Advertisement
Author: નોબત સમાચાર

લેબેનોનમાં ઈઝરાયેલનો ભીષણ બોમ્બમારોઃ ૧૦પના દર્દનાક મોત

ઈઝરાયેલી સેના દ્વારા લેબનીઝ રાજધાની બેહતમાં ઘુસીને મોતનું તાંડવઃ હિઝબુલ્લાહ મરણ પથારીમાં...

નવી દિલ્હી તા. ૩૦: લેબેનોનમાં તબાહીનું તાંડવ ચાલી રહ્યું છે. અને ઈઝરાયેલના ભીષણ હુમલામાં ૧૦પ ના મોત થયા છે. બૈરૂતના અંદરના ભાગોમાં હુમલાના કારણે પાટનગરમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે ઈઝરાયલે બિલ્ડીંગો ફુંકી મારી છે. હિઝબુલ્લાહ હવે છેલ્લા શ્વાસ લ્યે છે. કમાન્ડરોના ટપોટપ મોત થઈ રહ્યા છે.

ઈઝરાયલે સોમવારે લેબનોનની રાજધાની બેરૂતમાં પહેલીવાર આતંક મચાવ્યો હતો. અહીં ઈઝરાયેલની સેના આઈડીએફએ શહેરની ઈમારતને ઉડાવી દીધી હતી. આ હુમલામાં ઓછામાં ઓછા ચાર લોકોના મોતના અહેવાલ છે. પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ પીએફએલપી કહે છે કે હુમલામાં તેના ત્રણ નેતાઓ માર્યા ગયા હતાં.

ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે વધી રહેલા સંઘર્ષમાં પ્રથમ વખત છે જ્યારે ઈઝરાયલે લેબનીઝ રાજધાની બેરૂતમાં ઘુસીને રહેણાંક વિસ્તારમાં હુમલો કર્યો છે. હિઝબુલ્લાના ચીફ સૈયદ હસન નસરાલ્લાહના મોત પછી લેબનોનમાં ઈઝરાયેલનો કહેર અટકી રહ્યો નથી.

ગઈકાલે રવિવારે પણ ઈઝરાયેલે સમગ્ર લેબનોનમાં જોરદાર બોમ્બમારો કર્યો હતો. જેમાં ૧૦પ લોકોએ જીવ ગુમાવ્યા છે જેથી કરૂણ દૃશ્યો સર્જાયા હોવાના અહેવાલો છે. લેબનોનના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર હવાઈ હુમલામાં ૩પ૯ લોકો ઘાયલ થયા છે, સૌથી વધુ મૃત્યુ ૪૮, આઈન લલ-ડેલ્બ અને ટાયર વિસ્તારોમાં થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે ઈઝરાયેલના હવાઈ હુમલામાં કાના હોસ્પિટલને ભારે નુકસાન થયું છે. આ સિવાય બેકા ઘાટીમાં બાલબેક-હરમેલમાં ઈઝરાયેલના હુમલામાં ૩૩ લોકો માર્યા ગયા અને ૯૭ લોકો ઘાયલ થયા. ઈઝરાયેલે લેબનોનના કોલા વિસ્તારમાં પહેલીવાર જોરદાર બોમ્બમારો કર્યો.

લેબનીઝ સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઈઝરાયેલી સેના દ્વારા કરવામાં આવેલા આ હવાઈ હુમલો, બેરૂતના કોલા જિલ્લામાં એક એપાર્ટમેન્ટના ઉપરના માળે કરવામાં આવ્યો હતો. ન્યૂઝ એજન્સી રોઈટર્સ અનુસાર, પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ પોપ્યુલર ફ્રન્ટ ફોર ધ લિબરેશન ઓફ પેલેસ્ટાઈનએ કહ્યું કે કોલા જિલ્લામાં ઈઝરાયેલના હુમલામાં તેના ત્રણ નેતાઓ માર્યા ગયા હતાં. અગાઉ એવા અહેવાલો પણ આવ્યા હતા જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ હુમલામાં અન્ય આતંકવાદી સંગઠન-અલ-જમા અલ-ઈસ્લામીયાના નેતૃત્વને નિશાન બનાવવામાં આવ્યું હતું. જો કે સંગઠને આ વાતને નકારી કાઢી છે.

રિપોર્ટ અનુસાર ઈઝરાયેલની સેના રવિવારે રાત્રે બેરૂતના રહેણાક વિસ્તારો પર હુમલો કરી રહી છે. ઈઝરાયેલના અખબાર હેયોમે ઈઝરાયેલની સેનાને ટાંકીને કહ્યું કે બેરૂતમાં બેકા વિસ્તારમાં હુમલા થયા છે. આઈડીએફનું કહેવું છે કે તેના યુદ્ધ વિમાનોએ છેલ્લા બે કલાકમાં બેકા ખીણ પ્રદેશમાં હિઝબુલ્લાના ડઝનબંધ સ્થાનો પર હુમલો કર્યો છે. સેનાએ એમ પણ કહ્યું છે કે જે સ્થળોએ હુમલો કરવામાં આવ્યો તેમાં રોકેટ લોન્ચર અને ઈમારતોનો સમાવેશ થાય છે. જ્યાં હિઝબુલ્લાહ શસ્ત્રનો સંગ્રહ કરે છે.

ગઈકાલના હુમલામાં ઈઝરાયેલે હિઝબુલ્લાહના અન્ય ટોચના કમાન્ડર નાબિલ કૌકને પણ માર્યો હતો. હિઝબુલ્લાએ પણ નેવિલ કૌકના મૃત્યુની પુષ્ટિ કરી છે. છેલ્લા એક સપ્તાહમાં માર્યા ગયેલા હિઝબુલ્લાહનો આ સાતમો ટોચનો કમાન્ડર છે. આ પહેલા શુક્રવારે ઈઝરાયેલના હુમલામાં ઈઝરાયેલમાં ઘણાં લોકો ઘાયલ થયા છે અને નોંધપાત્ર નુકસાન થયું છે.

જો કે, મોટાભાગના રોકેટ અને મિસાઈલોને ઈઝરાયેલ દ્વારા હવામાં તોડી પાડવામાં આવ્યા હતાં. લેબનોનમાં ઈઝરાયેલના હુમલામાં અત્યાર સુધીમાં ૧,૦૩૦ લોકોના મોત થયા છે. જેમા ૧પ૬ મહિલાઓ અને ૮૭ બાળકોનો સમાવેશ થાય છે. લાખો લોકોને વિસ્થાપિત થવું પડ્યું છે. આશરે ર.પ લાખ લોકો શરણાર્થી શિબિરોમાં રહે છે અને ચાર ગણા વધુ લોકો તેમના ઘર છોડીને તેમના સંબંધીઓના ઘરે રોકાયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh