Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કુદરતી આફતોમાં રાજ્યના ૮૯ લાખ ખેડૂતને ૧૦,૭૪૦ કરોડની સહાય ચૂકવાઈઃ
ગાંધીનગર તા. ર૯ઃ કમોસમી વરસાદથી રાજ્યમાં થયેલા પાક નુક્સાનીનો સર્વે થઈ ગયો છે, અને એસડીઆરએફના ધોરણો મુજબ ખેડૂતોને સહાય ચૂકવાશે, તેવી જાહેરાત કરતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે દાવો કર્યો હતો કે, છેલ્લા ૯ વર્ષમાં રાજ્ય સરકારે કુદરતી આપત્તિઓમાં ખેડૂતોને રૃા. ૧૦,૭૦૦ કરોડની સહાય ચૂકવી છે.
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર રાજ્યમાં તા. ર૬ તથા ર૭ મી નવેમ્બરના ૧ મી.મી.થી લઈને ૧પ૧ મી.મી. કમોસમી વરસાદ વરસ્યો છે.હવામાન ખાતા દ્વારા જારી થયેલી વરસાદની સચોટ આગાહીના પગલે ખેતીવાડી ખાતા દ્વારા અગાઉથી જ ખેડૂતોને ખેતરમાં કાપણી કરીને પડેલા પાક તથા માર્કેટીંગ યાર્ડોને જણસીઓના જતન તથા પલળે નહીં તેવી વ્યવસ્થા કરવા સૂચના અપાઈ હતી. જેના કારણે મોટાભાગના પાકની નુક્સાની બચાવી શક્યા છીએ.
પટેલે કહ્યું હતું કે, રાજ્યમાં ખરીફ પાકોનું આશરે ૮૬ લાખ હેક્ટરમાં વાવેતર થયેલું હતું. જેમાં કપાસ, એરંડા, તુવેર મુખ્યત્વે છે, જો કે મોટભાગના પાકની કાપણી પૂર્ણ થઈ ગઈ છે. હજુ રાજ્યમાં ૧૦ થી ૧પ લાખ હેક્ટરમાં કપાસનો પાક ઊભો હોવાનો અંદાજ છે. જેમાં મુખ્ય ફાલ વીણાઈ ગયો છે, જ્યારે છેલ્લો થોડો ફાલ વીણવાનો બાકી છે. કુલ મળીને અંદાજે ર૦ થી રપ લાખ હેક્ટરમાં કપાસ, એરંડા, તુવેરના પાકનું વાવેતર થયેલું હતું, જો કે પાકની મુખ્ય કાપણ, વીણવાનું કામ પૂર્ણ થઈ ગયું હોવાથી માવઠાની નુક્સાનીની શક્યતા ઓછી છે. આમ છતાં રાજ્યમાં ત્રણથી ચાર લાખ હેક્ટરમાં કપાસ, દિવેલા, તુવેરના ઊભા પાકને અસર થયાનો પ્રાથમિક અંદાજ છે.
રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણ ચોખ્ખું થવા લાગ્યું છે. કમોસમી વરસાદી વાદળાઓ દૂર થવા લાગ્યા છે. કૃષિ ખાતા દ્વારા ખેતીવાડી વિભાગના અધિકારીઓને આજથી જ જિલ્લાવાર પાકની નુકસાનીનો સર્વે કરવા તથા આ કામગીરી વહેલાસર પૂર્ણ કરવા સૂચના આપી છે. પાકમાં નુક્સાનીનો અહેવાલ આવ્યા પછી રાજ્ય સરકાર દ્વારા એસડીઆરએફના ધોરણો મુજબ ખેડૂતોને માવઠાની આપદામાં સહાય ચૂકવાશે તેમ જણાવી તેમણે ઉમેર્યું કે, છેલ્લા ૯ વર્ષમાં રાજ્ય સરકારે અતિવૃષ્ટિ, માવઠા કે કુદરતી આપત્તિઓમાં ખેતી પાકને થયેલા નુક્સાન સામે રાજ્યના ૮૯ લાખ ખેડૂત લાભાર્થીઓને એસડીઆરએફના નિયમો પ્રમાણે રૃા. ૭૭૭૭.૮ કરોડ ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી રૃા. ર૯૬૬.૯ કરોડ આમ કુલ રૃા. ૧૦,૭૪૦ કરોડની સહાય ચૂકવી છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, રાજ્યમાં રવિ સિઝનમાં ૪પ લાખ હેક્ટરમાં વાવેતર થાય છે. અત્યાર સુધીમાં ૧પ થી ૧૬ લાખ હેક્ટરમાં વાવેતર નોંધાયું છે. જેમાં ઘઉં, ચણા, શેરડી, ધાણા, જીરૃ, વરિયાળી, શાકભાજી સહિતના પાક હજુ ઉગતી અવસ્થામાં છે. આથી બે દિવસના માવઠામાં તેમાં નુક્સાનીની શક્યતા નહિંવત છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ વાઈબ્રન્ટ ગુજરાત સંદર્ભે વિદેશ પ્રવાસે છે. તેઓ ખેડૂતો માટે સતત ચિંતિત છે અને જાપાનથી ફોન કરીને મુખ્યમંત્રીએ માવઠાથી થયેલ નુક્સાનીની વિગતો જાણી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial