Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગેમઝોન, શો-રૂમ, થિયેટરો, શાળા-કોલેજો, મોલ, રેસ્ટોરન્ટ, ધર્મ સ્થળો, ફૂડમાર્કેટ મેળાવડાઓ સહિત
ગાંધીનગર તા. ર૯: લોકોના જીવ જોખમમાં મૂકીને અને નિયમોને નેવે મૂકીને ટૂંકા સ્વાર્થ માટે ગેરકાયદે કોમર્શિયલ પ્રવૃત્તિઓ કરતા લેભાગુઓના ગળા ફરતે હવે કડક કાયદાનો ગાળિયો કસાયો છે, અને રાજ્ય સરકાર હાઈકોર્ટની ઝાટકણી પછી એક્શન મોડમાં આવી ગઈ છે, અને વધુ લોકો એકઠા થતા હોય તેવા તમામ સ્થળે ફાયરસેફ્ટી સહિતની તમામ તપાસ કરીને જરૂર પડ્યે અત્યંત કડક પગલાં લેવાના આદેશો છૂટ્યા છે.
રાજકોટના ગેમઝોનમાં બનેલી આગની ગોઝારી ઘટનામાં ર૮ થી ૩૦ નિર્દોષ લોકોનો ભોગ લેવાયા પછી હાઈકોર્ટની આકરી ટિપ્પણીને પગલે રાજ્ય સરકાર કોઈપણ બાંધછોડ કરવા માંગતી નથી. સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે અને હવે નિયમોનો ભંગ કરનાર સામે આકરા પગલાં ભરવાના નિર્દેશો જારી થયા છે.
કોમર્શિયલ બિલ્ડીંગો, હોસ્પિટલો, જીમ, સ્કૂલ, કોલેજો, ફૂડ કોર્ટ, રેસ્ટોરન્ટ, હોટલો તેમજ જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય તેવા સ્થળે ફાયર સેફ્ટીની ચકાસણી, આગજની કે અન્ય કોઈ ઘટના બને તો બહાર નીકળવા માટેના ઉપલબ્ધ વિકલ્પો છે કે નહિં તેની પણ તપાસના આદેશો આપવામાં આવ્યા છે.
ગુજરાતમાં કોઈ મોટી દુર્ઘટના બને ત્યારપછી થોડા દિવસ માટે સરકારી તંત્ર એલર્ટ થઈ જાય છે અને જાતજાતના આદેશ છૂટવા લાગે છે. તાજેતરમાં રાજકોટમાં ગેમ ઝોનની ઘટના પછી હવે દરેક જગ્યાએ ફાયર એનઓસીનો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકારે કલેક્ટરોને આદેશ આપ્યો છે કે તમામ ધાર્મિક સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ અને મનોરંજનની પ્રવૃત્તિ થતી હોય ત્યાં ફાયર એનઓસીની ચકાસણી કરવામાં આવે તથા જ્યાં પરવાનગી લેવામાં આવી ન હોય ત્યાં ગુનો નોંધવામાં આવે.
રાજ્ય સરકારની આ કામગીરી કેટલા સમય સુધી ચાલશે તે નક્કી નથી, પરંતુ અત્યારે સરકારી તંત્ર સક્રિય થયું હોય તેવો દાવો કરે છે. આજે રાજ્ય સરકારે તમામ જિલ્લા કલેક્ટરોને આદેશ કર્યો છે કે જેની પાસે ફાયર એનઓસી ના હોય તેની સામે ગુનો નોંધવામાં આવે. કલેક્ટરોએ જિલ્લા પોલીસ વડાને સૂચના આપી દીધી છે. તેમાં ગુના નોંધવા માટે સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ સૂચના અનુસાર રાજ્યમાં રાજકોટની ઘટનાનું પુનરાર્વતન ન થાય તેની તકેદારીના ભાગરૂપે કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યમાં તમામ શહેરોના મંદિર, મસ્જિદ, સ્કૂલ, કોલેજ, મોલ, થિયેટર, ફૂડ માર્કેટ, વસતિ ગીચતા ધરાવતા માર્કેટ, ગેમ ઝોન સહિતના તમામ સ્થળો કે જ્યાં મોટી સંખ્યામાં પ્રજા એકઠી થાય છે એ તમામ સ્થળોની ચકાસણી કરવા માટે જણાવવામાં આવ્યું છે.
આ આદેશમાં જણાવ્યું છે કે, દરેક જગ્યાએ સ્થાનિક મામલતદાર-નાયબ મામલતદાર અને પોલીસ સંયુક્ત રીતે ચકાસણી કરવા જશે. જે તે એકમમાં ફાયર એનઓસી છે કે નહીં તેની ચકાસણી કરશે. કોઈ એકમ પાસે ફાયર એનઓસી નહીં હોય તો એકમ સામે તાત્કાલિક ગુનો નોંધવા માટેની કાર્યવાહી કરવામાં આવશે. અલગ અલગ જિલ્લાઓમાં અત્યારે સ્કૂલોમાં પણ ફાયર સેફ્ટી અને ફાયર એનઓસી અંગે ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં ગઈકાલે ૧પ૦ સ્કૂલોમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું.
અમદાવાદ શહેર અને ગ્રામ્યની મળીને કુલ ૧૬૦૦ થી વધુ સ્કૂલોમાં કચેરીની ૩૦ થી વધુ ટીમ દ્વારા ચેકીંગ કરવામાં આવશે.
અમદાવાદમાં ડીઈઓ કચેરીના અધિકારીએ અને કર્મચારીઓ દ્વારા ૧૦૦ સ્કૂલોમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. હાલમાં ર૦ ટીમો દ્વારા ચેકીંગની કામગીરી થઈ રહી છે. જે શાળાઓની ફાયર એનઓસીની મુદ્ત એક મહિનામાં પૂરી કરવાની હોય તેમને ફાયર એનઓસી રિન્યુ કરવા માટે જણાવાયું છે. કેટલીક જગ્યાએ ફાયર સેફ્ટીના સાધનો છે, પરંતુ તે બંધ હાલતમાં પડેલા છે અથવા તેનો ક્યારેય ઉપયોગ જ નથી થયો. આ ઉપરાંત આ સાધનો વસાવ્યા પછી તેને કેવી રીતે ચલાવવા તેની તાલીમ પણ જરૂરી બાબત છે. અમદાવાદ ગ્રામ્યની શાળાઓમાં હાલમાં ચેકીંગ ચાલુ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial