Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ર૪ કલાકમાં ૧૭૩ જિલ્લાઓમાં વરસાદથી જનજીવન પ્રભાવિતઃ ર૩ જળાશયો હાઈ એલર્ટઃ ૧૬ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ
અમદાવાદ તા. ૬ઃ આગામી બે દિવસ ગુજરાત માટે ભારે ગણાવાઈ રહ્યા છે, અને જિલ્લાવાર અલગ-અલગ એલર્ટ અપાઈ રહ્યા છે. ગુજરાતમાં ફરી મેઘતાંડવની આગામી કરવામાં આવી છે. છેલ્લા ર૪ કલાકમાં ૧૭૩ જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. જનજીવન પ્રભાવિત થયું છે.
દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર યથાવત્ છે. છેલ્લા ર૪ કલાક દરમિયાન ડાંગ, નવસારી, તાપી જિલ્લામાં છ ઈંચ જેટલો વરસાદ અનેક ઠેકાણે ખાબક્યો છે. ડાંગ જિલ્લામાં ગુરુવારે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરતા સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળી હતી. આ સાથે ડાંગ જિલ્લામાં ચોમાસાનો વિધિવત્ પ્રારંભ થયો હતો. ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા, વધઈ, સુબીર, આહવા સહિત સરહદીય પંથકોમાં શુક્રવારે પણ ધીમા ધારે મેઘ મહેર યથાવત્ રહેતા અહીંનું સમગ્ર વાતાવરણ ચોમાસામય બન્યું હતું. ભરૃચમાં ર કલાકમાં ર ઈંચ વરસાદ પડ્યો હતો.
ડાંગ જિલ્લામાં સતત બીજા દિવસે પણ મેઘમહેર યથાવત્ રહેતા ડાંગી ખેડૂતો ડાંગર સહિત નાગલીના પાકોની રોપણીમાં હોંશે હોંશે જોતરાયા હતાં. જેમાં સતત બે દિવસથી ખાબકી રહેલા વરસાદી માહોલના પગલે ડાંગની અંબિકા, ગીરા, ખાપરી અને પૂર્ણા નદીમાં નવા નીરના પધરામણા થવાની સાથે બન્ને કાંઠે વહેતી જોવા મળી હતી. છેલ્લા બે-ત્રણ દિવસથી તાપી જિલ્લામાં સાથે તાલુકામાં હળવા-ભારે વરસાદનું આગમન થઈ રહ્યું છે. સારા વરસાદના પગલે તાપી જિલ્લામાં આકાશી ખેતી કરતા ખેડૂતો માટે જરૃરિયાતના તબક્કામાં વરસાદ પાકોની જીવન આપી દીધું હતું. છેલ્લા બે દિવસથી વ્યરા નગર અને પંથકમાં વરસાદ વરસી રહ્યો છે. વ્યારા નગરમાં ઠંડક પસરી ગઈ છે. શુક્રવારની સવારથી સાંજે ૬ કલાક સુધીમાં વ્યારામાં રર મી.મી., વાલોડમાં ર, મી.મી., સોનગઢમાં ૧૮ મી.મી., ઉચ્છલમાં ૧૭ મી.મી., ડોલવણમાં ૧૦ મી.મી., નિઝરમાં ર મી.મી., કુકરમુન્ડામાં ર મી.મી. વરસાદ નોંધાયો હતો.
સૌરાષ્ટ્રમાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. ભાવનગર શહેર અને પંથક સિવાય મોટાભાગના શહેરોમાં ઝરમર જ ચાલુ રહી હતી. ભાવનગરમાં એક ઈંચ પાણી વરસી જતાં ટાઢક પ્રસરી હતી, જ્યારે રાજકોટ શહેર અને જિલ્લામાં ફોરાં વરસ્યા હતાં. જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા પંથકમાં પણ વાદળિયો માહોલ રહ્યો હતો. જૂનાગઢ શહેરમાં હળવા છાંટા પડ્યા હતાં જ્યારે અમરેલી, પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લામાં મેઘાએ વિરામ રાખ્યો હતો. કચ્છના ભૂજમાં હળવા છાંટા સિવાય ક્યાંય વરસાદના વાવડ નથી.
નવસારી ઉપરાંત જિલ્લાના અન્ય તાલુકામાં ગુરુવારની રાત્રિએ ધીમી મધ્યમ ગતિએ વરસાદ પડ્યો હતો. આજે શુક્રવારે પણ ઝાપટા પડતા રહ્યા હતાં. નવસારીમાં શુક્રવારે દિવસે ધીમી ગતિના ઝાપટાં પડતા રહ્યા પછી સાંજે અચાનક જ ૧૦ મિનિટ જોરદાર ઝાપટું પડતા માર્ગો ઉપર પાણી વહેતા થયા હતાં. ગોલવાડ વિસ્તારમાં પાણી ભરાયા હતાં. નવસારી સિવાય અન્ય તાલુકામાં પણ નોંધનીય વરસાદ પડ્યો હતો. શુક્રવારે સાંજે પૂરા થતાં ર૪ કલાક દરમિયાન જિલ્લામાં વરસાદ તાલુકાવાર જોતા નવસારીમાં ૧૪ મી.મી., જલાલપુરમાં ૧ર મી.મી., ગણદેવીમાં ર૬ મી.મી., ચીખલીમાં ૩ર મી.મી., વાસદમાં પ૯ મી.મી. અને ખેરગામમાં ૩પ મી.મી. નોંધાયો હતો.
અહીં ઉલ્લેખનિય છે કે, ડાંગ અને વાંસદામાં ભારે વરસાદને પગલે જિલ્લામાંથી પસાર થતી અંબિકા અને કાવેરી નદીની સપાટીમાં વધારો થયો હતો. વરસાદની ગતિ ઘટતા શુક્રવારે બન્ને નદીની સપાટીમાં ઘટાડો થયો હતો. છેલ્લા બે દિવસથી પુનઃવરસાદ શરૃ થતાં ઘણી જગ્યાએ ડાંગરની રોપણી પણ શરૃ થઈ છે.
બંગાળની ખાડીના પશ્ચિમ કાંઠે લો-પ્રેશર સક્રિય થશે, જેની અસરોથી ર૭ થી ૩૦ જુલાઈ દરમિયાન અમદાવાદ સહિત રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય થશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. એટલું જ નહીં, લો-પ્રેશરની સિસ્ટમ પશ્ચિમ તરફ ગતિ કરતા ર૭ જુલાઈથી લઈને ૧૦ ઓગસ્ટ સુધી રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદ પડશે. હવામાન વિભાગે આગામી તા. ર૯ મી સુધીમાં રાજ્યમાં છૂટાછવાયા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને હાલમાં દક્ષિણ ગુજરાતના આકાશમાં અરબી સમુદ્રને અડીને આવેલા વિસ્તારમાં એક હવાનું ચક્રવાત સર્જાયું છે, જ્યારે બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ આવતીકાલે વિકસિત થવાની શક્યતા છે.
બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં આગામી તા. ર૭ થી ર૯ જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે અને હવામાન વિભાગ દ્વારા પણ આ દિવસોમાં અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જેના પગલે તંત્ર સાબદુ બની ગયું છે.
રાજકોટમાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એક્શન મોડમાં આવી ગયું હતું. ભારે વરસાદને કારણે થતાં નુક્સાનને અટકાવવા માટે અને રેસ્ક્યુ ઓપરેશનમાં કોઈ કચાશ ન રહે તે માટે તંત્ર દ્વારા તમામ અધિકારીઓની રજા રદ કરી દેવામાં આવી છે. એટલું જ નહીં, પણ એનડીઆરએફની એક ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. રાજકોટ તંત્રએ એમ પણ જણાવ્યું છે કે, જો જરૃર પડશે તો નીચાણવાળા વિસ્તારોને ખાલી કરી દેવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial