Advertisement
Author: નોબત સમાચાર

બસ... ઓફિસમાં બેઠા બેઠા જાહેરનામું બહાર પાડ્યે રાખો... અમલવારીના નામે મોટું મીંડુ!

ભ્રષ્ટાચારીઓ, ગોરખધંધા કરનારાઓને મોકળું મેદાન!

જામનગર તા. ર૯: જામનગર નજીકના બેડ તથા સોયલ ટોલનાકા પર ટોલટેક્સ ભરવામાં ખાસ કરીને ભારે વાહનચાલકો સહિતના વાહનોને મોટી 'રાહત' મળે તે માટે વર્ષોથી આ ટોલનાકા પહેલા અને ત્યારપછી ટોલનાકામાંથી પસાર જ ન થવું પડે તેવી ખાસ 'ગોઠવણ' આ ટોલનાકા પાસેની જામનગરમાંથી ગેરકાયદે રસ્તો કાઢીને કેટલાક શખ્સોએ કરી છે. પરિણામ સ્વરૂપે વાહનદીઠ ર૦-૩૦ રૂપિયાના ઉઘરાણા કરી આ શખ્સો ખુલ્લેઆમ સરકારના પ્રતિબંધ અને હુકમનો ભંગ કરી વર્ષોથી ગેરકાયદે પ્રવૃત્તિ ચલાવી રહ્યા છે, અને વર્ષે દા'ડે લાખો-કરોડોની કમાણી કરે છે.

આ ગેરકાયદેસર રીતે રસ્તો કાઢીને વાહનોને અવરજવર કરવા દેવી, તેમની પાસેથી ઉઘરાણા કરવાની પ્રવૃત્તિ વર્ષોથી ચાલતી હોવા છતાં આજદિન સુધી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા સામે કોઈ કરતા કોઈ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવી નથી... અથવા ચોક્કસ પ્રકારના વહીવટ અને ગોઠવણના કારણે કરવામાં આવતી નથી.

આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ઉપર પ્રતિબંધ લાદવાની જેમને સત્તા છે તેવા જિલ્લા કલેક્ટર, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા દર બે-ચાર મહિને માત્ર દેખાવ પૂરતું જાહેરનામું બહાર પાડી દ્યે છે. આવા જાહેરનામા પ્રસિદ્ધ કરવાનો સીલસીલો પણ વર્ષોથી ચાલ્યો આવે છે, પણ સંબંધિત સત્તાએ ક્યારેય પ્રતિબંધનો ભંગ કરનારા સામે, ગેરકાયદે ઉઘરાણા કરનારા સામે પગલાં લીધા નથી તે કડવી અને નરી વાસ્તવિક્તા છે.

સૌથી આશ્ચર્ય પમાડે તેવી બાબત આ જાહેરનામાની એ છે કે તેમાં વળી મુદ્ત જણાવાય છે. છેલ્લા જાહેરનામામાં આ પ્રતિબંધ તા. રપ-૭-ર૦ર૪ સુધી અમલમાં રહેશે તેમ દર્શાવાયું છે. તો શું... રપ/૭ પછી ગેરકાયદે પ્રવૃત્તિ/ઉઘરાણા કરવાની છૂટ!

આવા જાહેરનામા હાસ્યાસ્પદ અને ટીકાપાત્ર બની રહ્યા છે. ખાસ કરીને જિલ્લા કલેક્ટર જેવા સર્વ સત્તાધિશના હુકમનો છડેચોક ભંગ થતો હોય ત્યારે જિલ્લાના સર્વોચ્ચ અધિકારી પદની ગરિમા પણ ઝાંખી પડે છે.

જિલ્લા કલેક્ટરો, અધિક જિલ્લા કલેક્ટરો બદલાતા રહે છે, અને જાહેરનામાની ઓફિસમાં રહેલી કોપીમાં માત્ર તારીખ બદલાવી પ્રસિદ્ધ કરી દેવાની જાણે પ્રણાલી પ્રસ્થાપિત થઈ ગઈ છે! પણ કોઈ અધિકારીએ સ્થળ ઉપર જઈને બન્ને ટોલનાકા ઉપર બિન્દાસપણે થતી ગેરકાયદે પ્રવૃત્તિને અટકાવવા કાયમી કડક કાર્યવાહી કરી નથી!

શા માટે ત્યાં ર૪ કલાક ટોલનાકાની બન્ને તરફ કડક પોલીસ બંદોબસ્ત મૂકાતો નથી? સ્ટાફની તંગી છે બહાનું વ્યાજબી નથી! શા માટે ગેરકાયદેસરના રસ્તાઓને પાકા બાંધકામ-પાળી/રેલીંગ કરીને સીલ કરવામાં આવતા નથી? તેના કરતા વિશેષ મુદ્દો તો સૌથી ગંભીર છે કે આવા ઉઘરાણા કોણ કરે છે? તેમની શા માટે ધરપકડ થતી નથી? જિલ્લા કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓ મહિનામાં બે-ચાર વખત તો આ માર્ગ ઉપરથી પસાર થતા જ હશે... તો કેમ તેમની નજરે આ પ્રવૃત્તિ દેખાતી નથી?

આ અંગે જાણવા મળતી વિગતો ખૂબ જ ચોંકાવનારી છે. ઉઘરાણા કરનારાઓને સત્તાધારી પક્ષના રાજકીય નેતાઓનું પીઠબળ છે. એટલું જ નહીં, પ્રતિબંધ, સરકારી હુકમનો સરેઆમ ભંગ કરનારા શખ્સો સંબંધિત તંત્રમાં ચોક્કસ અધિકારીઓને મસમોટી રકમનો પ્રસાદ નિયમિતરીતે ધરે છે... અર્થાત્ ભ્રષ્ટાચારના દૂષણના કારણે ગોરખધંધા કરનારાઓની તિજોરી કરોડો રૂપિયાથી ભરાઈ રહી છે! ભ્રષ્ટ ઉચ્ચ અધિકારીઓના ગજવા છલકાઈ રહ્યા છે! અને પરિણામે ટોલનાકા એજન્સી અને અંતે સરકારને મોટી આર્થિક નુક્સાની ભોગવવી પડી રહી છે. ટોલનાકા એજન્સીને તેના નિર્ધારિત સમયગાળામાં આવકનો ટાર્ગેટ પૂરો નહીં થવાથી આમ ગેરકાયદે પ્રવૃત્તિના કારણે પ્રામાણિક-નિર્દોષ વાહનચાલકોને વધારે મહિના/વર્ષો સુધી ટોલ ટેક્સ ભરવો પડી રહ્યો છે!

જિલ્લા કલેક્ટરે અંગત રસ લઈ બેડ અને સોયલ ટોલનાકા પાસેથી બાયપાસ માટે ગોઠવણ કરનારા સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવાની જરૂર છે. આ આસપાસના છીંડા કાયમી રીતે બંધ કરવાની ફૂલપ્રૂફ વ્યવસ્થા કરવાની જરૂર છે. બાકી વાહનચાલકોને પણ હુકમનો અમલ કરવા તાકીદ કરો તે કેટલું વ્યાજબી છે.

માત્ર જાહેરનામા બહાર પાડ્યે રાખવાથી આવી પ્રવૃત્તિઓ અટકવાની નથી, નથી ને નથી જ. અમલવારીમાં મોટું મીંડુ હોય ત્યાં ભ્રષ્ટાચારીઓ અને ગોરખધંધા કરનારાઓને મોકળું મેદાન મળે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh