Advertisement
Author: નોબત સમાચાર

કલ્યાણપુર તાલુકાના પાનેલી ગામના વિનોદ કરમુરે મલેશિયામાં વૈશ્વિક સ્પર્ધા-ર૪માં મેળવ્યો ગોલ્ડમેડલ

દ્વારકા જિલ્લાના નાનકડા ગામના એથ્લેટની વિરાટ સિદ્ધિઃ વિપક્ષની ધરતી પર ર૦૦ સ્પર્ધકોને પાછળ છોડ્યા

જામનગર તા. રપઃ સામાન્ય માણસનું જીવન સીધા રસ્તા જેવું હોય છે, જયારે કંઇક કરવાના ભાવ સાથે જીવતા માણસનું જીવન ઉછળતા દરિયા જેવું હોય છે. આવો માણસ જીવે છે, ત્યારે એની અંદર જવાળાઓ ફૂંફાડા મારે છે. અંદરની આગથી જેનું લલાટ ઝળહળે છે. જેની હાજરીથી સામાન્ય લોકોમાં ઇર્ષા અને અહોભાવ ઉભય લાગણી વિના પ્રયત્ને જન્મે છે, અને આવા માણસને ક્રિએટીવ કહેવામાં જરાય અતિશયોક્તિ ન લાગે.

ક્રિએટિવિટી વાસ્તવમાં તો જૂદું જોવાની, જુદું કરવાની અને જુદું વિચારવાની જિદ્દ છે. આવી જ જિદ્દ મર્યાદાના ઢાંચામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના નાનકડા પાનેલી ગામમાં રહેતા ધરતીપુત્ર વિનોદ કરમુરે કરી છે. ગુજરાતની ધરા અને ગુજરાતીઓની છાતી ગજગજ ફૂલે તેવી સિધ્ધી  હાંસલ કરી છે. વિનોદ કરમુરે મલેશિયામાં આયોજિત ૧૦મી આંતરરાષ્ટ્રીય રમત ઉત્સવ ૨૦૨૪માં સુવર્ણ ચંદ્રક મેળવીને દેશ, રાજય અને ગામને ગૌરવ અપાયું છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રાજયના યુવાનોમાં રહેલી ખેલકૂદની શક્તિને ઉજાગર કરવા માટે રાજયમાં ખેલમહાકુંભનો આરંભ કરાવ્યો હતો, જેના થકી આજે રાજયના કેટલાય અંતરિયાળ વિસ્તારના યુવાનોએ રાજયનું નામ રમતગમત ક્ષેત્રે અગ્રેસર કર્યું છે. જે વાતને વિનોદ કરમુરે પણ સમર્થન આપ્યું છે.

રાજયના દરિયાઇ સીમા ઉપર આવેલા દેવભૂમિ દ્રારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં નાનકડું પાનેલી ગામ આવેલું છે. આ ગામમાં રામદેભાઇ કરમુર ખેતીવાડી કરીને જીવન નિર્વાહ કરી રહ્યા છે. રામદેભાઇના દીકરા વિનોદે કઠોર પરિશ્રમ, દૃઢ સંકલ્પ સાથે રમત ગમત ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિઓ હાંસલ કરી છે.

સયુંકત ભારતીય ખેલ ફાઉન્ડેશન દ્વારા આયોજિત મલેશિયા ખાતે ૧૦મી આંતરરાષ્ટ્રીય રમત ઉત્સવ ૨૦૨૪માં ૨૦૦ કરતા વધારે સ્પર્ધકોને પાછળ છોડી લાંબી કૂદ તથા ઊંચી કૂદમાં  સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કરી અનોખી સિદ્ધિ હાંસલ કરી છે.

માત્ર આટલું જ નહિ આગામી એશિયન ગેમ્સ માટે પણ તેમની પસંદગી થઇ  હોવાનું વિનોદ કરમુરે જણાવ્યું હતું.  નાની ઉંમરથી જ રમત ગમત પ્રત્યે રૂચિ ધરાવતા વિનોદે રમત ગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. જેના માટે રાજ્ય સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભની શરૂઆતએ રમતને પ્રોત્સાહન આપવા તેમજ યુવાનો રહેલ પ્રતિભાને પ્રોત્સાહિત કરી રહ્યું છે.

કુતિયાણામાં અભ્યાસ કરતી વેળાએ વિનોદને રમત ગમત ક્ષેત્રે ખાસ રૂચિ થઈ, ત્યારે જ તેને આ ક્ષેત્રમાં આગળ વધવાનો દૃઢ નિશ્ચય કર્યો હતો. તે પછી તેણે પોરબંદરમાં કાર્યરત ડી.એલ.એસ.એસ સ્પોર્ટ્સ સંકુલમાં  બે વર્ષ સુધી સખત પરિશ્રમ કર્યા પછી ગાંધીનગરમાં પણ ત્રણ વર્ષ સુધી તાલીમ મેળવી હતી. હાલમાં તે આણંદમાં તાલીમ મેળવી આગામી ટુર્નામેન્ટ માટે પરસેવો પાડી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, વિનોદે રાજ્ય સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભમાં તાલુકા તથા જિલ્લા કક્ષાએ પ્રથમ તથા રાજ્ય કક્ષાએ છઠ્ઠો નંબર પ્રાપ્ત કરી પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો છે. આગામી ટુર્નામેન્ટમાં ભાગ લઈ જિલ્લા, રાજ્ય તથા દેશનું નામ રોશન કરશે તેવો આત્મવિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh