Advertisement
Author: નોબત સમાચાર

પ૦૦૦ વડીલો માટેનું વિશ્વનું સૌથી મોટું નિઃશુલ્ક સદ્ભાવના વૃદ્ધાશ્રમ આકાર લેશે

રાજકોટમાં રૂપિયા ત્રણસો કરોડના ખર્ચે

અમદાવાદ તા. ૩૦: રાજકોટ-જામનગર હાઈવે ઉપર રામપરમાં 'માતૃદેવો ભવ પિતૃદેવો ભવ'ની ભાવના ચરિતાર્થ કરવા માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમાજના સેવાભાવી અને દાનવીર લોકોના સહયોગથી ભારતના સૌથી મોટા સદ્ભાવના વૃદ્ધાશ્રમના નવા પરિસરનું ૩૦ એકર જગ્યામાં નિર્માણ થવા જઈ રહ્યું છે. આ વૃદ્ધાશ્રમ બનાવવાનો ખર્ચ અંદાજે રૂ. ૩૦૦ કરોડ છે. જેમાં ૧૧ માળના ૭ નવા બિલ્ડીંગમાં પ૦૦૦ નિરાધાર પથારીવશ, બીમાર વડીલો માટે ૧૪૦૦ રૂમ તૈયાર કરવામાં આવશે. આ સંદર્ભે રાજકોટમાં ર૩ નવેમ્બરથી ૧ ડિસેમ્બર ર૦ર૪ સુધી પરમ પૂજ્ય સંત શ્રી મોરારીબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે.

અમદાવાદમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેલા કેટલાંક પત્રકાર મિત્રોએ માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટના આ સેવાકીય ભગીરથ કાર્યમાં ફુલ નહી તો ફુલની પાંદડી સ્વામી પરમ પૂજ્ય પરમાત્માનંદ સરસ્વતીજીને અર્પણ કરી હતી. આ ખૂબ જ પ્રશંસનીય અને અભૂતપૂર્વ ઘટના છે તેમ સ્વામીજીએ ભેટ સ્વીકારતી વખતે આશિર્વચન સ્વરૂપે જણાવ્યું હતું.

હિન્દુ ધર્માચાર્ય મહાસભાના આંતરરાષ્ટ્રીય કન્વીનર અને મહામંત્રી તેમજ શ્રી શિવાનંદ આશ્રમ અમદાવાદના અધ્યક્ષ સદ્ભાવના વૃદ્ધાશ્રમના સંરક્ષક પરમ પૂજ્ય પરમાત્માનંદ સરસ્વતીજીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં 'માતૃદેવ ભવ' 'પિતૃ દેવો ભવ' આવી ભાવનાનો પણ હાસ થયો છે, જેથી અનાથ, નિરાધાર, જેનું કોઈ નથી એવા વડીલોની સેવામાં વધુને વધુ લોકો જોડાતા રહે એ આજના સાંપ્રત સમયની માંગ છે. છેલ્લા કેટલાક વર્ષોથી 'ઓછા બાળ જય ગોપાલ' ની માનસિકતાના લીધે કુટુંબમાં બાળકોની સંખ્યા ઘટી ગઈ છે. તદુપરાંત સંયુકત કુટુંબો રહ્યા નથી. આવા કારણોને લીધે સમાજના બધા જ સ્તરના વડીલો માટે વૃદ્ધાવસ્થા બહુ જ પીડાજનક બને છે. સમાજમાં પૈસાવાળા હોય કે દીકરા-દીકરી વિદેશ પરણ્યા હોય કે પછી પોતાનું વતન છોડી વ્યવસાય અર્થે ભારતના કોઈપણ ખૂણે રહેતા હોય એવા સમયે ઘરના વડીલો નિરાધાર થઈ જાય છે. આમ જોવા જઈએ તો સૌથી કફોડી સ્થિતિ શ્રમીક વર્ગની છે, જેવા કે, રિક્ષાવાળા, થેલાવાળા, મજુર, ઘરકામ કરતી બાઈઓ, આયાબહેનો વગેરેની સ્થિતિ કફોડી ત્યારે થાય છે જ્યારે તેઓ શારીરિક રીતે કંઈ કરી શકતા ન હોય. સમાજના આવા લોકોની સ્થિતિ જોઈને, તેમના પ્રત્યેની અનુકંપાથી પ્રેરાઈને સદભાવના વૃદ્ધાશ્રમની શરૂઆત કરવામાં આવી છે. સદ્દભાવના વૃદ્ધાશ્રમમાં બધા જ સ્વયંસેવકો નિષ્કામ ભાવે સેવા કરે છે. સદ્દભાવના વૃદ્ધાશ્રમની સમગ્ર ટીમને સંસ્થામાં સેવા આપતા વૃદ્ધોના અંતરના આશીર્વાદ મળ્યા જેના લીધે સદ્ભાવના સંસ્થાનો વિકાસ થયો. આજે ૬પ૦ જેટલા વૃદ્ધોની સેવા થઈ રહી છે. જેમાં ર૦૦ થી વધુ વડીલો તો પથારીવશ છે. 'ડાઈપર' ઉપર છે. એટલે તેમને તૈયાર કરવા, કપડા બદલવા, ખવડાવવું, આ બધું કરવાવાળા કાર્યકર્તાઓ પણ નિષ્ઠાથી કામ કરે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh