Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફાયર સેફ્ટીની યોગ્ય વ્યવસ્થાના અભાવે આ કરૂણાંતિકા સર્જાઈ હોવાના સંકેતોઃ ડેપ્યુટી સી.એમ. ઝાંસીમાં
ઝાંસી તા. ૧૬: ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજમાં ગઈ મોડી રાત્રે શિશુ વોર્ડમાં શોર્ટ સર્કીટને કારણે આગ લાગતા અફડાતફડી મચી હતી. દસ બળકોના મૃત્યુ થતા આક્રંદ છવાયો હતો. અન્ય ૧૬ બાળકો જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.
ગઈકાલે રાત્રે ઉત્તરપ્રેશના ઝાંસીમાં મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજના નિયોનેટલ ઈન્ટેન્સિવ કેર યુનિટમાં લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા ૧૦ બાળકોના મોત થયા હતાં, જ્યારે ૧૬ અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતાં.
શોર્ટ સર્કીટના કારણે આ અકસ્માત થયો હોવાનું માનવામાં આવે છે. આગના કારણે હોસ્પિટલમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. પરિવારજનો અને દર્દીઓ જીવ બચાવવા દોડવા લાગ્યા હતાં, પરિણામે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી.
ફાયરબ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને ૩૯ બાળકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતાં. અકસ્માત સમયે એનઆઈસીયુમાં કુલ પ૪ બાળકો દાખલ કરાયેલા હતાં. મૃતકના પરિવારોને પાંચ લાખ તથા ઘાયલના સ્વજનોને પ૦,૦૦૦ ની સહાયની જાહેરાત થઈ છે.
ઝાંસીના જિલ્લા અધિકારી અવિનાશ કુમારે જણાવ્યું કે, આગ લાગવાનું કારણ શોર્ટસર્કીટ હોઈ શકે છે. આ સમગ્ર મામલાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટનાને 'હૃદયદ્રાવક' ગણાવી હતી અને ઘાયલોને શ્રેષ્ઠ તબીબી સંભાળ પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો હતો, તેમજ એક્સ પર પોસ્ટ કરી લખ્યું છે કે, ઝાંસી જિલ્લાની મેડિકલ કોલેજના એનઆઈસીયુમાં અકસ્માતમાં બાળકોનું મોત અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક છે. જિલ્લા મેજિસ્ટ્રેટ અને સંબંધિત અધિકારીઓને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા સૂચના આપવામાં આવી છે. હું ભગવાન શ્રી રામને આત્માઓને શાંતિ અને ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરૂ છું.
મુખ્યમંત્રીએ ૧ર કલાકની અંદર ડિવિઝનલ કમિશનર અને પોલીસ નાયબ મહાનિરીક્ષક પાસેથી વિગતવાર અહેવાલ માંગ્યો છે. મુખ્યમંત્રીના નિર્દેશ પર ડેપ્યુટી સીએમ બ્રિજેશ પાઠક અને આરોગ્ય સચિવ પાર્થ સારથી સેન શર્મા મોડી રાત્રે ઝાંસી પહોંચ્યા હતાં. જિલ્લા મેજિસ્ટ્રેટ, વરિષ્ઠ પોલીસ અધિક્ષક સુધા સિંઘ અને નાયબ પોલીસ મહાનિરીક્ષક સહિત ઘણાં વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા અને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. એસએસપી સુધા સિંહે કહ્યું કે, ગંભીર રીતે ઘાયલ ૧૬ બાળકોની સારવાર ચાલી રહી છે અને તેમને બચાવવા માટે દરેક શક્ય પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તમામ ડોક્ટરો અને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ છે.
ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રિજે પાઠકે નવજાત બાળકોના મૃત્યુ અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. પ્રાથમિક તપાસમાં અકસ્માતનું કારણ શોર્ટસર્કીટ માનવામાં આવી રહ્યું છે.
એસએસપીએ જણાવ્યું હતું કે, 'આગ ક્યા સંજોગોમાં કે બેદકારીના કારણે લાગી તેની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે'. તેમણે એમ પણ જણાવ્યું કે અકસ્માત પછી કેટલાક માતા-પિતા તેમના બાળકોને ઘરે લઈ ગયા હતાં. એનઆઈસીયુમાં દાખલ બાળકોની સ્થિતિની ચકાસણી કરવામાં આવી રહી છે. મેડિકલ કોલેજે કહ્યું કે, અકસ્માત સમયે પર થી પ૪ બાળકોને એનઆઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતાં, જેમાંથી ૧૦ ના મોત થયા હતાં અને ૧૬ ની સારવાર ચાલી રહી છે.
ઉલ્લેખનિય છે કે, ૧૯૬૮ માં શરૂ થયેલી આ સરકારી મેડિકલ કોલેજ બુંદેલખંડ પ્રદેશની સૌથી મોટી હોસ્પિટલોમાંની એક છે. ઘટના પછી રાત્રે ૧ વાગ્યા સુધીમાં એનઆઈસીયુમાં બચાવ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ કહ્યું કે, ઘટના સાથે જોડાયેલા તેમા તથ્યોની તપાસ કર્યા પછી રિપોર્ટ સાર્વજનિક કરવામાં આવશે.
ફાયર સેફ્ટીની યોગ્ય વ્યવસ્થાના અભાવે આ ભયાનક સ્થિતિ સર્જાઈ હતી. ઘણાં બાળકોને બારીમાંથી બહાર ફેંકી દેવા પડ્યા હતાં. ડીએમએ કહ્યું કે જે બાળકો એનઆઈસીયુની બહાર હતાં તેઓને બચાવી લેવામાં આવ્યા હતાં.
નજીકના મહોબા જિલ્લામાં રહેતા એક દંપતી તેમના નવજાત બાળકના મૃત્યુથી આઘાતમાં છે. માતાએ પત્રકારોને જણાવ્યું કે બાળકનો જન્મ ૧૩ નવેમ્બરે સવારે ૮ વાગ્યે થયો હતો. શોકગ્રસ્ત માતાએ જણાવ્યું હતું કે, તેના બાળકે આગમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. મેડિકલ કોલેજના કથિત દૃશ્યોમાં ગભરાયેલા દર્દીઓ અને તેમના એટેન્ડન્ટ્સ બહાર દોડી આવતા દર્શાવવામાં આવ્યા હતાં, જ્યારે કેટલાક પોલીસકર્મીઓ બચાવ અને રાહત પગલામાં મદદ કરી રહ્યા હતાં.
વડાપ્રધાન અને મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યું દુઃખ
આ ગમખ્વાર ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિતના નેતા ગણે શોક વ્યક્ત કર્યો છે અને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી ઘાયલો તથા તેના પરિવારોને આશ્વાસન આપ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial