિયમ છે. વીજળી જોયા પછી ૩૦ ની ગણતરી શરુ કરવી. જો તમે ૩૦ પર પહોંચતા પહેલા ગાજવીજ સાંભળશો, તો ઘરની અંદર જવું. ગર્જનાના છેલ્લા પડઘા પછી ઓછામાં ઓછી ૩૦ મિનિટ સુધી પ્રવૃત્તિઓ સ્થગિત કરો. (૨) ઈલેક્ટ્રિક વીજ ઉપકરણોને નુકસાન ના થાય તે માટે હંમેશાં કાર્યરત સ્થિતિમાં અર્થિંગ ચાલુ રાખો. (૩) વણઉપયોગમાં હોય તેવા પ્લગ પ્લાસ્ટિક કવરથી ઢાંકી દેવા જોઈએ. (૪) ઈલેકટ્રીકના ઉપકરણો પાણીની લાઈન અને ભેજથી દૂર રાખવા જોઈએ.

(૫) વીજળીના અવાહકો વડે ઘરને આકાશી વીજળીથી સુરક્ષિત બનાવવું. (૬) આકાશી વીજળી થાય ત્યારે જિલ્લા વહીવટી તંત્રની સૂચના અનુસાર સુરક્ષિત સ્થળ પર જતા રહેવું જોઈએ. (૭) શોટ સર્કીટથી સ્વીચ આપોઆપ બંધ થઈ જાય તેવી સ્વીચ વાપરવી જોઈએ. (૮) ઘરના દરેક વ્યક્તિ મેઈન સ્વીચ વિષે માહિતગાર હોવા જોઈએ. (૯) ઈલેક્ટ્રિક કામના જાણકાર વ્યક્તિ પાસે જ ઇલેક્ટ્રિકનું કામકાજ કરાવવું જોઈએ. (૧૦) ઈલેક્ટ્રીક કામ કરતી વખતે વીજળીની અવાહક વસ્તુઓ પાસે જ ઊભા રહેવું જોઈએ. (૧૧) ભયાનક આકાશી વીજળી થતી હોય ત્યારે સુરક્ષિત મકાનમાં અંદર જતા રહેવું જોઈએ. (૧૨) ભયાનક આકાશી વીજળીના સંજોગોમાં ઝાડ નીચે ઊભા ના રહેવું જોઈએ. (૧૩) તમામ ઈલેક્ટ્રિક ઉપકરણોના પ્લગ કાઢી લેવા જોઈએ. (૧૪) ફિશિંગ રોડ કે છત્રી હાથમાં પકડી રાખવી નહીં.  (૧૫) ઈલેક્ટ્રીક થાંભલા કે ટેલિફોનના થાંભલાને અડકવું જોઈએ નહીં.

હાલની ઋતુમાં તમામ નાગરિકો અત્રે જણાવ્યા અનુસાર આ જાગૃતિના પગલાં લે અને પોતાનું જીવન સુરક્ષિત બનાવે તેમ જિલ્લા વહીવટી તંત્ર તરફથી ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે. આ અંગે વધુ માહિતી મેળવવા માટે ડીસ્ટ્રીકટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, જામનગરના ફોન નંબર ૦૨૮૮- ૨૫૫૩૪૦૪ કે ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર- ૧૦૭૭ પર સંપર્ક સાધી શકાશે. તેમજ જિલ્લા કક્ષાએ જામનગર મહાનગરપાલિકાના કંટ્રોલરૃમના ફોન નંબર ૦૨૮૮- ૨૭૭૦૫૧૫ પર સંપર્ક સાધી શકાશે.

તેમજ વિવિધ તાલુકા કક્ષાએ સંબંધિત મામલતદાર કચેરીના ફ્લડ કંટ્રોલરૃમ પર કાલાવડમાં ૦૨૮૯૪- ૨૨૨૦૦૨, જામજોધપુરમાં ૦૨૮૯૮- ૨૨૧૧૩૬, જોડીયામાં ૦૨૮૯૩- ૨૨૨૦૨૧, ધ્રોલમાં ૦૨૮૯૭- ૨૨૨૦૦૧ અને લાલપુરમાં ૦૨૮૯૫- ૨૭૨૨૨૨ પર સંપર્ક સાધી શકાશે. તેમ નિવાસી અધિક કલેકટર બી.એન. ખેર, જામનગરની યાદીમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh