Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧પઃ રૂપાલાના વિરોધમાં રતનપર (રાજકોટ) માં ક્ષત્રિય સમાજના તમામ ફિરકાઓનું મહાસંમેલન યોજાયું... લાખ-દોઢ લાખ જેવી જંગી જનમેદની-ક્ષત્રિયો, ક્ષત્રિય સમાજની બહેનો, યુવાનો ઉમટી પડ્યા... અને ઘણાં વરસો પછી ક્ષત્રિય સમાજની એક્તાના અને સંગઠનની તાકાતના દર્શન થયા.
રૂપાલાની ટિકિટ રદ્ કરવાની એકમાત્ર માંગણી સાથે યોજાયેલા મહાસંમેલનમાં વક્તાઓ-આગેવાનોએ રોષપૂર્ણ વિરોધ દર્શાવ્યો અને જુસ્સાપૂર્વક લડત ચાલુ રાખવાના આહ્વાનો થયા...
પણ... આ મહાસંમેલનમાં લડત-સંકલન સમિતિના આગેવાનો દ્વારા કોઈ ઠોસ લડત કે ચોક્કસ પરિણામલક્ષી કાર્યક્રમની જાહેરાત થઈ નહીં. ઉલ્ટાનું ઉમેદવારીપત્ર ભરાય જાય પછી ૧૯ મી તારીખ ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે ત્યાં સુધી અર્થાત્ ભાજપના મોવડી મંડળને રૂપાલાની ટિકિટ રદ્ કરવા ૧૯ મી એપ્રિલ સુધીનું અલ્ટીમેટમ આપ્યું...
આ ગતિવિધિમાં જ્યારે આટલી વિશાળ સંખ્યામાં ગામેગામ, દૂર દૂરથી ક્ષત્રિયો મહાસંમેલનમાં પહોંચ્યા... મહાસંમેલન પૂર્વે પણ ગુજરાતના દરેક ગામ, તાલુકા, જિલ્લામાં ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાના વિરોધમાં આવેદનપત્રો અપાયા, કાળા વાવટા ફરક્યા, સૂત્રોચ્ચાર થયા, ભાજપને પ્રવેશબંધીના બેનરો લાગ્યા જેવા અનેક વિરોધ પ્રદર્શન થયા અને થઈ રહ્યા છે. તેમ છતાં ભાજપના મોવડીમંડળ દ્વારા કોઈ પ્રતિક્રિયા આપી નહીં, કોઈ નેતાનું નિવેદન આવ્યું નહીં, પણ રૂપાલાની ટિકિટ નહીં જ કપાય તેવા સ્પષ્ટ સંકેતો સાથે આ સમયમાં અને આજે પણ રૂપાલાનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. તેઓ ઉમેદવારી પત્ર ભરવાના છે તે નક્કી હોવાનું ભાજપે દર્શાવી દીધું છે.
હવે જ્યારે ક્ષત્રિય સમાજે ૧૯ મી તારીખ સુધીની મુદ્ત આપી છે ત્યારે ક્ષત્રિય સમાજ ૧૯ મી તારીખ સુધીમાં રૂપાલા ઉમેદવારી પરત ન ખેંચે તો કેવી રીતે વિરોધ કરવો તે યક્ષપ્રશ્ન છે. અલબત તે માટે સંકલન સમિતિના આગેવાનોમાં ચર્ચા-વિચારણાની બેઠકો થનાર છે અને તેમાં ચોક્કસ રણનીતિ ઘડવામાં આવશે. જો મહાસંમેલનમાં જ આ રણનીતિ જાહેર કરી હોત તો વધુ અસરકારક પૂરવાર થઈ શકત...
ક્ષત્રિય સમાજના બહેનો રાજકોટમાં ૩૦૦-૪૦૦ ફોર્મ ભરશે? ગુજરાતમાં દરેક બેઠક ઉપર ક્ષત્રિય સમાજ પોતાનો ઉમેદવાર ઊભો રાખશે? મતદાનના દિવસ સુધી ભાજપ વિરૂદ્ધ પ્રચાર કરશે? ભાજપના ઉમેદવારને મત નહીં તો અન્ય ઉમેદવારને મત આપવાનો પ્રચાર કરશે? ભાજપ તરફી મતદાન ઓછું થાય તે માટે મતદાનના દિવસે શાંતિપૂર્વક રીતે મતદારોને સમજાવશે? અને આ તમામ રસ્તાઓ અપનાવ્યા પછી તેમાં કેટલીક સફળતા મળશે? ખાસ કરીને રૂપાલાને હરાવી શકાશે? જેવા અનેક પ્રશ્નો-વિકલ્પો સર્જાયા છે.
જ્યારે સામા પક્ષે ભાજપનું મોવડીમંડળ તો ક્ષત્રિય સમાજની કોઈ વાત-માંગણીને સ્વીકારવા તૈયાર નથી. મહાસંમેલનના અભૂતપૂર્વ એક્તા સાથેના શક્તિપ્રદર્શનને પણ નજરઅંદાજ કરવાના મૂડમાં હોય તેમ જણાય છે અને રૂપાલાને નહીં જ બદલવામાં આવે તેવા નિર્ણય સાથે અડગ છે. ભાજપના રાજકીય નિષ્ણાતોએ ક્ષત્રિય સમાજના મતોના કારણે ગુજરાતમાં કેટલી બેઠકો ઉપર કેવું અને કેટલું નુક્સાન થઈ શકે તેનો અભ્યાસ કર્યો હોવાથી રૂપાલાને નહીં બદલવાથી ભાજપને કોઈ મોટું નુક્સાન નહીં થાય તેવું તારણ કાઢ્યું હોવાનું સમજાય છે. જેમાં ગુજરાતની ર૬ બેઠકોમાં એક પણ બેઠક એવી નથી કે જ્યાં ક્ષત્રિય મતદારોની સંખ્યા ભાજપ વિરૂદ્ધ મતદાન કરે તો પણ ભાજપના ઉમેદવારને હરાવી શકે? લીડમાં ચોક્કસ તફાવત આવી શકે!
અત્યારે તો ભાજપ અને ક્ષત્રિય સમાજ વચ્ચેના આ ગજગ્રાહમાં ભાજપના ઉમેદવારોમાં પણ થોડાઘણાં અંશે ચિંતા ઊભી થઈ છે. ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિય આગેવાનો અને કાર્યકરો માટે પણ હવે પછીનો ખાસ કરીને પ્રચાર તથા મતદાનનો દિવસ કસોટીરૂપ બની રહેશે. જોઈએ ગુજરાતના રાજકારણમાં અને ખાસ કરીને ભાજપના સંગઠનમાં આ પ્રકરણ કેવો વળાંક લાવે છે! આ સાથે ક્ષત્રિય સમાજની આમ પ્રચંડ એક્તાની પણ કસોટી થઈ રહી છે!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial