Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેન્દ્ર સરકારે આઠમા પગારપંચની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા, તો આ જાહેરાત દિલ્હીની ચૂંટણી ટાણે જ થઈ હોવાથી તેને લક્ષ્યમાં લઈને કેટલીક ટીકા-ટિપ્પણીઓ પણ થઈ રહી છે જો કે, આ જાહેરાત દેશ વ્યાપી હોવાથી આદર્શ આચાર સંહિતાનો ભંગ તો થતો નથી, પરંતુ દેશની રાજધાનીમાં કેન્દ્રીય કર્મચારીઓની મોટી સંખ્યા હોવાથી આ જાહેરાતનો ફાયદો કેન્દ્રીય સત્તાધારી ગઠબંધનને રાજકીય રીતે થાય, તે ઓપન સિક્રેટ ગણાય. આ જાહેરાતને કર્મચારી-પેન્શનરોના વર્તુળોમાં આવકાર મળી રહ્યો હોવા છતાં તેનો સીધો પ્રભાવ આગામી ચૂંટણીઓના મતદારો પર કેટલો પડે છે, તે કહી શકાય તેમ નથી.
દેશની રાજધાની સહિત દેશમાં ઠંડી યથાવત છે અને મકરસંક્રાંતિ પછી ગુજરાતમાં પણ કેટલાક શહેરોમાં દસ ડિગ્રીથી નીચે તાપમાન રહ્યું અને ઠંડાગાર પવનો ફૂંકાયા, જેની જનજીવન પર અસર પડી છે, ત્યારે હુતાશણી સુધીમાં ઠંડી ઘટશે અને ગરમીના દિવસો શરૂ થશે, તેવી આગાહીઓ પણ થવા લાગી છે.
હાલારમાં પણ હાડ થીજવતી ઠંડી પછી હવે ધીમે-ધીમે રાહત થતી જણાય છે, આવી કડકડતી ઠંડીમાં પણ યાત્રાધામો અને પ્રવાસન સ્થળોમાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટયા હતાં, હવે લગ્નગાળો શરૂ થતાં ગામડાઓ તથા શહેરોમાં અલગ જ પ્રકારનો ખુશહાલ માહોલ સર્જાઈ રહ્યો છે.
આટલા ઠંડીના માહોલ વચ્ચે પણ કેટલાક મુદ્દે ગરમા ગરમ જનાક્રોશ પણ દેશના વિવિધ રાજ્યોમાં જોવા મળી રહ્યો છે, જેમાં રાજનીતિની ગરમા ગરમી સિવાયના કેટલાક વિષયો પણ ચર્ચાઈ રહ્યા છે, અને ધગધગતા નિવેદનો પણ થઈ રહ્યા છે.
કેન્દ્રીય બજેટ રજૂ થાય, તેમાં લોકોને રાહતરૂપ જોગવાઈઓ થાય અને પ્રામાણિક ટેક્સ પેયરને પ્રોત્સાહન મળે, તેવા આશાવાદ વચ્ચે કેન્દ્ર સરકારે આઠમા પગારપંચની જાહેરાત તો કરી દીધી છે, પરંતુ તેની અમલવારી કરવામાં વર્ષાે નીકળી જશે, અને આ જ મુદ્દો આગામી ચૂંટણીઓમાં ફળદાયી બની શકે, તેવી રીતે આઠમા પગાર પંચનો વાસ્તવિક ફાયદો વર્ષ ર૦ર૭-ર૮ના વર્ષ સુધીમાં જ અપાશે, તેવો વ્યંગ પણ થઈ જ રહ્યો છે ને ?
સૌથી વધુ ચર્ચા તો નવા સૂચિત (પ્રસ્તાવિત) કાયદા 'બુલા'ને લઈને થઈ રહી છે, 'બુલા' બેનીંગ ઓફ અન રેગ્યુલાઈઝડ લેન્ડીંગ એક્ટિવિટીઝ એક્ટનું શોર્ટફોર્મ છે. બુલાના કાયદાનો પ્રસ્તાવ મૂકીને સરકારે સૂચનો માંગ્યા છે, પરંતુ તેના સંદર્ભે અપાઈ રહેલા પ્રચંડ આક્રોશ અને આશંકાઓ દર્શાવતા પ્રતિભાવો અને પ્રત્યાઘાતો નગરથી નેશન સુધી પડી રહ્યા છે.
આ કાયદા હેઠળ અનિયમિત નાણાકીય લેવડ-દેવડ પર અંકુશ મુકવાનો પ્રસ્તાવ છે જેમાં યોગ્ય અને કાનૂની પ્રક્રિયા વિના થતી નાણાકીય લેવડ-દેવડની પ્રવૃત્તિ કરનારને સજા કરવા સહિતની કેટલીક જોગવાઈનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે અને એકંદરે મિશ્ર પ્રતિભાવો સામે આવી રહ્યા છે.
આ મુદ્દે રાજકીય વર્તુળોમાંથી પણ મિશ્ર પ્રત્યાઘાતો પડી રહ્યા છે. કોંગ્રેસની વિચારસરણી ધરાવતા ઉદ્યોગ-વ્યાપાર ક્ષેત્રના પ્રત્યાઘાતો મુજબ આ પ્રકારની જોગવાઈઓ ફાયદાને બદલે લોકોને નુકસાન વધુ કરશે, અને દેશની અર્થવ્યવસ્થાને અસ્ત વ્યસ્ત કરી નાંખશે, પોલીસતંત્રને અમર્યાદ સત્તાઓ આપ્યા પછી પણ આ કાયદાનો દુરૂપયોગ થશે અને રોજીંદા વ્યવહારો જાળવવા પરસ્પર વિશ્વાસથી નાણા ઉછીના લેવા પર પણ અંકુશ આવશે, તો નાના, સુક્ષ્મ, મધ્યમ ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો અને રિટેઈલ વ્યાપારીઓ-પરચૂરણ વ્યવસાય કરીને ગુજરાન ચલાવતા નાના વેપારીઓને પણ ઘણી જ મુશ્કેલી પડશે, આથી એમએસએમઈનું ગળું જ ઘોંટાઈ જશે, તેવા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. કોંગ્રેસ ઉપરાંત અન્ય વિપક્ષો પણ આ સૂચિત અધિનિયમનો વિરોધ કરી રહેલા જણાય છે.
જામનગર સહિત રાજ્યની ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ જેવી વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્રની સંસ્થાઓ, વેપારી મંડળો, ઔદ્યોગિક સંગઠનો તથા આ ક્ષેત્રના તજજ્ઞો-અગ્રણીઓએ પણ તીખા-તમતમતા પ્રતિભાવો આપ્યા છે.
એકંદરે એવા પ્રતિભાવો છે કે આ સૂચિત કાયદાનો ઉદ્દેશ્ય વ્યાજંકવાદ અને કાળાનાણાની હેરાફેરી પર અંકુશ લાવવાનો હોય તો પણ પહેલાં આપણી પારંપારિક વ્યાપાર ઉદ્યોગક્ષેત્રની વ્યવહારિક વ્યવસ્થાઓને એકદમ ખોરવી નાંખતા પહેલાં તેની વૈકલ્પિક અને સરળ-સસ્તી ધિરાણ વ્યવસ્થાઓ ઊભી કરવી અત્યંત જરૂરી છે, રોજીંદા વ્યવહારો માટે તત્કાળ નાની-મોટી રકમ ઉછીના આપવા કે લેવાનો કોઈ વિકલ્પ હાલમાં છે ખરો...? તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે.
ખાસ કરીને પોલીસતંત્રને જો અમર્યાદ સત્તાઓ અપાય તો તે અલગ જ પ્રકારની સમસ્યાઓ ઉભી કરશે, અને લોકોના બંધારણે બક્ષેલા મૂળભૂત હક્કોનું ઉલ્લંઘન થશે, તેવી આશંકાઓ પણ વ્યક્ત થઈ રહી છે.
વ્યાજખોરો ઊંચા દરે વ્યાજે નાણાંની ધીરધાર કરતા હોય અને તેને જો પ્રવર્તમાન કડક કાયદોઓ નાથી શકયા ન હોય, તો રોજીંદી જરૂરિયાતો મુજબ લાખ-બે લાખ રૂપિયા ઉચ્ચક ઉછીના લેનાર કે આપનાર સામે કાયદાનો દંડો ઉગામવો, એ સરાસર અન્યાય જ ગણાય, તેવા પ્રત્યાઘાતો વચ્ચે આ કાયદાનો પ્રસ્તાવ (મુસદ્દો) તૈયાર કરતા પહેલાં જાહેર જનતાના સૂચના ધ્યાને લેવા જોઈએ, અને વ્યાપારિક-ઔદ્યોગિક-વ્યવસાયિક સંસ્થાઓ, રિટેઈલરોના સંગઠનો, વેપારી એસોસિએશનો સહિત સૌ કોઈ સંબંધ કર્તાઓને વિશ્વાસમાં લેવા જોઈએ એ તેમ નથી લાગતું...?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial