Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રીજી વખત પૂરના ભયથી નગરજનો ભયભીત
વડોદરા તા. ૩૦: વિશ્વામિત્રી નદીનું લેવલ ભયજનક સપાટીથી માત્ર થોડું જ દૂર રહેતા વડોદરામાં ફરી પૂરનું સંકટ મંડરાઈ રહ્યું છે.
વડોદરામાં વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટીનું લેવલ ૨૬ ફૂટ છે. આજે સવારે વિશ્વામિત્રી નદી આ લેવલથી આશરે માત્ર એક ફૂટ નીચે વહેતી હતી. જો કે ગઈરાતથી વરસાદ બંધ છે અને આજે ઉઘાડ છે. પરંતુ નદીનું લેવલ રવિવારની સરખામણીએ ધીમી ગતિએ વધી રહ્યું છે. એટલે વડોદરામાં હજી પૂરનું સંકટ માથે મંડરાઈ રહ્યું છે. હવે ભારે વરસાદ ન પડે તો જ શહેર ત્રીજી વખતના પૂરમાંથી બચી શકે તેવી સ્થિતિ છે.
ગઈકાલની સરખામણીએ આજવા સરોવરમાં પણ આજે લેવલ ખૂબ ધીમી ગતિએ વધે છે. રવિવારે વડોદરામાં ભારે વરસાદ પડ્યા બાદ અને ઉપરવાસમાંથી આવક થતાં વિશ્વામિત્રી નદીની જળ સપાટી ખૂબ ઝડપભેર આગળ વધી ગઈ હતી. જેના કારણે કોર્પોરેશનનું તંત્ર પણ દોડતું થઈ ગયું હતું. લોકો ત્રીજી વખત પૂર આવશે તેવી દહેશતથી ભયભીત બની ગયા હતાં. ગત રાત સુધી લેવલ ખૂબ ઝડપથી વધતું હતું. રાત્રે બે વાગ્યે લેવલ ૨૪ ફૂટ પહોંચી ગયું હતું. જો કે એ ત્યારબાદ સપાટીમાં વધારો ધીમી ગતિએ થઈ રહ્યો છે. એટલે તંત્ર થોડું નિશ્ચિત બન્યું છે.
રાત્રે બે વાગ્યાથી અત્યારે સવારે ૧૧:૩૦ વાગ્યા સુધીમાં નદીની સપાટીમાં ૧.૦૩ ફૂટનો વધારો થયો છે. આજવા સરોવરમાં પણ ગત રાત્રે ૧૧ વાગ્યે લેવલ ૨૧૩.૧૩ ફૂટ હતું. જે આજે ૧૨ કલાક પછી તેમાં ૦.૧૬નો વધારો થયો છે. આજવાનું લેવલ હાલ ૨૧૩.૨૬ ફૂટ છે. વરસાદ થંભી જવાના કારણે લેવલ વધવાની ગતિ ઘટી ગઈ છે.
બીજી બાજુ વડોદરા શહેરમાં અફવા ફેલાતા કોર્પોરેશન તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે કોઈએ અફવા પર ધ્યાન આપવું નહીં. આજવા સરોવર અને પ્રતાપપુરા સરોવરનું પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવશે નહીં. કોર્પોરેશન દ્વારા અત્યાર સુધીમાં ૨૦૦ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. નદીકાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે. તંત્ર દ્વારા એનડીઆરએફની બે ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે અને બચાવ કામગીરી માટે તરાપા રાખવામાં આવ્યા છે.
આજની સ્થિતિને ધ્યાનમાં લઈને વડોદરાની શાળાઓ અને એમ.એસ. યુનિવર્સિટી બંધ રાખવામાં આવી છે. હાલ નદીમાં પાણી જે વધી રહ્યું છે તે વિશ્વામિત્રીના ઉપરવાસના વરસાદના લીધે વધે છે. સામાન્ય રીતે વરસાદ થયા બાદ ૨૪ કલાક સુધી ધીમી ગતિએ પાણીની આવક ચાલુ રહે છે. કોર્પોરેશનના તંત્રનું માનવું છે કે હવે લેવલ ધીમે ધીમે સ્થિર થશે અને કલાકો પછી પાણી ઉતરવાની શરૂઆત થશે. પરંતુ તે સમય દરમિયાન વરસાદ પડવો ન જોઈએ. જો વરસાદ પડે તો સ્થિતિ પાછી ચિંતાજનક બની જાય તેમ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial