Advertisement
Author: નોબત સમાચાર

કાશ્મીરના ગાંદરવલમાં થયેલા આતંકી હુમલામાં મૃતાંક વધીને સાતનો થયોઃ લોહીની હોળી ખેલાઈ

ટનલ ખોદતા મજૂરોને નિશાન બનાવ્યાઃ ટીઆરએફ આતંકી સંગઠને લીધી જવાબદારી

 શ્રીનગર તા. ર૧: કાશ્મીરના ગાંદરબલમાં એક ટનલ ખોદી રહેલા શ્રમિકો પર કાયરતાપૂર્ણ આતંકી હુમલો થતા મૃતકોની સંખ્યા વધીને સાતની થઈ ગઈ, અને દિવાળી ટાણે હોળી ખેલાતા ભયનો માહોલ છે.

કાશ્મીરના ગાંદરવલ જિલ્લામાં ગઈ મધરાતે ત્રાસવાદીઓએ ટનલ ખોદતા મજૂરોને નિશાન પર લઈને હુમલો કર્યો હતો.

અહેવાલો મુજબ આતંકવાદીઓએ ઘાટીના વિકાસને પ્રોત્સાહન આપી રહેલા કામદારોને નિશાન બનાવીને મોટી કાયરતા દર્શાવી છે. કાશ્મીરમાં કલમ ૩૭૦ હટાવ્યા પછી કેન્દ્રશાસિત પ્રદેશમાં તાજેતરમાં જ ઓમર અબદુલ્લાની નવી સરકાર બની છે. ત્યારપછી આ પહેલી વાર છે જ્યારે આતંકવાદીઓ દ્વારા કોઈ વિકાસ પ્રોજેક્ટને નિશાન બનાવવામાં આવ્યો હોય, જે ટનલ માટે આ કામદારો કામ કરી રહ્યા હતાં તે ભારત સરકારના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ પૈકી એક છે.

ગુપ્તચર અને સુરક્ષા એજન્સીના જણાવ્યા અનુસાર કાશ્મીરમાં નવી સરકાર બન્યા પછી આ સૌથી મોટો આંતકવાદી હુમલામાં મુખ્ય રીતે ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ અથવા ટીઆરએફનું નામ સામે આવી રહ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ ફરી એકવાર નિઃશસ્ત્ર મજૂરોને નિશાન બનાવ્યા છે. ગાંદરબલના સોનમર્ગમાં ટનલ પ્રોજેક્ટમાં કામ કરતા કામદારો પર આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો, જેમાં એક ડોક્ટર સહિત ૭ કામદારોએ જીવ ગુમાવ્યા હોવાના અહેવાલો પછી ભયનો માહોલ ફેલાયો છે.

ઉલ્લેખનિય છે કે, આ વર્ષે થયેલા તમામ મોટા આતંકવાદી હુમલા જમ્મુમાં થયા છે. આ વર્ષે કાશ્મીરમાં આટલો મોટો આતંકવાદી હુમલો પહેલીવાર થયો છે. આ પહેલીવાર છે જ્યારે આતંકવાદીઓએ વિકાસ પ્રોજેક્ટને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો છે. આ પહેલીવાર છે જ્યારે સ્થાનિક અને બિનસ્થાનિક બન્નેને નિશાન બનાવવામાં આવ્યા છે. આતંકવાદી સંગઠનો હવે વિકાસ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા લોકોનું મનોબળ તોડવા માટે ખતરનાક વ્યૂહરચના અપનાવી રહ્યા છે. ગાંદરબલમાં જે સુરંગની નજીક આ આતંકવાદી હુમલો થયો હતો તે એક ઓલપ્રવેધર રોડ છે. આ ઓલપ્રવેધર રોડ બનાવવાનું કામ છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહ્યું છે. આ રસ્તો સીધો ગાંદરબલથી સોનમર્ગ અને ત્યાંથી લેહને જોડે છે.

જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં આતંકવાદીઓના કાયરતાપૂર્ણ હુમલામાં ૭ લોકોએ જીવ ગુમાવ્યા. મૃતકોમાં એક સ્થાનિક ડોક્ટર અને સુરંગ પર કામ કરતા ૬ કર્મચારીઓનો સમાવેશ થાય છે. મૃત્યુ પામેલાઓમાં પાંચ બિન-સ્થાનિક હતાં, જેમાં ર અધિકારી વર્ગના અને ૩ મજૂર વર્ગના હતાં.

મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા પછી રાજ્યપાલ મનોજ સિંહાએ નાગરિકો પરના આ ધૃણાસ્પદ આતંકવાદી હુમલાની આકરી નિંદા કરી છે. સિંહાએ 'એક્સ' પર એક પોસ્ટમાં કહ્યું, હું લોકોને ખાતરી આપું છું કે આ ધૃણાસ્પદ કૃત્ય પાછળના લોકોને બક્ષવામાં આવશે નહીં. અમે જમ્મુ અને કાશ્મીર પોલીસ, આર્મી અને સુરક્ષા દળોને સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે. જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટના પ્રમુખ મહેબુબા મુફ્તીએ પણ હુમલાની નિંદા કરી હતી. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે પણ ઘટનાને વખોડી છે.

આ હુમલામાં પાંચ કામદારો ગંભીર રીતે ઘાયલ થયા છે. જેમને સારવાર માટે શ્રીનગરના શેર-એ-કાશ્મીર ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં મોકલવામાં આવ્યા છે. આ હુમલો ગાંદરબલ જિલ્લાના સોનમર્ગમાં થયો હતો. હુમલા પછી સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીર પોલીસ સાથે મળીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

હુમલાને અંજામ આપનાર આતંકવાદીઓની શોધ કરવામાં આવી રહી છે. આતંકવાદી હુમલામાં ૬ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતાં અને એકનું હોસ્પિટલમાં જતા રસ્તામાં મોત થયું હતું. મળતી માહિતી મુજબ આતંકવાદી હુમલો રાત્રે લગભગ ૮-૩૦ વાગ્યે થયો હતો. આ સમયે તમામ કર્મચારીઓ ભોજન લેવા માટે મેસમાં એકઠા થયા હતાં.

પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે જે કામદારો પર હુમલો કરવામાં આવ્યો હતો તે ઝેડ મોરહ ટનલ પર કામ કરતી બાંધકામ ટીમનો ભાગ હતો. જે મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લાની ગગનગીર ખીણને સોનમર્ગ સાથે જોડે છે. આ ટનલનું કામ ઉત્તરપ્રદેશની એપીસીઓ નામની કન્સ્ટ્રક્શન કપંની કરી રહી છે. વાસ્તવમાં આ ટનલને ર૦રપ સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, તેથી અહીં કામ પૂરજોશમાં ચાલી રહ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh