Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દલા તરવાડી જેવો ઘાટઃ "લઉં બે-ચાર...લઈ લે દસ-બાર..." લૂંટો...ભાઈ...લૂંટો...
જામનગર તા. ર૬: જામનગર મહાનગરપાલિકાના શાસકો દ્વારા પક્ષના અને મામકાંઓને કમાવી દેવા બિન્દાસપણે નાણાકીય ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. દલા તરવાડીની વાડીની વાર્તા જેમ "લઉં બે ચાર... લઈ લેને ભાઈ દસબાર..." જેવો ઘાટ આપણી મહાનગરપાલિકામાં ખૂલ્લેઆમ થઈ રહ્યો છે. પ્રજાના ટેક્સના નાણાથી થતી આવક અને સરકારી ગ્રાન્ટો, નાણાના બેફામ ભ્રષ્ટાચાર સાથેના વ્યવહાર થઈ રહ્યાં છે. પરિણામે વિકાસ કામો, મનપાના સફાઈ, લાઈટ, રસ્તાની મરામત જેવા કામો, મેળાવડાઓ પાછળ મોટાપાયે ખર્ચ કરવામાં આવે છે, અને તેમાં કલ્પના પણ ન કરી હોય તેવા ઊંચા ભાવના બીલો ચૂકવાય છે. કામો હલકી ગુણવત્તાના થાય, ટેન્ડરની શરતોનું પાલન ન થાય, અને લાખો રૂપિયાના બિલના ચૂકવણાં થઈ જાય તેવી જડબેસલાક વ્યવસ્થા શાસકોએ પ્રસ્થાપિત કરી દીધી છે, અને પક્ષના જ કેટલાક વગદાર કોર્પોરેટરો અને હોદ્દેદારો નાણા ઉલેચી રહ્યાં છે...!
જામનગર શહેરના રસ્તાઓ રીકાર્પેટ કરવા, થીગડા મારવા, પેચવર્ક કરવું, ચીરોડા પુરવા જેવા કામો માટે વારંવાર લાખો રૂપિયાના કામ સ્થાયી સમિતિમાં મંજૂર થાય છે. આ કામો કયાં, ક્યારે, કેવા થયા છે તેની કોઈએ દરકાર કરી નથી, અને શહેરમાં ખાડાવાળા, ચારે તરફ ચીરોડાવાળા રસ્તાની વાસ્તવિક પરિસ્થિતિ શું છે, તે તમામ નગરજનો જાણે છે.
તાજેતરમાં જ મનપા તંત્રમાં કેવો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. તેના બે મોટા કિસ્સા ચર્ચામાં આવ્યા છે.
પ્રદર્શન ગ્રાઉન્ડમાં લોકમેળાના આયોજનમાં મનપાને સવા કરોડથી વધુ આવક થઈ તેવી પ્રસિદ્ધિ કરનાર તંત્ર ખર્ચના આંકડા સત્તાવાર જાહેર કરતું નથી. બે ચાર મહિના પછી ગૂપચૂપ રીતે લાખો રૂપિયાના ખર્ચ મંજૂર થઈ જાય...
પણ આ વખતેના લોકમેળામાં ટેન્ટ અને સ્ટેજ ઊભા કરવાના રૂ. ૩૪ લાખ મંજૂર કર્યાનું સ્થાયી સમિતિમાં જાહેર થતા અનેક સવાલો ઉઠવા પામ્યા છે. લોકમેળામાં કેવા અને કેટલાક ટેન્ટ ઊભા થયા હતાં. તે સૌ કોઈ જાણે છે. મેળામાં કાર્યક્રમ માટેનું સ્ટેજ પણ કેવું હતું તે સૌએ જોયું છે. આ પ્રકારના તદ્દન સામાન્ય ગણી શકાય તેવા માંચડાના રૂ. ૩૪ લાખનો ખર્ચ મંજૂર કરનારા શાસકોની સંડોવણી અંગે શંકા જાગે તે સ્વાભાવિક છે. ટેન્ટ-સ્ટેજના ખર્ચ તો ઠીક બાકી મેળાના અન્ય ખર્ચાઓની વિગતોમાં પણ ગળે ન ઉતરે તેવા ભારેખમ બિલો રજૂ થયા છે, અને દર વરસની જેમ ધડાધડ મંજૂર પણ થાય છે.
બીજો કિસ્સો તો વધુ ચોંકાવનારો છે. મ્યુનિ. ટાઉનહોલના બીજી વખતના નવીનીકરણના કામમાં ખૂદ તંત્રએ જાહેર કર્યુ હતું કે, રૂ. ૪ કરોડના ખર્ચે રીનોવેશન થશે. હવે જ્યારે ટાઉનહોલ ખૂલ્લો મૂકાયો ત્યારે ત્યાં ભાજપની સ્ટાઈલ મુજબ બીજી વખત રીનોવેશન થયું હોવા છતાં તકતી મૂકવામાં આવી અને હટાવી લેવાની ફરજ પડી છે...!
એક જ વિકાસ કામનું સૌપ્રથમ લોકાર્પણ અને ઉદ્ઘાટન થયા પછી તેમાં નાના-મોટા ફેરફાર કે રીપેરીંગ થયા ત્યારે-ત્યારે નવેસરથી તેના લોકાર્પણ થાય, તકતીઓ મૂકાય... તે પ્રણાલી નવાઈ પમાડે તેવી છે.
વરસો અગાઉ ઈન્દિરા રોડના ત્રણ-ચાર કે વધુ વખત લોકાર્પણ થયા હતાં...!
મ્યુનિ.ટાઉનહોલના રીનોવેશનમાં થયેલા ખર્ચાની વિગતો મનપાએ વિસ્તૃત રીતે જાહેર કરવી જોઈએ... જેથી બાંધકામ, કલરકામ, ખુરશીઓ, લાઈટ, સાઉન્ડ સિસ્ટમ એમ અલગ-અલગ કેટેગરીમાં કેટલો ખર્ચ થયો તેની લોકોને ખબર પડે...! પણ આપણા નિંભર શાસકો શું ખર્ચનો હિસાબ પ્રજા સમક્ષ મૂકશે...? વિરોધપક્ષ લગભગ દરેક બાબતોમાં ક્યાંકને ક્યાંક સંડોવાયેલ હોય, તેમ ગમે તેવું કૌભાંડ હોય, શાસકોની જેમ આંખે પાટા અને મોંઢે તાળા મારીને બેસી રહે છે.!
જામનગર મહાનગરપાલિકામાં પ્રજાની તિજોરીમાંથી નાણાના બેફામ "વેડફાટ" જેવા ભ્રષ્ટાચાર અંગે ઉચ્ચસ્તરીય તપાસ કરી કડકમાં કડક પગલાં લેવા જોઈએ તેવી ઉગ્ર માંગણી પ્રજામાં ઉઠવા પામી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial