Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુર, ગીંગણીમાં ડૂબી જવાથી બે યુવાનના મૃત્યુઃ મશીનમાં સાડીનો છેડો આવતા મહિલાનું મોત

ભઠ્ઠીમાંથી પિત્તળનો ગરમાગરમ રસ ઉડતા દાઝેલા શ્રમિક પર કાળનો પંજોઃ

જામનગર તા. ૨૧: જામજોધપુરના ગીંગણી ગામમાં નદીમાં ન્હાવા પડેલા એક યુવાનનું ડૂબી જવાથી મૃત્યુ થયું છે. જ્યારે કપડા ધોવા ગયેલા અન્ય એક યુવાન પણ નદીમાં ડૂબ્યા છે. ઉપરાંત કાલાવડના નાની વાવડીમાં આકાશી વીજળીએ એક યુવાનનો ભોગ લીધો છે. ધ્રોલના લતીપરમાં હલર મશીનમાં સાડીનો છેડો આવી જતાં શ્રમિક મહિલા મોતને શરણ થયા છે. દોઢેક મહિના પહેલાં ભઠ્ઠીમાંથી પિત્તળનો ગરમાગરમ રસ ઉડતા શ્રમિક યુવાન દાઝ્યા પછી મૃત્યુ પામ્યા છે.

જામજોધપુર તાલુકાના ગીંગણી ગામમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ રાજસ્થાનના બાસવાડા જિલ્લાના બડોદિયા ગામના વતની રાજેશભાઈ ભેરાભાઈ ડોડીયાર નામના કોળી યુવાન શનિવારે સવારે ગીંગણી પાસે વહેતી વેણુ નદીમાં ન્હાવા માટે પડ્યા પછી નદીના વહેતા પાણીમાં તણાઈ ગયા હતા. આ યુવાનનું ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યું છે. મનોહરલાલ ભેરાભાઈ ડોડીયારે પોલીસને જાણ કરી છે.

કાલાવડ તાલુકાના નાની વાવડી ગામમાં રહેતા સંદીપ બધાભાઈ રાતડીયા (ઉ.વ.ર૪) નામના ભરવાડ યુવાન શનિવારે સાંજે પોતાના ઢોર બાંધવાના વાડે ભેંસને નિરણ નાખવા ગયા હતા ત્યારે તેમના પર આકાશી વીજળી ત્રાટકતા આ યુવાનનું મૃત્યુ થયું છે. પિતા બધાભાઈ ગોવિંદભાઈ રાતડીયાએ પોલીસને જાણ કરી છે.

જામજોધપુર શહેરમાં નવી કોર્ટની ઈમારત સામે ખોડિયાર મંદિર પાછળ આવેલા ચેકડેમમાં શનિવારે સાંજે મૂળ જુનાગઢના વતની કરણ જેરામભાઈ નિમાવત (ઉ.વ.૧૯) નામના યુવાન પગ લપસી જતાં પાણીમાં ખાબકી ગયા હતા. આ યુવાનનું પણ ડૂબી જવાથી મૃત્યુ થયું છે. પિતા જેરામભાઈ દામોદરભાઈ નિમાવતે પોલીસને જાણ કરી છે.

ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં દિનેશભાઈ પટેલ નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના વતની રાજાભાઈ ઈડાભાઈ દેવડાના પત્ની નિરૂબેન (ઉ.વ.રપ) શનિવારે બપોરે હલરમાં મગફળી નાખતા હતા ત્યારે તેણીએ પહેરેલો સાડીનો છેડો હલરમાં ફસાઈ જતાં આ મહિલા ખેંચાઈ ગયા હતા. હલર સાથે ટકરાઈ પડવાથી ગંભીર ઈજા પામેલા નીરૂબેનને સારવાર માટે ધ્રોલ દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તે મહિલાને મૃત્યુ પામેલા જાહેર કરતા રાજાભાઈએ પોલીસને જાણ કરી છે.

જામનગર નજીકના કનસુમરા પાસે આવેલા જીઆઈડીસીના પ્લોટ નં.૧ અને સર્વે નં.૮ર સ્થિત શ્રી ભવાની એક્સટ્રુઝન નામના કારખાનામાં મુકવામાં આવેલી ભઠ્ઠીમાં ગઈ તા.પ સપ્ટેમ્બરની સવારે કેટલાક શ્રમિકો કામ કરતા હતા ત્યારે ભઠ્ઠીમાં અચાનક ધડાકો થયો હતો અને તેમાંથી ઉટ્ઠળેલો પિત્તળનો ગરમા ગરમ રસ મૂળ મધ્યપ્રદેશના દમોહ જિલ્લાના વતની અને હાલમાં દરેડમાં રહી આ કારખાનામાં મજૂરીકામ કરતા નિલેશ કછેડીલાલ ડહાયત પર પડયો હતો. તેની સાથે અન્ય બે શ્રમિકો પણ દાઝી ગયા હતા. ત્રણેય વ્યક્તિને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા પછી ગઈકાલે નિલેશનું મૃત્યુ થયંુ છે. વિકાસ ક્રિષ્નાસિંગ યાદવે પોલીસને જાણ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh