Advertisement
Author: નોબત સમાચાર

ઈરાનના ૯૯% ડ્રોન અને મિસાઈલ્સ તોડી પાડીને હુમલો નિષ્ફળ બનાવ્યોઃ નેતન્યાહુ

ઈરાનનો ઈઝરાયલને ૮૩૬ કરોડનું નુકસાન પહોેંચાડ્યાનો દાવો

નવી દિલ્હી તા. ૧પઃ ઈરાન દ્વારા થયેલા હુમલાને નિષ્ફળ બનાવવાનો દાવો કરતા ઈઝરાયેલે વળતા પ્રહારના સંકેતો આપ્યા છે, જ્યારે ઈરાને ઈઝરાયેલને મોટું નુકસાન પહોંચ્યું હોવાનો દાવો કર્યો છે.

ભારતીય સમય મુજબ શનિવારે વહેલી સવારે ૩ વાગ્યે ઈરાને ઈઝરાયલ પર આશરે ૩૦૦ જેટલા ડ્રોન અને મિસાઈલથી અટેક કર્યો હતો. ઈઝરાયલે આ હુમલાની માહિતી આપતા જણાવ્યું હતું કે, અમેરિકાની સેનાએ કેટલાક ડ્રોન તોડી પાડ્યા હતાં. બીજી તરફ ઈઝરાયલના આર્યન ડોમે ઈરાને છોડેલી મિસાઈલને અટકાવી હતી.

આ હુમલામાં ઈઝરાયલના નેવાતિમ એરફોર્સ બેઝને થોડું નુક્સાન પહોંચ્યું છે. હુમલાને કારણે મચેલી ભાગદોડમાં ૧ર જણ ઘાયલ થયા છે, જેમાં ૭ વર્ષની એક બાળકી છે. ઈરાને કરેલા ડ્રોન-હુમલા પૈકી કેટલાક ડ્રોનને સિરિયા અને જોર્ડનમાં તોડી પાડવામાં આવ્યા હતાં.

હુમલાને રોકવામાં સફળતા મળી હોવાનો દાવો કરનાર ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુએ કહ્યું હતું કે આપણે ઈરાનના ડ્રોન-મિસાઈલના હુમલાને રોકી દીધો છે. આપણે સાથે મળીને જીતી જઈશું.

પહેલી એપ્રિલે ઈઝરાયલે સિરિયામાં આવેલી ઈરાનની એમ્બેસી પાસે એર-સ્ટ્રાઈક કરી હતી અને એમાં ઈરાનના ટોચના બે આર્મી કમાન્ડર્સ સહિત ૧૩ જણાના મૃત્યુ થયા હતાં. આ ઘટનાનો બદલો લેવા ઈરાને ઈઝરાયલ પર હુમલો કરવાની ધમકી આપી હતી. ઈરાનના હુમલાને કેવી રીતે નિષ્ફળ બનાવવામાં આવ્યો એ વિશે જાણકારી આપતા ઈઝરાયલી મિલિટરીના પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હગારીએ કહ્યું હતું કે, ૩૦૦ જેટલા ડ્રોન અને મિસાઈલના અટેક પૈકી ૯૯ ટકાને આંતરવામાં અમને સફળતા મળી હતી. આ એક વ્યૂહાત્મક સફળતા છે. ઈરાને પહેલા ૧૩૦ ડ્રોન, ૩૦ ક્રૂઝ મિસાઈલ અને ૧ર૦ બેલિસ્ટિક મિસાઈલ છોડી હતી. ઘણી બેલિસ્ટિક મિસાઈલ ઈઝરાયલ વિસ્તારમાં પ્રવેશી હતી જેથી એરબેઝને થોડું નુક્સાન થયું છે.

બીજી તરફ ઈઝરાયલ પર હુમલા પછી ઈરાનની સંસદમાં રવિવારે સવારે બેઠક બોલાવવામાં આવી હતી અને એમાં સાંસદોએ 'ડેથ ટુ ઈઝરાયલ, ડેથ ટુ અમેરિકા'ના નારા લગાવ્યા હતાં. સાંસદોએ સરકારને આ હુમલા બદલ ધન્યવાદ આપ્યા હતાં.

ઈરાને આ હુમલાને 'ઓપરેશન ટુ નેમિસ' નામ આપ્યું છે. ઈરાને કહ્યું હતું કે પહેલી એપ્રિલે કરવામાં આવેલા હુમલાનો આ જવાબ છે અને એની સાથે આ મામલાને ખતમ માનવામાં આવે. ઈરાને કહ્યું કે અમારા હુમલામાં ઈઝરાયલને આશરે ૮૩૬ કરોડ રૂપિયાનું નુક્સાન પહોંચ્યું છે. મોટાભાગની મિસાઈલોએ ઈઝરાયલની ડિફેન્સ સિસ્ટમને નુક્સાન પહોંચાયું છે.

બીજી તરફ યુ.એન.ના પ્રમુખે ઈઝરાયેલને બદલો લેવા માટે વળતો હુમલો નહીં કરવા ચેતવણી આપી છે. અમેરિકાએ પણ ઈઝરાયલને આ પ્રકારની ઉતાવળ નહીં કરવા સલાહ આપીને આ પ્રકારના વળતા હુમલા માટે સહયોગ પણ નનૈયો ભણ્યો છે.

અહેવાલો મુજબ ઈઝરાયલમાં અત્યારે ૧૮ હજાર અને ઈરાનમાં ૪ હજાર મળીને રર હજાર જેટલા ભારતીયો છે. જેની સુરક્ષા માટે ભારત સરકાર પ્રયત્નશીલ છે. આ અંગે વડાપ્રધાન મોદીએ ખાતરી આપી હોવાનું પણ જાણવા મળે છે.

ઈરાને પણ જોર્ડન જેવા મુસ્લિમ દેશોને ઈઝરાયેલને મદદરૂપ થવા સામે ચેતવણી આપી છે.

આમ, ઈરાન-ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાતા વિશ્વમાં ચિંતા ફેલાવા પામી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh