Advertisement
Author: નોબત સમાચાર

ઉત્તરકાશીની ટનલ કેમ ધસી પડી? દુર્ઘટનાનું જવાબદાર કોણ? કેન્દ્રની લાપરવાહી કે કાંઈ બીજુ?

વર્ષ ર૦૧૮ થી ૪.પ૩૧ કિ.મી. લાંબી ટુ-લેન ટનલ કરોડોના ખર્ચે નિર્માણાધિન છે

નવી દિલ્હી તા. ર૯ઃ વર્ષ ર૦૧૮ થી જેનું કામ શરૃ થયું હતું, તે યમુનોત્રી-ગંગોત્રી તીર્થયાત્રાને સાંકળી અને ઉત્તરાખંડ રાજ્યની ઉત્તરકાશીની સિલ્કયારા ટનલ આજે ચર્ચાનું કેન્દ્ર બની છે. આ ટનલ નિર્માણાધિન છે અને કામ ચાલી રહ્યું હતું ત્યારે ટનલનો કેટલોક હિસ્સો ધસી પડતા આ ટનલમાં ફસાયેલ ૪૧ શ્રમિકોને સપોર્ટ કરીને જીવતા રાખ્યા અને ૧૭ દિવસે બહાર લવાયા, તે આખો ઘટનાક્રમ આપણે જાણીએ જ છીએ, અને તેનો યશ લેવાના પ્રયાસો કરી રહેલા મહાનુભાવો તથા આ અદ્ભુત સફળતા માટે જીવના જોખમે રાતદિવસ કામ કરનારા તમામ પાયાના પથ્થરોને બીરદાવીએ, અંતે તો આ ટીમવર્ક જ હતું ને?

શ્રમિકો સ્વસ્થ રહ્યા અને બચી ગયા, તેથી ખુશીની વાત છે અને તમામ દેશવાસીઓ તથા વિશ્વભરમાં ફેલાયેલા ભારતીયો તેને બીરદાવી રહ્યા છે.

અહેવાલો મુજબ આ ટનલ આ પહેલા છેક વર્ષ ૧૯૬૦ માં બનવાની હતી અને કામ પણ શરૃ થયું હતું, પરંતુ કોઈ કારણે અધુરી રહી ગઈ હતી, જો કે આ અંગે કોઈ આધારભૂત હિસ્ટ્રી મળતી નથી, પરંતુ આ પ્રકારનો પ્રયાસ થયો હતો, તેનું ઘણાં વયોવૃદ્ધ લોકો સમર્થન કરી રહ્યા હોવાની ચર્ચા પણ થઈ રહી છે.

આ કામગીરી વર્ષ ર૦૧૮ મા શરૃ થઈ હતી અને એકંદરે ૧૩૮૩ કરોડના મેગા પ્રોજેક્ટ અંતર્ગત આ ટનલ માટે રૃા. ૮પ૩ કરોડના કરારો થયા હોવાનું અને ૪.પ૩૧ કિલોમીટરની આ ટનલ માટે રૃા. ૮પ૩ કરોડનો કોઈ કરાર થયો હોવાનું પણ બહાર આવી રહ્યું છે.

આ દ્વિમાર્ગિય ટનલ કેન્દ્ર સરકારના પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય હેઠળ નેશનલ હાઈવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ. દ્વારા બની રહી હતી. જેનું કામ વર્ષ ર૦રર માં પૂરૃ કરવાનું લક્ષ્ય હતું, પરંતુ વિવિધ કારણે આ પિરિયડ લંબાયો હતો.

હિમ-સ્ખલનથી પ્રભાવિત રહેતા ધારા સુ-બડકોટ-યમુનોત્રી રોડની રપ કિલોમીટરની સફર માત્ર ૪.પ૩૧ કિલોમીટરમાં સંપન્ન થઈ શકે, તેવો આ પ્રોજેક્ટ અત્યારે તો એક વખત ફરીથી ટલ્લે ચડી રહેલો જણાય છે. હવે આ પ્રોજેક્ટ નવા લક્ષ્ય મુજબ ૧૪ મી મે ર૦ર૪ પહેલા પૂરો થશે, તેમ જણાતું નથી, જોકે આ માટે જો પોલિટિકલ વીલની સાથે પોલિટિકલ ગણત્રીઓનું સંયોજન થાય, તો કદાચ આ ટનલ નિર્ધારીત સમયે બની જાય, તો પણ પ્રવાસીઓ માટે આ માર્ગ કદાચ વિશ્વસનિય નહીં રહે તેવી આશંકાઓ પણ વ્યક્ત થવા લાગી છે.

મીડિયા અહેવાલો મુજબ આ ટનલના કામકાજ અંગે અદાણી ગ્રુપનું નામ સોશ્યલ મીડિયા માધ્યમથી ઉછળતા અદાણી ગ્રુપે એવી ચોખવટ કરી હોવાનું કહેવાય છે કે, અદાણી ગ્રુપની કોઈપણ કંપની કે આ ગ્રુપ સાથે સંકળાયેલી કોઈપણ કંપનીને કોઈપણ રીતે આ ટનલના કામ સાથે કોઈ સંબંધ નથી, જો કે શંકા વ્યક્ત કરતા પરિબળોની આશંકાઓ તથા દલીલોને લઈને નવી જ ચર્ચા જાગી ગઈ છે અને એવું કહેવાઈ રહ્યું છે કે, 'આગ લાગી હોય તો જ ધૂમાડો દેખાય ને?'

એ જે હોય તે ખરૃ, પરંતુ આ ટનલ દુર્ઘટનાગ્રસ્ત ક્યા કારણોસર થઈ? ક્યા કારણોસર સંખ્યાબંધ જિંદગીઓ જોખમમાં મૂકાઈ? કરોડોના ખર્ચે રેસ્ક્યુ ઓપરેશન કરવું પડ્યું અને શ્રમિકોને ૧૭ દિવસ સુધી મુશ્કેલી વેઠવી પડી તેનું જવાબદાર કોણ? વગેરે પ્રશ્નોના જવાબ શોધવા કોઈ પ્રયાસો થશે ખરા? કે પછી આ સફળ ઓપરેશનની વાહવાહીની આડમાં બધું દબાઈ જશે?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh