Advertisement
Author: નોબત સમાચાર

આંતરરાષ્ટ્રીય અશાંતિ, અજંપો, આતંકી ઘટનાઓ અને અવિશ્વાસનો અંત ક્યારે?

૫ાકિસ્તાન, બાંગ્લાદેશ, યુ.એ.ઈ., રશિયા, યુક્રેન, અમેરિકા, ચીન, ઈઝરાયેલના તાજા ઘટનાક્રમો ચર્ચામાં... યુદ્ધો અટકાશે ખરા?

દુનિયામાં અત્યારે અનિશ્ચિતતાઓ, અશાંતિ, અવિશ્વાસ અને યુદ્ધોનો માહોલ છે, તેમાં પણ આતંકીઓનો પોષક દેશોમાં જ આતંકવાદી હુમલાઓ થઈ રહ્યા હોવાથી વિશ્વમાં વિશ્વસનિયતાની કટોકટી સર્જાઈ રહેલી જણાય છે. આ બધા ઘટનાક્રમો વચ્ચે બદલાતી સરકારો, બદલાતી રણનીતિઓ તથા કેટલીક અણધારી ઉથલપાથલોના કારણે વિશ્વમાં અત્યારે દ્વિધા, દુઃખ અને દયનીય ભાવનાઓ પણ ઉભરી રહેલી જણાય છે. ભારતના પડોશી દેશોમાં પણ ઘણી જ ઉથલપાથલો થઈ રહી છે અને આંતરયુદ્ધ જેવી સ્થિતિ છે. આ દરમિયાન ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ, ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસનું વોરન્ટ પણ ચર્ચાના  કેન્દ્રમાં છે. ઈઝરાયેલના પીએમ સામેની આ કાર્યવાહી પણ ચર્ચામાં છે જ...

યુએઈના દબાણ હેઠળ પાકિસ્તાન?

પાકિસ્તાને યુએઈના દબાણ હેઠળ ભિખારીઓ સામે ઊઠાવેલા કદમની ચર્ચાએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાવનાત્મક તથા હાસ્યાસ્પદ સ્વરૂપ ધારણ કરી લીધું છે, અને પાકિસ્તાનમાં પ્રવર્તતા ભૂખમરાનો પણ પર્દાફાશ થયો છે. મીડિયા અહેવાલો મુજબ યુએઈ એ પાકિસ્તાનને એલ્ટિમેટમ આપ્યા પછી ભિક્ષાવૃત્તિ કરતા લોકો સામે પાકિસ્તાનની શાહબાઝ સરકારે કદમ ઊઠાવ્યા પછી તેના મિશ્ર પ્રત્યાઘાતો પડી રહ્યા છે, અને પાકિસ્તાનની સરકારે ભિખારીઓને દંડવાના બદલે કે પછી ભિક્ષાવૃત્તિ બંધ કરાવવા દમનકારી પગલાં લેવાના બદલે અસંખ્ય લોકોને ભિખ માંગવી પડી રહી છે અને ભિખારીઓની સંખ્યા વધવાનું કારણ શું છે, તેની શોધખોળ કરીને તેના સંદર્ભે જરૂરી કદમ ઊઠાવા જોઈએ, તેવા આંતરરાષ્ટ્રીય કક્ષાના અભિપ્રાયો વ્યક્ત થઈ રહ્યા છે.

પાકિસ્તાનમાં આતંકી હુમલો

પાકિસ્તાનમાં જે રીતે શિયાઓ પર આતંકી હુમલાઓ થઈ રહ્યા છે, તે ભયંકર ગૃહયુદ્ધને નોતરશે, કારણ કે બલુચિસ્તાનમાં રહેતા શિયાઓ પાકિસ્તાનથી અલગ થવાની બલુચિસ્તાનની માંગણીને વધુ બળ આપશે, અને શિયા-સુન્ની-મુજાહિદનો કોમી વિખવાદ વધુ વકરશે. પાકિસ્તાનમાં થયેલા તાજા આતંકી હુમલાઓમાં અસંખ્ય નિર્દોષ લોકો માર્યા ગયા પછી શાહબાઝ સરકાર આંતરરાષ્ટ્રીય સવાલો તથા પડકારોનો સામનો કરી રહી છે.

યુક્રેન પર આઈસીબીએમથી હુમલો

રશિયાએ કાસ્પિયન સી અને આસ્તાખાન સેક્ટરમાંથી મિગ-૩૧૦ કે ફાઈટર જેટ દ્વારા યુક્રેન પર આઈસીબીએમથી હુમલો કર્યા પછી છેલ્લ કેટલાક સમયથી ધીમુ પડી ગયેલું રશિયા-યુક્રેન યુદ્ધ વધુ વેગ પકડશે, તેવી આશંકાઓ ફેલાઈ રહી છે. યુક્રેને ગઈકાલે આક્ષેપ કર્યો હતો કે રશિયાએ યુક્રેન પર પહેલી વાર ઈન્ટર કોન્ટીનેન્ટલ મિસાઈલથી હુમલો કર્યો છે, જે હજારો કિલોમીટર દૂર સુધી સચોટ નિશાન લગાવીને પ્રહાર કરી શકે છે. રશિયાનું કહેવું એવું છે કે, યુક્રેને છોડેલા બ્રિટિશ સ્ટોર્મ શેડો મિસાઈલ્સને ખતમ કરી નાંખ્યા છે!

આ ઘટનાક્રમ પછી રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ સ્થાપવાની વાત તો દૂર રહી, પરંતુ યુદ્ધ વધુ વકરશે અને વાતચીતની તમામ સંભાવનાઓ ખતમ થઈ ગઈ હોવાના અભિપ્રાયો પણ આતંરરાષ્ટ્રીય કક્ષાએ વ્યક્ત થઈ રહ્યા છે.

અવામી લીગ પર પ્રતિબંધ મૂકવાની બાંગ્લાદેશમાં માંગણી

બીજી તરફ ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલાઓના વિવાદ વચ્ચે અમેરિકામાં ટ્રમ્પની સત્તાવાપસી પછી હવે શેખ હસીનાની પુનઃ એન્ટ્રી થશે, તેવા ભયના કારણે શેખહસીનાના વિરોધી પરિબળોએ બાંગ્લાદેશની વચગાળાની સરકાર સમક્ષ શેખ હસીનાની પાર્ટી અવામી લીગ પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરી છે, તેથી મહમદ યુનુસની વચગાળાની સરકાર દ્વિધામાં મૂકાઈ ગઈ છે. બાંગ્લાદેશની વિદ્યાર્થીઓની નવી નેતાગીરી અવામ લીગ પર પ્રતિબંધની માંગણી કરી રહી છે, જ્યારે નેશાલિસ્ટ પાર્ટી અવામી લીગ પર પ્રતિબંધના વિરોધમાં છે. ટ્રમ્પના વિજય પછી મોહમ્મદ યુનુસ સરકાર પર ચૂંટણીઓ યોજવાનું દબાણ વધી રહ્યું છે અને હિન્દુઓ પર હુમલાઓના વિષય પર ભારતના મિત્રદેશોના પ્રેસરના કારણે યુનુસ સરકાર માટે હવે શેખહસીનાને દેશની બહાર રાખીને અને અવામી લીગ પર પ્રતિબંધ મૂકીને શાંતિ સ્થાપવી સંભવ જણાતી નથી. જોઈએ હવે શું થાય છે તે.

પાકિસ્તાનમાં પ્રપંચો

પાકિસ્તાનમાં પણ પોલિટિકલ પ્રપંચો અટકી રહ્યા નથી. પાક.ના પૂર્વ પી.એમ. ઈમરાનખાન પર એકસોથી વધારેથી વધુ કેસો ચાલી રહ્યા છે, અને આતંકવાદી અપરાધીઓને મુક્ત રાખનાર શાહબાઝ સરકાર ઈમરાનખાનને એક પછી એક કેસના સંદર્ભે જેલમાં રાખી રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ઈસ્લામાબાદ કોર્ટે તોશાખાના કેસમાં જામીન આપ્યા પછી ગણતરીના કલાકોમાં જ અશાંતિ ફેલાવવાના કેસમાં ફરી જેલમાં મોકલ્યા હોવાના અહેવાલોએ પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ સારી એવી ચર્ચા જગાવી છે.

આઈસીસીના વોરન્ટ

અમેરિકાની એક અદાલતે અદાણીની સામે ધરપકડ વોરન્ટ કાઢ્યુ, તેનો સંદર્ભ, વિષિમ અને આક્ષેપો ભ્રષ્ટાચાર, લાંચ અને આર્થિક ક્ષેત્રના હોવાથી તેના વૈશ્વિક પ્રત્યાઘાતો પડ્યા અને અદાણી ગ્રુપે આક્ષેપોનો જવાબ પણ વિવિધ માધ્યમોથી રજૂ કરી દીધો, પરંતુ આઈસીસી એટલે કે ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ દ્વારા ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂ સામે વોરંટ કાઢ્યું, તેની ચર્ચા અદાણીની સરખામણીમાં ભારતમાં થોડી ઓછી થઈ હશે, પરંતુ નેતન્યાહૂ સામે ઈન્ટરનેશનલ કોર્ટના વોરન્ટને સાંકળીને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પૂતિન વિરૂદ્ધ નીકળેલા વોરન્ટની ચર્ચા પણ નવેસરથી થઈ રહી છે.

વોરન્ટ હોય કે ધરપકડ હોય, કાનૂની પ્રક્રિયાની પેચીદગીઓ એવી હોય છે કે આંતરરાષ્ટ્રીય અદાલતોના આદેશોનો અમલ સાર્વભૌમત્વ ધરાવતા દેશોની સક્રિયતા અને સહયોગ પર આધારિત રહેતી હોય છે, જ્યારે ભારતમાં જ ઘણાં બધા રાજનેતાઓ વર્ષોના વર્ષો સુધી જામીન પર છૂટીને રાજનીતિ કરી રહ્યા હોય, ત્યારે આંતરરાષ્ટ્રીય વોરન્ટોનો અમલ થવો કેટલો મુશ્કેલ છે, તે સમજી શકાય તેવું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh