Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કડિયાવાડ, ગ્રેઈન માર્કેટ, પ્લોટમાંથી સટ્ટો ઝડપાયોઃ
જામનગર તા. ૧૫: જામનગરના ધ્રોલ નજીકના સોયલ ટોલનાકા પાસે મોટરમાં શનિવારે રાત્રે યુઝર આઈડીથી ક્રિકેટનો સટ્ટો રમતા ત્રણ શખ્સને એલસીબીએ પકડી પાડ્યા છે. રોકડ, મોબાઈલ, મોટર મળી રૂ. ૧૫ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરાયો છે. છ શખ્સના નામ ખૂલ્યા છે. ગ્રેઈન માર્કેટ, દિગ્વિજય પ્લોટ તથા કડિયાવાડમાંથી ચાર શખ્સ ક્રિકેટનો સટ્ટો રમતા ઝડપાયા છે.
જામનગર-રાજકોટ માર્ગ પર ધ્રોલ નજીક આવેલા સોયલ ગામના પાટીયા પાસે શનિવારે રાત્રે એક મોટરમાં સટ્ટો રમાતો હોવાની બાતમી એલસીબીના સંજયસિંહ, હિતેન્દ્રસિંહ, દિલીપ તલાવડીયા, કાસમ બ્લોચને મળતા પીઆઈ વી.એમ. લગારીયાની સૂચનાથી પીએસઆઈ આર.કે. કરમટા, પી.એન. મોરી તથા સ્ટાફે રાત્રે ૧૧ વાગ્યે સોયલ પાટીયા પાસે દરોડો પાડ્યો હતો. ત્યાં ફોર્ચ્યુનર મોટરમાં બેસી આઈપીએલની મેચ પર સટ્ટો રમી રહેલા સુજરકરાડીના હાર્દિક અશોકભાઈ પોપટ, જામનગરના શંકરટેકરીવાળા પ્રવીણ રામજીભાઈ મકવાણા, સુરજકરાડીના પ્રવીણ રાજપાલભા માણેક નામના ત્રણ શખ્સ મળી આવ્યા હતા.
આ શખ્સોના કબજામાંથી રૂ. ૭૨૦૦ રોકડા, બે ફોન, રૂ. ૧૫ લાખની મોટર એલસીબીએ કબજે કરી છે. આ શખ્સોએ મીઠાપુરના જીલ, શાકીર શેખ, રાજકોટના જય, અમદાવાદના શિવલા, મીઠાપુરના પ્રતિપાલના નામ આપ્યા છે. રાજકોટના વીર ઉર્ફે વીરૂ ઝાલા નામના શખ્સે આઈડી આપ્યાનું ખૂલ્યું છે.
જામનગરના ગ્રેઈન માર્કેટ વિસ્તારમાં આવેલા ચેમ્બર રોડ પર નાકા નજીક શનિવારે રાત્રે જાહેરમાં ઉભા રહી પોતાના મોબાઈલમાં એક એપ્લિકેશનના માધ્યમથી શનિવારની આઈપીએલની મેચ પર સટ્ટો રમી રહેલા રામેશ્વરનગર નજીકની પટેલવાડીમાં રહેતા દીપ દિનેશભાઈ કોટેચા ઉર્ફે કાના નામના શખ્સને પોલીસે પકડી પાડ્યો છે. તેણે પોતાના સાગરીત નટુભાઈનું નામ તથા તેના બે મોબાઈલ નંબર આપ્યા છે પોલીસે રોકડ તથા મોબાઇલ મળી રૂ. ૫૯૫૦નો મુદ્દામાલ કબજે લીધો છે.
જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૩૬ પાસે ગઈકાલે રાત્રે મોબાઈલમાં એક એપથી ક્રિકેટનો સટ્ટો રમતા વિપુલ અમૃતલાલ ગોરી, મહેશ રામજીભાઈ મકવાણા નામના બે શખ્સને પોલીસે પકડી પાડ્યા હતા. આ શખ્સોએ કપાત લેતાં શખ્સના મોબાઈલ નંબર આપ્યા છે. પોલીસે એક મોબાઈલ સાથે રૂ. ૨૯૦૦નો મુદ્દામાલ ઝબ્બે લીધો છે.
જામનગરના કડિયાવાડ વિસ્તારમાં વિશ્વકર્મા ચોક પાસે ગઈકાલે રાત્રે મોબાઈલમાં ક્રિકેટનો સટ્ટો રમતા રોહિત જયંતિભાઈ ચાવડાને એલસીબીએ પકડી લીધો હતો. વંડાફળીવાળા વિરલ પુંજાણી નામના શખ્સે આઈડી આપ્યાનું ખૂલ્યું છે. એલસીબીએ મોબાઈલ, રોકડ મળી રૂ. ૫૨૦૦નો મુદ્દામાલ ઝબ્બે લીધો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial