Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી ધામીએ કહ્યું કે તમામ ૪૧ શ્રમિકો સ્વસ્થ છેઃ આજે ઋષિકેશ એઈમ્સમાં શિફટીંગઃ ખુશીનો માહોલઃ
નવી દિલ્હી તા. ર૯ઃ ઉત્તરકાશીની ટનલમાંથી હેમખેમ બહાર લવાયેલા તમામ ૪૧ શ્રમિકો સંપૂર્ણ સ્વસ્થ છે, તેવી માહિતી સી.એમ. ધામીએ આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શ્રમિકો સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. આ દરમિયાન શ્રમિકોએ પોતાની આપવીતી વર્ણવી સકુશળ બહાર લાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાને પણ બચાવ-રાહતની કામગીરી કરનાર સૌ કોઈને બીરદાવી શ્રમિકોની હિંમતને વખાણી હતી.
ઉત્તરકાશીના સિલ્કયારા ટનલમાંથી બહાર કાઢવામાં આવેલા તમામ ૪૧ મજૂરો સ્વસ્થ છે. તેમને ચિન્યાલીસૌરના સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં ડોકટર અને તબીબી નિષ્ણાતોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતાં. અહીં તેમણે આખી રાત આરામ કર્યો હતો હવે તેઓને ઋષિકેશ એઈમ્સમાં શિફટ કરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળે છે.
આ મજૂરોએ મોડી રાત્રે અને સવારે સામાન્ય આહાર આપવામાં આવ્યો હતો. તેના માનસિક સ્વાસ્થ્ય માટે તેનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે. ઉત્તરકાશીના સીએમઓ આરસીએસ પવારે અને સવારે કહ્યું કે તમામ મજૂરો સ્વસ્થ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે મોડી રાત્રે ટનલમાંથી બહાર કાઢવામાં આવેલા કામદારો સાથે ફોન પર વાત કરી હતી. પીએમ મોદીએ સૌથી પહેલા નવ યુવા એન્જિનિયર કંપની લિમિટેડના શબા અહેમદ સાથે વાત કરી. પીએમએ કહ્યું કે ૧૭ દિવસ બહુ કહેવાય. તમે લોકોએ ખૂબ હિંમત બતાવી. એકબીજાની હિંમત અને ધીરજ જાળવી રાખી. હું સતત માહિતી લેતો રહ્યો. સીએમ પુષ્કર સિંહ ધામીના સંપર્કમાં હતા શબાએ જવાબ આખ્યો કે, અમને કયારેય સમજાયું નહીં કે અમે નબળા પડી રહ્યા છીએ. કયારેય નર્વસ થયા હોય એવું લાગ્યું નથી. બધા મજૂરો જુદા જુદા રાજ્યોના હતા, પરંતુ અમે ભાઈઓની જેમ રહેતા હતાં. જમવાનું આવતું ત્યારે બધા એકસાથે જમતા
પીએમ મોદીએ કહ્યું કે મેેે, સાંભળ્યું છે કે તમે લોકો પણ ટનલમાં યોગ કરતા હતાં તો શબા એ કહ્યું કે, અમે સવારે યોગ કરતા હતા. ખાવા-પીવા સિવાય ત્યાં કશુ કરવાનું નહોતું. તેથી અમે મોર્નિંગ વોક અને યોગા કરતા હતાં, જેથી અમારું સ્વાસ્થ્ય જળવાઈ રહે.
આ જ રીતે મોદીએ અન્ય શ્રમિકો સાથે પણ વિસ્તૃત પ્રશ્નોતરી કરીને તેઓની આપવીતી સાંભળી હતી.
વડાપ્રધાને આપી સાંત્વના
વડાપ્રધાને શ્રમિકો સાથે ફોન પર વાતચીત કરી સ્વાસ્થ્યની જાણકારી લીધી અને તેમને પ્રોત્સાહન આપ્યું. તેના પહેલા પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે વાત કરી શ્રમિકોને ટનલમાંથી કાઢ્યા બાદ તેમના માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓ માટે જાણકારી લીધી.
પ્રધાનમંત્રીએ મુખ્યમંત્રી પાસેથી જાણ્યું કે ટનલમાંથી કાઢયા બાદ શ્રમિકોના સ્વાસ્થ્ય દેખરેખ, ઘર સુધી મુકવા અને પરિવારના લોકો માટે શું વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રીને જણાવ્યું કે બધા શ્રમિકોને ટનલમાંથી નિકળ્યા બાદ સીધા ચિન્યાલીસોડ સ્થિત હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. જયાં તેમની જરૃરી સ્વાસ્થ્ય તપાસ કરવામાં આવશે. સાથે જ શ્રમિકોના પરિવારોને પણ હાલ ચિન્યાલીસોડ લઈ જવામાં આવ્યા છે જયાં તેમની સુવિધા અનુસાર રાજ્ય સરકાર તેમને ઘરે મુકવા આવવાની સંપૂર્ણ વ્યવસ્થા કરશે.
મુખ્યમંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રીના સારા માર્ગદર્શનના કારણે આ રેસ્કયૂ અભિયાન સફળતાપૂર્વક સફળ થઈ શકયું છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારની તમામ એજન્સિઓ અને રાજ્ય સરકારના સમન્વયથી અમે ૪૧ શ્રમિકોના સકુશળ બહાર આવવા અને રેસ્કયૂ ઓપરેશનની સફળતાને બધાને ભાવુક કરનાર ક્ષણ જણાવતા આ બચાવ અભિયાન સાથે જોડાયેલા લોકોની હિમ્મતને સલામ કર્યું છે. પ્રધાનમંત્રી મોદીએ રેસ્કયૂ ટીમના વખાણ કરતા કહ્યું કે તેમની બહાદુરી અને સંકલ્પ શક્તિએ આપણા શ્રમિક ભાઈઓનું નવું જીવન આપ્યું છે. આ મિશનમાં સામેલ બધાએ માનવતા અને ટીમ વર્કની એક અદ્દભુત મિસાલ કાયમ કરી છે.
પ્રધાનમંત્રીએ એકસ પર પોસ્ટ કરી કહ્યું. ઉત્તરકાશીમાં આપણા શ્રમિક ભાઈઓને રેસ્કયૂ ઓપરેશનની સફળતા દરેકને ભાવુક કરી દે તેવી છે. ટનલમાં જે સાથી ફસાયા હતા તેમને હું કહેવા માંગું છું કે તમારૃ સાહસ અને ધૈર્ય બધાને પ્રેરિત કરનાર છે.
ઓપરેશન જિંદગી સફળ
અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સિલ્કયારા ટનલમાં ફસાયેલા ૪૧ મજુરોને ૧૭ દિવસ બાદ મંગળવારે બચાવી લેવામાં આવ્યા હતાં. આ શ્રિમકો ૧ર નવેમ્બરે ટનલનો એક ભાગ ધરાશાયી થતાં ફસાયા હતાં. ત્યારથી તેમને બચાવવા માટે રેકસ્યુ ઓપરેશન ચાલી રહ્યું હતું. આમાં ઘણી એજન્સીઓ સામેલ હતી. આ ઓપરેશનને 'ઓપરેશન જિંદગી' નામ અપાયું હતું. જે સફળ રહ્યું હતું.
મુખ્યમંત્રીની પ્રેસ કોન્ફરન્સ
આ અંગે વિગતવાર માહિતી આપતા પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સી.એમ. પુષ્કરસિંહ ધામીએ કહ્યું હતું કે, યુવાન મજૂરને પહેલા સુરંગમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. આ પછી બાકીના શ્રમિકોને એક પછી એક બહાર કાઢવામાં આવ્યા. બચાવ કામગીરી દરમિયાન સતત સહયોગ અને પ્રેરણા આપવા બદલ તેમણે પીએમ નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. મુખ્યમંત્રીએ જાહેરાત કરી કે તમામ ૪૧ મજૂરોને ૧ લાખ રૃપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. સીએમ ધામીએ કહ્યું કે, મંદિરના મુખ પર આવેલા બોખનાગ મંદિરનું પુનઃનિર્માણ કરવામાં આવશે અને પહાડી રાજયમાં નિર્માણાધીન ટનલની સમીક્ષા કરવામાં આવશે. ધામીએ કહ્યું કે, કેન્દ્ર સરકારે નિર્માણાધીન ટનલનું સેફટી ઓડિટ કરાવવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું હતું કે, બચાવ કામગીરીમાં ઉપયોગમાં લેવાતા અમેરિકન ઓગર મશીનને અનેક અવરોધોનો સામનો કરવો પડ્યો હતો.
સીએમ પુષ્કર ધામીએ છેલ્લું ૧૦-૧ર મીટર ખોદકામ કરનારા રેટ માઈનર્સનો આભાર માન્યો હતો. મેન્યુઅલ ખોદકામ કરતા ખાણિયાઓએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી એમ તેમણે જણાવ્યું હતું, શ્રમિકોને બહાર આવવા માટે સૌથી ટૂંકા માર્ગ વિશે આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોની સલાહ લેવામાં આવી હતી.
એનડીઆરએફના પ્રતિભાવો
શ્રમિકોના સફળ સ્થળાંતર પર એનડીઆરએફના સુરેશકુમાર દરાલે કહ્યું "અમારા અધિકારીઓ હંમેશાં આવા પડકારોનો સામનો કરવા માટે તૈયાર છે. આ આપણા દેશના ઈતિહાસમાં સૌથી મોટું ઓપરેશન હતું."
એનડીઆરએફના કર્મચારી ડો. શૈલેષકુમાર ચૌધરીએ કહ્યું "શ્રમિકોને સફળતા૫ૂર્વક બહાર કાઢવા માટે હું દરેકને અભિનંદન આપવા માંગુ છું. જ્યારે પણ હું મારો જન્મદિવસ ઉજવીશ ત્યારે મને આ દૃશય અને બચાવ કામગીરી યાદ રહેશે." ઉલ્લેખની છે કે, ચૌધરીનો જન્મદિવસ ર૮-નવેમ્બરે હતો.
એનડીઆરએફના અન્ય એક કર્મચારી સચિન કહે છે કે, "અમે અંદર ફસાયેલા તમામ શ્રમિકોને બહાર કાઢવા અંદર ગયા પછી અમે તેમનું મનોબળ વધારવાનો પ્રયાસ કર્યો." એનડીઆરએફ ઉપરાંત સુરંગમાંથી બચાવી લેવામાં આવેલા કામદારોમાંથી એક વિશાલના પરિવારજનોએ પણ ઉજવણી કરી હતી. આ પહેલા ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી અને કેન્દ્રીય ગૃહ રાજયમંત્રી જનરલ (નિવૃત્ત) વીકે સિંહ કાર્યકરોનું સ્વાગત કરવા સ્થળ પર પહોંચ્યા હતાં. કાર્યકર્તાઓ બહાર આવવા લાગ્યા કે તરત જ સીએમ ધામીએ તેમને હાર પહેરાવીને અને શાલ ઓઢાડીને તેમનું સ્વાગત કર્યુ. આટલું જ નહીં, તેણે કાર્યકરોને ગળે લગાવ્યા.
કેક કાપીને ઉજવણી
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ટનલમાં ફસાયેલા તમામ શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આ માટે છેલ્લા ૧૭ દિવસથી બચાવ કામગીરી ચાલી રહી હતી. ઓપરેશનની સફળતા બાદ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) એ કેક કાપીને ઉજવણી કરી હતી. ઉત્તરકાશી ટનલમાંથી તમામ શ્રમિકોને સફળતાપૂર્વક બહાર કાઢવા પર એનડીઆરએફના ડીઆઈજી મોહસીન શાહિદીએ કહ્યું "ફસાયેલા ૪૧ શ્રમિકોને બચાવવા એ પોતાનામાં એક પડકાર હતો. અંતિમ તબક્કામાં તે એનડીઆરએફ અને એસડીઆરએફનું સંયુક્ત ઓપરેશન હતું. ઘણી એજન્સીઓ આમાં સામેલ હતી.
દિલધડક ઓપરેશન થયું સફળઃ
ટનલ એક્સિડન્ટ અને રેસ્ક્યુ દેશ માટે બનશે કેસ સ્ટડી
નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટના કાર્યકારી નિર્દેશક રાજેન્દ્ર રતનુંએ કહ્યું હતું કે, ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલ એક્સિડેન્ટ પર દેશ માટે કેસ સ્ટડી તૈયાર કરાશે. ભવિષ્યમાં ટનલ નિર્માણ વખતે આપણે કઈ કઈ સાવચેતીઓ રાખવી? કેવી રીતે ખામીઓ દૂર કરવી? તેના પર એનઆઈડીએમ દ્વારા સંપૂર્ણ ચેપ્ટર તૈયાર કરાશે. છઠ્ઠા વૈશ્વિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ સંમેલનમાં ભાગ લેવા પહોંચેલા રાજેન્દ્ર રતનુએ કહ્યું કે દેશમાં જ્યાં પણ ટનલનું નિર્માણ કરાશે અમે પ્રયાસ કરીશું કે નિર્માણકાર્ય કરતી એજન્સી અને વિભાગ સાથે પહેલાથી જ તૈયાર મોડ્યુલ વિશે વાત કરી આગળ વધવામાં આવશે. તેમણે કહ્યું કે હિમાલય ક્ષેત્રમાં માર્ગો અને ટનલના નિર્માણમાં આ સ્ટડી મહત્ત્વપૂર્ણ સાબિત થશે. આ દિલધડક રેસ્ક્યુ ઓપરેશને પણ ઘણું શિખવ્યું છે. તેમણે કહ્યું કે હિમાલયમાં આવેલા તમામ રાજ્યોનું ભૂગોળ અન્ય રાજ્યોની તુલનાએ અલગ છે. એટલા માટે હિમાલયના રાજ્યો તરફથી એવું સૂચન હતું કે ઉત્તરાખંડમાં એક આ પ્રકારનું રાષ્ટ્રીય સંસ્થાન શરૃ થાય જ્યાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ સંબંધિત રિસર્ચ, ટ્રેનિંગ અને તેની સાથે સંકળાયેલા મહત્ત્વપૂર્ણ કાર્ય થઈ શકે. ર૦રર થી કેન્દ્ર સરકાર સમક્ષ આ પ્રસ્તાવ લંબિત છે. સીએમ ધામીએ આ પ્રસ્તાવને આગળ વધારવાની વાત કહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial