Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક મકાનમાંથી મોટી રકમ ગઈ, બાકી મકાનોમાંથી છૂટક રકમ, સામાન ચોરાયોઃ બે ફેક્ટરીમાં પણ તાળા તૂટ્યાઃ
જામનગર તા. ૩૦: કાલાવડમાં આવેલી જુદી જુદી ત્રણ સોસાયટી સ્થિત પાંચ મકાનમાં ચોરી થઈ હતી. તસ્કરોએ એક મકાનમાંથી સોના, ચાંદીના દાગીના તથા રૂ.ર લાખ ૧૦ હજાર રોકડા મળી કુલ રૂ.૨ લાખ ૬૦ હજારની મત્તા ઉઠાવી પોલીસને પડકાર ફેંક્યો છે. અન્ય એક મકાનમાંથી રૂ.રપ હજારની ચોરી થયાનું ખૂલ્યું છે અને બાકીના ત્રણ મકાનમાં થયેલી ચોરી અંગેનો તાગ કાઢવામાં આવી રહ્યો છે. સીસીટીવી કેમેરામાં ત્રણ શખ્સની શંકાસ્પદ હરકત કંડારાઈ છે. આ શખ્સોના સગડ દબાવાઈ રહ્યા છે. તે દરમિયાન કાલાવડના રણુજા રોડ પર પીયાવા પાસે બે ફેક્ટરીમાં પણ ચોરી થયાનું ખૂલ્યું છે. ત્યાંના સીસીટીવી ફૂટેજ પોલીસ ચકાવી રહી છે.
કાલાવડ શહેરમાં આવેલી શ્યામ વાટીકા સોસાયટીમાં મકાન નં.ડી/૨માં રહેતા અશ્વિનભાઈ મનસુખભાઈ ભંડેરી નામના આસામી ગયા શુક્રવારે પોતાના પરિવાર સાથે બહારગામ ગયા પછી જ્યારે શનિવારે સવારે પરત આવ્યા ત્યારે તેઓએ પોતાના મકાનના દરવાજાનું તાળુ તૂટેલુ જોયું હતું. આ આસામીએ ઘરમાં જઈ તપાસ કરતા સોનાના બાટલા, બુટી, બે વીટી, ચાંદીની ઝાંઝરી, રૂ.ર લાખ ૧૦ હજાર રોકડા મળી કુલ રૂ.૨,૬૦,૦૦૦ની મત્તા ચોરાઈ ગયાની જાણ થઈ હતી.
તેઓએ પોલીસને વાકેફ કરી હતી. તે દરમિયાન કાલાવડની અવધ રેસીડેન્સી અને હેલીપેડ સોસાયટીમાં પણ તસ્કરોએ હાથફેરો કર્યાનું જાહેર થયું છે. ત્યાં આવેલા કપિલભાઈ ધરમદાસ પૂર્ણવૈરાગી, આનંદ રમેશભાઈ સખીયા, રાજેશભાઈ બધેલ, અલ્પેશભાઈ ભાણજીભાઈ બગડા નામના ચાર આસામીના મકાનમાં પણ ચોરી થયાનું ખૂલવા પામ્યું છે.
બનાવની જાણ થતાં કાલાવડ શહેર પોલીસ સ્ટેશનના પીઆઈ એન.વી. આંબલીયા તથા સ્ટાફ દોડી ગયા હતા.
પોલીસે બનાવના સ્થળેથી તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. તે વિસ્તારમાં મુકવામાં આવેલા કેટલાક સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવતા શુક્રવારની રાત્રે ત્રણ શખ્સ ઉપરોકત વિસ્તારોમાં ચોરીના ઈરાદે શંકાસ્પદ હાલતમાં ફરતા હોવાનું જણાઈ આવ્યું છે. પોલીસે આ શખ્સોના સગડ દબાવ્યા છે અને અશ્વિનભાઈની ફરિયાદ પરથી પાંચેય મકાનમાં ચોરી થયાનો ગુન્હો નોંધ્યો છે.
વધુમાં જાણવા મળ્યા મુજબ હાલમાં અશ્વિનભાઈના ઘરમાંથી રૂ.૨ લાખ ૬૦ હજારની મત્તા ચોરાયાનું ખૂલ્યું છે અને અન્ય એક આસામીના ઘરમાંથી રૂ.૨૫ હજાર રોકડા ગયાનું જાહેર થયું છે. જ્યારે બાકીના ત્રણ આસામીના મકાનમાંથી કેટલી મત્તા ગઈ? તેની ખરાઈ પછી એકાદા મકાનમાંથી રૂપિયા દસેક હજાર રોકડા અને બાકીના મકાનોમાં નાનો મોટો સામાન ચોરાયાનું પીઆઈ એન.વી. આંબલીયાએ જણાવ્યું છે.
ઉપરોક્ત ચોરીઓની વિગતો તરખાટ મચાવી રહી છે. તે દરમિયાન કાલાવડથી રણુજા વચ્ચે આવેલા પીયાવા ગામ નજીક સાગર સિમેન્ટ પ્રોડક્ટ અને સનાતન એગ્રો નામની બે ફેક્ટરીમાં પણ તાળા તૂટ્યાનું જાણવા મળી રહ્યું છે. ત્યાં મુકવામાં આવેલા સીસીટીવી કેમેરામાં બે શખ્સ જોવા મળી રહ્યા છે. ત્યાં કેટલાની ચોરી થઈ તેની તપાસ કરાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial