Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાત ડ્રગ્સનું ગ્રોથ એન્જિનઃ હવે અંકલેશ્વરથી ઝડપાયું રપ૦ કરોડનું ૪ર૭ કિલો ડ્રગ્સ

આ પહેલા એક ફેક્ટરીમાંથી જ અંકલેશ્વરમાં પાંચ હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું હતું:

અમદાવાદ તા. ર૧: ગુજરાતના દરિયા કિનારેથી અવારનવાર ડ્રગ્સ ઝડપાયા પછી હવે ફેક્ટરીમાંથી ડ્રગ્સ પકડાતું થયું છે. અઠવાડિયા પહેલા જ અંકલેશ્વરની એક ફેક્ટરીમાંથી પાંચ હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું, ત્યારે ફરી એકવાર અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી કંપનીમાંથી ૪ર૭ કિલો ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત રપ૦ કરોડ હોવાનું અનુમાન છે.

ગુજરાતમાં ડ્રગ્સનો કાળો કારોબાર યથાવત્ રહ્યો છે. જેમાં ભરૂચ જિલ્લામાં ફરી એકવાર ડ્રગ્સ ઝડપાયું છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા અવસર એન્ટરપ્રાઈઝ નામની કંપનીમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. સુરત અને ભરૂચ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં રપ૦ કરોડના ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે.

ગુજરાતના દરિયા કિનારેથી અવારનવાર ડ્રગ્સ ઝડપાયા પછી હવે ફેક્ટરીઓમાંથી ડ્રગ્સ પકડાતું થયું છે. અઠવાડિયા પહેલા જ અંકલેશ્વરની એક ફેક્ટરીમાંથી પાંચ હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું. ત્યારે ફરી એકવાર અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી આ કંપનીમાંથી ૪ર૭ કિલો ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત રપ૦ કરોડ હોવાનું અનુમાન છે. આટલો મોટો ડ્રગ્સ ઝડપાતા પોલીસ બેડામાં હાહકાર મચી ગયો છે.

પોલીસે કંપની સંચાલક સહિત બે લોકોની ધરપકડ કરી લીધી છે. પોલીસે આ ડ્રગ્સનો જથ્થો તપાસ અર્થે એફએસએલમાં મોકલી આપ્યો છે. પોલીસ હાલ ઊંડી તપાસ કરી રહી છે. પૂછપરછ દરમિયાન મોટા રેકેટનો પર્દાફશ થઈ શકે છે. આ ડ્રગ્સ કેવી રીતે અહીં આવ્યું, કોને પહોંચાડવાનું હતું જેવા વગેરે પ્રશ્નોના જવાબ મળી જશે.

જો કે, અઠવાડિયામાં જ આટલી મોટી માત્રામાં બીજીવાર ડ્રગ્સ ઝડપાતા લોકોના મોંઢે ચર્ચાઈ રહ્યું છે. ગુજરાતમાં પોલીસ, એનસીબી, ડીઆરઆઈ સહિત અન્ય કેન્દ્રિય સંસ્થાઓ સરહદી સીમા ઉપરાંત દરિયામાં રાઉન્ડ-ધ-ક્લોક સર્વેલન્સ, સીસી ટીવી કેમેરા સહિત લેટેસ્ટ ટેકનોલોજીથી દેખરેખ રાખી રહી છે તેમ છતાં ગુજરાતમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઠલવાઈ રહ્યું છે. હવે આટલી મોટી માત્રામાં ડ્રગ્સ પકડાતું હોય તો પાછલા બારણે ડ્રગ્સનો કાળો કારોબાર કેટલો મોટો હશે, જે ચિંતાનો વિષય છે.

આજે ગુજરાત ડ્રગ્સનું-પ્રવેશદ્વાર જ નહીં, પણ ગ્રોથ એન્જિન બન્યું છે જે પોલીસ માટે પણ પકડારરૂપ છે.

રવિવારે (૧૩ ઓક્ટોબર) ભરૂચના અંકલેશ્વરમાં આવકાર ડ્રગ્સ પ્રા. લિમિટેડ કંપનીમાં સર્ચ દરમિયાન પોલીસને પ૧૮ કિલોગ્રામ કોકેઈન મળી આવ્યું હતું. જેની કિંમત પ,૦૦૦ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ખાનગી કંપનીમાંથી કોકેઈન મળી આવ્યું હતું. અગાઉ ૧ ઓક્ટોબરે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે મહિપાલપુરમાં તુષાર ગોયલ નામના વ્યક્તિના વેરહાઉસ પર દરોડો પાડ્યો હતો અને પ૬ર કિલોગ્રામ કોકેઈન અને ૪૦ કિલોગ્રામ હાઈડ્રોપોનિક ગાંજાના કન્સાઈમેન્ટને જપ્ત કર્યો હતો.

તપાસ દરમિયાન ૧૦ ઓક્ટોબરે દિલ્હીના રમેશનગરમાં એક દુકાનમાંથી લગભગ ર૦૮ કિલોગ્રામ વધારાનું કોકેઈન મળી આવ્યું હતું. રાજ્યમાંથી હજારો કિલો ડ્રગ્સ પકડાઈ રહ્યું છે, ત્યારે ભાજપ સરકાર વાહવાહી લૂંટે છે, પરંતુ પાછલા બારણે કેટલું ડ્રગ્સ વેંચાતું હશે તે જનતાને મુંઝવતો સવાલ છે.

આજે ગુંજરાત જાણે નશાખોરીનું એપી સેન્ટર બની રહ્યું હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી અમલમાં છે ત્યારે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં ૯૩,૬૯૧ કિલો ડ્રગ્સ, રરર૯ લીટર પ્રવાહી ડ્રગ્સ તથા ૭૩,૧૬૩ ડ્રગ્સ પીલ્સ-ઈન્જેક્શન પકડાયા છે. આમ, ગુજરાત ડ્રગ્સ તસ્કરીનું સિલ્ક રૂટ બની રહ્યું છે, તેથી સરકાર સામે પણ અનેક પ્રકારના સવાલો ઊઠી રહ્યા છે.

ડ્રગ્સની બદીને નાથવા માટે પૂરતો પોલીસ ફોર્સ પણ નથી. કેન્દ્ર સરકારના અહેવાલ અનુસાર દેશના પ્રતિલાખ જનસંખ્યા પ્રમાણે ૧૯૬ પોલીસ જવાન હોવા જોઈએ. અત્યારે ગુજરાતમાં પ્રતિલાખ માત્ર ૧૧૭ પોલીસ જવાન છે જે રાષ્ટ્રીય સરરાશ કરતા પણ ઓછી સંખ્યા છે.

ગુજરાતમાં ડ્રગ્સ બદીને નાથવામાં ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે. મોંઘવારી, બેરોજગારી ઉપરાંત અન્ય કારણોસર સગીર વયના બાળકો, મહિલાઓને ડ્રગ્સની તસ્કરી માટે ડ્રગ્સ માફિયાઓ ઉપયોગ કરી રહ્યા છે. રાષ્ટ્રીય સર્વે અનુસાર ગુજરાતમાં વર્ષ ર૦૧૮ ના આંકડા પ્રમાણે રાજ્યના ૧૭ લાખ ૩પ,૦૦૦ પુરુષો ડ્રગ્સના બંધાણી જ્યારે ૧ લાખ ૮પ મહિલાઓ ડ્રગ્સની બંધાણી છે. આ જ દર્શાવે છે કે ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર ફૂલ્યોફાલ્યો છે, તેવા વહેતા થયેલા અહેવાલોએ પણ રાજ્યવ્યાપી ચર્ચા જગાડી છે અને સરકાર પર તડાપીટ બોલી રહી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh