Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાના બરડિયા પાસે રખડતા ઢોરના કારણે અકસ્માતઃ સાતના મૃત્યુ

નંદીને બચાવવા જતાં બસ ડિવાઈડર ચઢીઃ સામેથી આવતી બે મોટર-બાઈક ઠોકરે ચઢ્યાઃ અરેરાટી પ્રસરીઃ

દ્વારકા/ખંભાળિયા તા. ૩૦: દ્વારકાના બરડિયા પાસે ધોરીમાર્ગ પર શનિવારે સાંજે રોડ પર બેસેલા ઢોરના ઝુંડના કારણે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં સાત માનવ જિંદગી હોમાઈ ગઈ છે. બેની હાલત ગંભીર ગણાવાઈ રહી છે. અન્ય ૧૪ને સારવાર અપાઈ રહી છે. ડિવાઈડર પરથી બસ સામા રોડ પર ઉતરી બે મોટર તથા બાઈક સાથે ટકરાઈ પડી હતી. હાઈવે પર રખડતા ઢોરે સર્જેલા આ અકસ્માતે સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવ્યો છે. નેશનલ હાઈવે ઓથોરિટીની કામગીરી સામે ભારોભાર રોષ પ્રવર્તી રહ્યો છે.

દ્વારકાથી પોરબંદર વચ્ચેના ધોરીમાર્ગ પર આવેલા અને દ્વારકાથી માત્ર સાત કિમી દુર બરડીયા ગામ પાસેથી શનિવારે સાંજે સાડા સાતેક વાગ્યે પસાર થઈ રહેલા ગાંધીનગર જિલ્લાના ટીટોડા ગામના ભાવનાબેન મહેશજી ઠાકોર (ઉ.વ.૩૫) તેમજ પ્રિયાંશીબેન મહેશભાઈ ઠાકોર (ઉ.વ.૧૩), હેતલબેન અર્જુનજી ઠાકોર (ઉ.વ.૨૮), તાનીયાબેન અર્જુનજી ઠાકોર (ઉ.વ.ર), રીયાંશી કિશનજી ઠાકોર (ઉ.વ.૩) અને વિરાન કિશનજી ઠાકોર (ઉ.વ.૬) તથા બરડીયા ગામના ચિરાગ રાણાભાઈ ચાસીયા નામના વ્યક્તિઓના અકસ્માતમાં મૃત્યુ નિપજ્યા છે.

ગાંધીનગર જિલ્લાના ટીટોડા ગામના કલોલ તાલુકાના પલસાણા ગામના ઠાકોર પરિવારના ઉપરોક્ત છ વ્યક્તિ જે ઈકો મોટરમાં જતાં હતા તે જીજે-૧૮-બીએલ ૩૧૫૯ નંબરની મોટર સાથે દ્વારકા તરફથી આવી રહેલી એનએલ-૧-બી ૨૨૦૭ નંબરની પટેલ ટ્રાવેલ્સની બસ ટકરાઈ પડી હતી. જ્યારે  બરડીયા ગામના ચિરાગ ચાસીયા પણ આ અકસ્માતમાં મૃત્યુને ભેટ્યા હતા.

દ્વારકાથી રવાના થયેલી પટેલ ટ્રાવેલ્સની બસ જ્યારે ફર્ન હોટલ પાસે પહોંચી ત્યારે રોડ પર બેસેલા ઢોરમાંથી એક ગાય તે બસ આડે આવી જતા તેની સાથે અકસ્માત ન થાય તે માટે બસના ડ્રાઈવરે સ્ટીયરીંગ ઘુમાવતા તે બસ ડિવાઈડર પર ચઢી સામેના રોડ પર ધસી ગઈ હતી અને ઠાકોર પરિવારની ઈકો મોટર સાથે ટકરાઈ પડી હતી. તે પછી એક સ્વીફટ મોટર અને બાઈક પણ આ બસ સાથે ટકરાતા ઉપરોક્ત સાત વ્યક્તિના ગંભીર ઈજા થવાથી સ્થળ પર મૃત્યુ નિપજ્યા હતા અને મહેશજી કેશાજી ઠાકોર, હિમેશ મહેશજી, હેતલબેન કિશનજી, કિશનજી રમણજી ઠાકોર નામના વ્યક્તિઓ સહિત ૧૬ વ્યક્તિને નાની મોટી ઈજા થઈ હતી.

આ અકસ્માતની જાણ થતાં દ્વારકાથી પોલીસ કાફલો તથા ૧૦૮ની ટીમ બનાવના સ્થળે ધસી ગઈ હતી. આ બનાવની કરૂણા એ હતી કે, રોડ પર ગાય અથવા પાડો આવી જતાં તેને બચાવવાના પ્રયાસમાં બસ ડ્રાઈવરે મરડેલા સ્ટીયરીંગમાં બસ ડિવાઈડર પર ચઢીને સામે રોડ પર ઉતરી હતી. તે દરમિયાન આ બસના દરવાજે ઉભો રહી મુસાફરી કરી રહેલો બરડીયા ગામનો ચિરાગ રાણાભાઈ ચાસીયા આ અકસ્માતનો પ્રથમ ભોગ બન્યો હતો. આ બસ જ્યારે ડિવાઈડર પર ચઢી ત્યારે તેનો આંચકો લાગતા ચિરાગ ચાલુ બસે પડી ગયો હતો અને તેના પરથી બસના વ્હીલ ફરી વળતા આ યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું. વધુમાં જાણવા મળ્યા મુજબ આ યુવાન દ્વારકાથી બરડીયા જવા માટે તે બસમાં મુસાફરી કરતો હતો નજીકમાં જ ઉતરવાનું હોવાથી તે બસના દરવાજે ઉભો હતો અને માત્ર પાંચ-સાત કિ.મી.ની મુસાફરીમાં તેને કાળનો ભેટો થઈ ગયો હતો.

આ અકસ્માતના પગલે ગાંધીનગરથી દ્વારકા દર્શનાર્થે જતાં ઠાકોર પરિવારના બાળકો સહિત છ વ્યક્તિના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ નિપજતા અરેરાટી પ્રસરી ગઈ છે. બનાવના સમયે જામનગર-દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ દ્વારકામાં હાજર હતા તેઓને અકસ્માતની જાણ થતાં પૂનમબેન અને દ્વારકા પંથકના ધારાસભ્ય પબુભા માણેક સહિતના પદાધિકારીઓ અને રાજ્યના કેબિનેટ મંત્રી અને ખંભાળિયાના ધારાસભ્ય મૂળુભાઈ બેરા પણ ધસી આવ્યા હતા. તેઓએ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવાની ચાલી રહેલી કામગીરી નિહાળી તેમાં સહયોગ આપ્યો હતો અને મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

આ બનાવ અંગે ગાંધીનગરના ટીટોડા ગામના મહેશજી કેશાજી ઠાકોરે દ્વારકા પોલીસમાં બસના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. આ શખ્સે સર્જેલા અકસ્માતમાં મહેશજીના પત્ની ભાવનાબેન, પુત્રી પ્રિયાંશી, સાળા કિશનજીની દીકરી રીયાંશી તથા હેતલબેન, વિરાન અને ચિરાગ સાચીયાના મૃત્યુ થયાનું જાહેર કર્યું છે. પોલીસે નાસી ગયેલા બસચાલક સામે ગુન્હો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

આ અકસ્માતમાં દર વર્ષે કરોડોની રકમ ટોલટેક્સપેટે ઉઘરાવી લેતી નેશનલ હાઈવે ઓથોરિટી સામે ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. દ્વારકાથી ખંભાળિયા વચ્ચેના ૯૦ કિમી હાઈવે પર શનિવારે અકસ્માત સર્જાયા પછી પણ ગઈકાલે ઠેર ઠેર પશુઓનો ઢગલો જોવા મળી રહ્યો હતો. ટોલટેકસ ઉઘરાવી લઈ પોતાની જવાબદાર પૂરી થઈ ગઈ હોવાનું માની લેતા આ તંત્ર દ્વારા હજુ બીજા મોટા અકસ્માતની રાહ જોવાઈ રહી હોય તેમ લાગી રહ્યું છે! હાઈવે પરથી ઢોર તગેડવાની કોઈ તસ્દી લેવામાં આવતી નથી જેના કારણે શનિવારે સાંજે આ અકસ્માતે સાત માનવ જિંદગીનો ભોગ લીધો છે. આ હાઈવે પર દ્વારકાથી ખંભાળિયા વચ્ચે ૨૦ જેટલા ગામ લાગુ પડે છે. તે ગામના ઢોરમાલિકો ઢોરને દોહી લીધા પછી બિનદાસ્ત રીતે ઢોરને રખડતા મૂકી દે છે અને આ ઢોર હાઈવે પર આવી અડીંગો જમાવે છે. તે રસ્તા પરથી પસાર થતાં વાહનચાલકો પણ પોતાનું વાહન સાઈડમાંથી તારવીને નીકળી જાય છે. જો કોઈ વાહનચાલક વાહન ઉભુ રાખીને ઢોર તગેડવાનો પ્રયાસ કરે તો તે પણ અકસ્માતનો ભોગ બની જાય તેટલી હદે વાહનો આ રોડ પરથી પસાર થઈ રહ્યા છે. ત્યારે જવાબદાર તંત્ર વહેલામાં વહેલી તકે રખડતા ઢોર હાઈવે પર ન જોવા મળે તે માટે ઘટતી કાર્યવાહી કરે તે સમયની માગણી છે.

અવારનવાર હાઈવે પર આ રીતે રખડતા ઢોર અકસ્માતો સર્જી રહ્યા છે ત્યારે દ્વારકાથી ખંભાળિયા સુધીના ધોરીમાર્ગ પર થોડા થોડા અંતરે પ્રાથમિક સુવિધા અને એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ થઈ શકે તે પ્રકારની વ્યવસ્થા પણ માર્ગ અને મકાન વિભાગે ઉભી કરવી જોઈએ.

રોજના લાખો રૂપિયા ટોલ ટેક્સ પેટે વસૂલતી નેશનલ હાઈવે ઓટોરિટી ઢોર હટાવવાની કામગીરી તો નથી કરતી પરંતુ ખાડા બુરવાની પણ તસ્દી નથી લેતી. ત્યારે  સાંસદ તેમજ આ વિસ્તારના ધારાસભ્યો પણ અંગત રસ લઈ રખડતા ઢોર સહિતની સમસ્યાના ઉકેલ માટે અને આગામી સમયમાં આ પ્રકારના અકસ્માતો ન સર્જાય તે માટે તકેદારી લેવડાવે તે લોકહિતમાં જરૂરી છે.

આ અકસ્માતમાં ઘવાયેલા વ્યક્તિઓમાંથી બેની હાલત વધુ ગંભીર જણાઈ આવતા તેઓને જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઈજાગ્રસ્તો માટે સારવાર તેમજ ભોજનની વ્યવસ્થા કરાઈઃ

અકસ્માત પછી સ્થાનિક અધિકારીઓ, સાંસદ તેમજ પદાધિકારીઓએ ગોઠવી તાકીદની વ્યવસ્થા

શનિવારે સાંજે ઉપરોક્ત અકસ્માત સર્જાયો તે પછી થોડી જ મિનિટોમાં છ એમ્બ્યુલન્સ ધસી ગઈ હતી. દ્વારકા તાલુકાના તબીબો આવી પહોંચ્યા હતા. ઈજાગ્રસ્તોને દ્વારકા અને ત્યાંથી ખંભાળિયા અને જામનગર ખસેડવાની તજવીજ શરૂ કરી દેવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર જી.ટી. પંડયાના સીધા માર્ગદર્શન હેઠળ જામનગરથી ઓર્થોપેડિક સર્જનો સહિતના નિષ્ણાત તબીબોની ટીમ આવી પહોંચી હતી.

મૃતકોના સગા-વ્હાલાઓના આક્રંદ વચ્ચે મૃતદેહ સોંપવાની કાર્યવાહી કરાઈ હતી. ઈજાગ્રસ્તો તથા અન્ય સગા-વ્હાલાઓ માટે ભોજન સહિતની વ્યવસ્થા ઉભી કરાઈ હતી. ઈજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં એમઆરઆઈ તથા અન્ય રિપોર્ટની ફાઈલ તૈયાર કરાવી તેમના ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા ડે. કલેકટર કે.કે. કરમટા, મામલતદાર વિક્રમ વરૂ, સાંસદ પૂનમબેન માડમ, મંત્રી મૂળુભાઈ બેરા, ધારાસભ્ય પબુભા માણેક દ્વારા કરવામાં આવી હતી. દ્વારકાના પ્રાંત અધિકારી તેમજ ડીવાયએસપી સાગર રાઠોડ, પીઆઈ ભટ્ટ, એલસીબી પીઆઈ કે.કે. ગોહિલ, એસઓજી ટીમ પણ બનાવના સ્થળે આવી ગયા હતા. ઈજાગ્રસ્તમાંથી એકને રાજકોટ દવાખાને ખસેડવામાં આવ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh